મંદીના માહોલમાં પોતાના ખર્ચા ઉપર ગુજ્જુઓ કાપ મૂકી રહ્યા છે

અમદાવાદ, તા. 24

મંદીના માહોલ વચ્ચે હવે લોકો પોતાના ખર્ચાઓ પર પણ કાપ મૂકવા માટે મજબૂર થઈ ગયા છે. એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર મસમોટા દાવા કરીને લોકોમાં એવું ઠસાવી રહી છે કે, ક્યાંય મંદીનો માહોલ નથી. પરંતુ મેદાની હકીકત કંઈક અલગ વસ્તુ જ બયાન કરે છે. અમદાવાદ શહેરના દુકાનદારો, વાહનોના ડિલર્સ વગેરેને આ વર્ષે તહેવારો દરમિયાન જોઈએ એવો પ્રતિસાદ ઉપભોક્તાઓ તરફથી મળ્યો નથી. એ જ બતાવે છે કે, રાજ્યમાં મંદીનું મોજું એવું તો ફરી વળ્યું છે કે, લોકો પોતાની જીવનજરૂરી વસ્તુઓ ખરીદવામાં કાપ મૂકી રહ્યા છે.

ગુજરાતના લોકો છેલ્લા કેટલાક સમયથી હવાઈ યાત્રા, ટૂ-વ્હિલર, કાર અને એફએમસીજી પ્રોડક્ટસ જેવા ખર્ચાઓ પર કાપ મૂકી રહ્યા છે. ભારતીયોએ બાઈક અને વાહનો પર થતા ખર્ચામાં પણ કાપ મૂક્યો છે. આ સાથે તેઓ હવાઈયાત્રા કરવાનું ટાળી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. હવાઈ યાત્રા સિવાય નાનામાં નાની વસ્તુ એટલે કે શેમ્પુ અને સાબુ જેવી ખરીદીમાં ગુજરાતીઓ કાપ મૂકી રહ્યા હોય તેવું ધ્યાન પર આવ્યું છે. એમ કહી શકાય કે ભારતીયો ઉપભોગના સાધનો પાછળ ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છે.

છેલ્લા દસ મહિનામાં પેસેન્જર કાર ખરીદીમાં પણ લોકોએ ઓછો રસ દાખવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઉપભોક્તાઓની પસંદગીની એફએમસીજી વસ્તુની ખરીદી છેલ્લા કેટલાક સમયથી ઓછી જોવા મળી છે. આ અંગે એક કાર ડીલરના સેલ્સ એક્ઝિક્યૂટિવે જણાવ્યું કે, આપણા અમદાવાદીઓ પ્રતિ વર્ષ પ્રત્યેક તહેવારોમાં પોતાના પરિવારની સવલત માટે નવું વાહન ખરીદતા હોય છે. પરંતુ આ વર્ષે દેશમાં જે રીતે મંદીનું બૂલડોઝર ફરી વળ્યું છે તેના કારણે લોકો નવું વાહન ખરીદવાનું ટાળી રહ્યા છે. આટલું ઓછું હોય એમ દરવર્ષે કાર ઉત્પાદક કંપનીઓ ગુજરાતીઓના ઉત્સાહને ધ્યાનમાં લઈને તેમને માટે વિશેષ યોજનાઓ પણ જાહેર કરતા હોય છે. પરંતુ આ વર્ષે શરૂઆતના સમયમાં કાર કંપનીઓ દ્વારા ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઈ, પણ જોઈએ એવો પ્રતિસાદ ન મળતાં વર્ષ દરમિયાનના અન્ય તહેવારો માટે કોઈ ડિસ્કાઉન્ટ યોજના જાહેર જ ન કરી. એ જ બતાવે છે કે, મંદીના મારના કારણે લોકો હવે વાહન ખરીદવાનું ટાળી રહ્યા છે.

જૂન 2013 બાદ હવાઈ યાત્રીઓની સંખ્યામાં સૌથી ઓછો વધારો નોંધાયો છે. આગામી સરકારે ઉપભોગના સાધનોને પ્રોત્સાહન પૂરૂં પાડવાનું રહેશે કેમકે ભારતીયો દ્વારા ખર્ચમાં કાપ મૂકાતા તેની અસર અર્થવ્યવસ્થા પર પડશે. ભારતમાં છેલ્લા 2 વર્ષોથી ખેતીની આવકમાં સુસ્તીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જીએસટીના કારણે વસ્તુઓની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તેનું  અન્ય કારણ એ છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં થયેલ ઈન્ફ્રાસ્ટ્રકચર લિઝિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ (આઈએલએફએસ)ના ડિફોલ્ટના કારણે નાણાંકીય સંકટ ઉદભવતા લોકો પોતાના ખર્ચામાં કાપ મૂકાતા જોવા મળી રહ્યા છે. કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝના સંજીવ જણાવે છે કે મૈક્રો અને માઇક્રો એ જણાવે છે કે

ઘરખર્ચમાં મૂકવામાં આવતા કાપનું કારણ અનિયમિત વેતનવૃદ્ધિ પણ હોઈ શકે. ભારતીયો દ્વારા કરવામાં આવતા ખર્ચ ઘટાડાની સીધી અસર ટૂ-વ્હિલર અને ખાસ કરીને સ્કૂટર સેગમેન્ટ પર થઈ રહી છે. આ સેક્ટરમાં સૌ પ્રથમ વખત વૃદ્ધિ દર નેગેટિવ જોવા મળી રહ્યો છે. મોટાભાગે ટૂ-વ્હિલરનો સૌથી વધુ વપરાશ શહેરી વિસ્તારોમાં થાય છે, પરંતુ શહેરમાં પણ ટૂ-વ્હિલરની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.