ભ્રષ્ટાચારથી બનાસકાંઠાનાં સૂઈ ગામનાં મોરવાડા-2 માઈનોર નહેરમાં ગાબડું

બનાસકાંઠાનાં સૂઈ ગામનાં મોરવાડા-2 માઈનોર કેનાલમાં ગાબડું પડતાં આસપાસનાં વિસ્તારોનાં ખેતરો જળબંબાકાર થઈ ગયાં છે. કેનાલનાં પાણી ખેતરોમાં ઘૂસી જતાં ઊભા મોલને પણ નુકસાન થયું છે તેનાં કારણે જગતનાં તાતમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યાં છે ત્યારે આ કેનાલો બનાવવામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત થઈ રહ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, સૂઈ ગામનાં મોરવાડા-2ની માઈનોર કેનાલમાં 5 ફૂટથી મોટું ગાબડું પડ્યું છે. અને છેલ્લાં 1 મહિનાનાં ગાળામાં જ 10થી વધુ વખત આ કેનાલમાં ગાબડાં પડતાં કેનાલનાં નિર્માણમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિક ખેડૂતો માની રહ્યાં છે.
નર્મદાની મુખ્ય કેનાલ જે 460 કિલોમીટર લાંબી છે જે કેવડિયાથી રાજસ્થાન સુધી જાય છે. બનાસકાંઠામાં તે  કાંકરેજ  તાલુકાના ખારીયાથી થરાદના રડકા સુધી જાય છે ત્યાર બાદ તે રાજસ્થાનમાં પ્રવેશે છે. આ કેનાલની પાંચ બ્રાન્ચ કેનાલ બનાસકાંઠા જિલ્લામાં છે. જેમાં વેજપુર 25, માડકા 19, ઢીમા 14, ગળસીસર 22 અને માલસણની 16 કિલોમીટરની કેનાલનો સમાવેશ થાય છે. આ પાંચ બ્રાન્ચ કેનાલોમાંથી 47 ડિસ્ટ્રીબ્યૂટરી કેનાલ છે જે 321.11 કિલોમીટરની છે. આ ઉપરાંત 267 જેટલી માઈનોર કેનાલ આવેલી છે. જે 851 કિલોમીટરની છે. આ તમામ કેનાલ થકી બનાસકાંઠા જિલ્લામાં 1,29,870 હેક્ટર જમીનમાં પિયત થઈ શકે છે. તે સિવાય બનાસકાંઠા જિલ્લાનાં છેવાડાનાં 10 જેટલાં ગામોમાં આજે પણ પાણી પહોંચતું નથી.
સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલમાં ગાબડાં મુખ્યત્વે માઈનોર અને ડિસ્ટ્રીબ્યૂટરી કેનાલમાં જ પડે છે અને તેમાં રાજ્ય સરકારનાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મેળાપીપણાં હોવાનું સાબિત થાય છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. એવું કહેવાય છે કે, રાત્રિનાં સમયે મશીન દ્વારા ખેડૂતો પાણી ખેંચવાનું બંધ કરે છે અને ત્યાં પાણી ભરાઈ જવાથી ગાબડાં પડે છે. આ ઉપરાંત ઉંદરોનાં દરનાં કારણે પણ આ કેનાલોમાં ભંગાણ પડે છે. આ કેનાલોમાં છેલ્લાં એક વર્ષ દરમિયાન 8 જેટલાં ગાબડાં નોંધાયા છે અને આ કેનાલ બન્યા બાદ અત્યારસુધીમાં 124 ગાબડાં પડ્યાં હોવાનું પણ સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યાં છે. આ મામલે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી અને કામગીરી હાથ ધરાય છે તો તેમાં પણ મેળાંપીપણાંનાં કારણે યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નથી.
સામાન્ય રીતે કેનાલનું રીપેરીંગ જે તે એજન્સી કરે છે, જેણે કેનાલ બનાવી તે પાંચ વર્ષ માટે રીપેરીંગ માટેના કરાર કર્યા હોય છે. પરંતુ આ એજન્સીઓ રિપેરિંગ કરવામાં પણ કચાશ જ રાખતી હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે. હવે જ્યારે ફરીએકવાર આ કેનાલમાં ગાબડું પડ્યું છે ત્યારે જોવું એ રહ્યું કે, રાજ્ય સરકાર આ મામલે કેવાં પગલાં ભરે છે