રાજકોટ તા. ૧ર
મગફળીનું વિક્રમ જનક વાવેતર રાજ્યમાં થયું હતું. યોગ્ય વરસાદ અને ખેડૂતકોની માવજતને કારણે આ વર્ષે મગફળીનો પાક સારો એવો ઉતર્યો છે જેથી ગુજરાત સરકાર દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં મગફળી ખરીદી અંગે રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. રાજકોટ જીલ્લામાં ૭ર હજાર સહિત રાજયભરમાં કુલ ચાર લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દરમિયાન પુરવઠાના અગ્રસચિવે રાજયભરના ડીએસઓ-અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં સોમવારથી રજીસ્ટ્રેશન કરવામાં આવેલા ફોર્મની ચકાસણી કરવાના આદેશો કરાયા હતાં. રાજકોટ જીલ્લામાં ૭ર હજારથી વધુનું રજીસ્ટ્રેશન થયું છે, સોમવારથી દરેક તાલુકા લેવલે ગ્રામ પંચાયત ખાતે ગામડા દીઠ રેવન્યુ અન તલાટી તપાસ કરશે, રાજકોટ તાલુકામાં ૭ હજાર ફોર્મ ભરાયા છે. આ પછી જીલ્લા વિસ્તરણ અધિકારીને પણ તલાટીઓના તપાસ અહેવાલ ઉપર પણ ફોર્મની ચકાસણી કરશે. ત્યારબાદ દરેક ટીડીઓ-મામલતદાર પણ અંદાજીત ૧૦ ટકા ફોર્મની ચકાસણી કરશે. રાજ્યના અગ્રસચિવે સમગ્ર ચકાસણીનો અહેવાલ સાત દિવસમાં આપવા આદેશ કર્યો છે. જોકે આ વર્ષે મબલખ પાક ઉતર્યો છે અને ભાવ પણ સારો આવી રહ્યો હોવાને કારણે ખેડૂતો ખુશ છે. મગફળીની ગુણવત્તા પણ સારી આવી છે.