ભાવ વધી જતાં સરકારે કાંદાની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવ્યો

અમદાવાદ,રવિવાર

ગુજરાત, મુંબઈ અને દિલ્હી સહિતના વિસ્તારોમાં કાંદાના કિલોદીઠ ભાવ રૂા.70થી 80ની સપાટીને આંબી જતાં ભાવમાં હજી વધુ વધારો આવે તે પહેલા જ બપોરે 1.31 કલાક ટ્વિટ કરીને કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાનો નિર્ણય લીધો છે.  ભારત સરકાોરના પ્રવક્તા સિતાંશુ કરે ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે કાંદાની નિકાસ અંગેની નીતિમાં સુધારો કરીને ફ્રી-મુક્તથી બદલીને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.

અમદાવાદ અને ગુજરાતમાં કાંદાના કિલોદીઠ ભાવ રૂા.60થી 70ની આસપાસ બોલાઈ રહ્યા છે. કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ વિસ્તારે આ પ્રતિબંધ લગાવ્યો છે. કાંદાની તમામ વેરાયટીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાનો  આજે બપોરે જ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત અને ભારતના મોટાભાગના ઘરોમાં કાંદાનો નિયમિત ઉપયોગ થતો હોવાથી અને તેના ભાવ વધી જાય તો સરકારને માથે માછલાં ન ધોવાય તે માટે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે. સરકાર નવા આદેશ ન આપે ત્યાં સુધી કાંદાના નિકાસ કરવા પર પ્રતિબંધ અમલમાં રહેશે.

કાંદાના હોલસેલના ભાવ વધીને ક્વિન્ટલદીઠ રૂા.4000ની સપાટીને આંબી ગયા હતા. આમ ક્વિન્ટલદીઠ ભાવમાં છેલ્લા 20થી 25 દિવસમાં જ રૂા.1000નો વધારો આવી ગયો હતો. છેલ્લા ચાર વર્ષમાં કાંદાના ભાવમાં આટલો મોટો વધારો જોવા મળ્યો નથી. છેલ્લા છ મહિનામાં જ કાંદાના કિલોદીઠ ભાવમાં રૂા.25નો વધારો જોવા મળ્યો છે. ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં કાંદાની ઉપજ ઘટી જતાં અને કાંદાના પાકને નુકસાન થતાં સપ્લાય ઓછો થઈ ગયો છે. બીજીતરફ વાવેતર કર્યા બાદ પાક તો બરાબર થયો હતો પરંતુ ખેંતરમાંથી કાંદા કાઢી શક્યા નથી. તેથી પણ તેનો સપ્લાય ઓછો થયો છે.

અમદાવાદના કાંદાના હોલસેલના વેપારી કિશોર પરિયાનીનું કહેવું છે કે અત્યારે કાંદાની 30 ગાડી એટલે કે રોજના 400 ટનથી આસપાસ મહારાષ્ટ્રથી અને 10થી 15 ગાડી ગુજરાતના જૂનાગઢ, ધોરાજી, ઉપલેટા, ભાયાવાદરથી આવે છે. પરંતુ ડુંગળીના ભાવે ભૂતકાળમાં સરકારના આસાન ડોલાવ્યા હોવાથી  ડુંગળીના ભાવને મુદ્દે સરકાર વધુ સંવેદનશીલ છે. તેથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જણાય છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે પણ ભારે વરસાદ હોવાથી શિયાળુ કાંદા માટેનું વાવેતર ટલ્લે ચઢ્યું છે. પરિણામે આગામી મહિનાઓમાં પણ કાંદાનો સપ્લાય આવવામાં વિલંબ થશે. જોકે હોલસેલના માર્કેટમાં આજે પણ સારામાં સારી ક્વોલિટીના કાંદાનો-ડુંગળીનો ક્વિન્ટલદીઠ રૂા.40નો છે. પરંતુ રિટેઈલમાં આ ભાવ રૂા.60થી 70ને વટાવી રહ્યો છે. તેથી સરકાર કદાચ વધુ ચિંતિત બની છે. ભૂતકાળનો તેનો ખરાબ અનુભવ હોવાથી ડુંગળીના ભાવ વધારાને તે અત્યંત સંવેદનશીલ ગણે છે.

અમદાવાદથી રાજકોટ, મહેસાણા, પંચમહાલ સહિતના પરિસરના જિલ્લાઓમાં પણ ડુંગળીનો સપ્લાય જઈ રહ્યો છે. તેમાં પણ કોઈ અવરોધ આવી રહ્યો નથી.

આમેય હોલસેલના ભાવ અને રિટેઈલના ડુંગળી સહિતની શાકભાજીના ભાવમાં છેલ્લા ત્રણથી પાંચ વર્ષમાં મોટો  ગાળો જોવા મળી રહ્યો છે. હોલસેલમાં ઓછો ભાવ હોય તો પણ રિટેઈલર્સ ઊંચા ભાવે માલ વેચીને ગૃહિણીઓ પર ખર્ચ બોજ વધારવાનું કામ કરી રહ્યા છે. તેમાંય અમદાવાદના ચોક્કસ વિસ્તારમાં તેઓ બેફામ ભાવ લઈ રહ્યા છે. જરૂરિયાત કરતાં વધુ વરસાદ પડ્યો હોવાને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિને ગેરલાભ લેવા માટે કેટલાક સંગ્રહખોરો પણ સક્રિય બન્યા હોવાનું સરકારને જણાતા સરકારે સંગ્રહખોરોને પણ અંકુશમાં લેવાનું આયોજન કર્યું હતું.

સંગ્રહખોરોના આયોજનને ખોરવી નાખવા માટે સરકારે તેની પાસેના 56000 ટનના સ્ટોકને બજારમાં મૂકવા માંડ્યો છે. અત્યાર સુધીમાં 16000 ટન માલ બજારમાં સરકારે ઠાલવી દીધો છે. નાફેડ અને નેશનલ કોઓપરેટીવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા કિલોદીઠ રૂા.22-23ના ભાવે  ડુંગળી વેચી રહ્યા છે. મધર ડેરીના સફલ સ્ટોર્સના માધ્યમથી પણ આ વેચાણ કરવામાં આવી રહ્યું છે. કિલોદીઠ રૂા.23.90ના ભાવે વેચાણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ સરકાર લોકોના હિતમાં કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના માધ્યમથી લોકોને માટે કાંદાના વેચાણની કામગીરી કરી શકે છે. ભૂતકાળમાં આનંદીબહેનની સરકારે કાંદા અને બટાકાનું આ રીતે વેચાણ કરાવીને બજારના સ્થાપિત હિતોને મહાત આપવાનું આયોજન કર્યું હતું.