ભૂપેન્દ્રસિંહ પર કોર્ટની ભિંસ વધી, 27મીએ જુબાની માટે હાજર થવા ફરમાન

અમદાવાદ, તા. 23

રાજ્યના શિક્ષણ અને કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે. ચૂડાસમાની જીતને પડકારતી અરજી મુદ્દે સુનાવણી મામલે ગુજરાત હાઈકોર્ટે તેમની સામે ઈલેક્શન પિટીશન કેસમાં જુબાની આપવા માટે સમન્સ ઈશ્યૂ કર્યું છે. અને ચૂડાસમાને 27મી ઓગસ્ટે હાજર રહેવાના ફરમાન સાથેનું આ સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અશ્વિન રાઠોડે ચૂડાસમાની જીતને રદ્દ કરતી અરજી હાઈકોર્ટમાં કરી હતી જે સંદર્ભે તેમને આ સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. સમન્સ ઈશ્યૂ થતાની સાથે ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

શું છે આખો કેસ?

આ કેસની વિગત એવી છે કે, 18મી ડિસેમ્બર 2017ના રોજ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરાયા હતા. જેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને માત્ર 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં ન આવી હોવાના કારણે વિવાદ ઊભો થયો હતો. તેથી અશ્વિન રાઠોડે ફરિયાદ કરતા જણાવ્યું કે, 429 જેટલા બેલેટ પેપર કે જેમાં મોટાભાગના તેમના તરફી મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા નહતા. ચૂંટણી પંચના નિયમો અનુસાર ઈવીએમની મતગણતરી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. જોકે, આ નિયમને નેવે મૂકીને ઈવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે જ ચૂડાસમાને લાભ કરાવવાના હેતુથી ડેપ્યૂટી કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરાઈ હતી.

ચૂંટણી પંચે શું કહ્યું હતું?

ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલાં લેવા પણ જણાવ્યું હતું.

આજે આ કેસની સુનાવણીના અંતે ગુજરાત હાઈકોર્ટે રાજ્યના શિક્ષણ અને કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સામે જુબાની આપવા 27 ઓગસ્ટે હાઈકોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે, 27મી ઓગસ્ટે કોર્ટ ચૂડાસમા સામે કેવું વલણ અખત્યાર કરે છે.