રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલતાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા આગામી તા. ૨૮મી જુલાઇથી ગાંધીઆશ્રમ ખાતે ૭૨ કલાકના ઉપવાસ આંદોલન શરૂ કરશે તેમ ગુજરાત મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળ, ગાંધીનગરના પ્રમુખ ચંદનસિંહ વાઘેલાએ જણાવ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૮ વર્ષથી અમારું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટનો પગાર ધોરણ/ લઘુતમ ધોરણ આપી કાયમી કરવાનો આદેશ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા તેનો અમલ કરાતો નથી. અમારી મુખ્ય ત્રણ માંગણીઓ છે. જેમાં પગાર ધોરણ/લઘુતમ વેતન સાથે કાયમી કરવા, એનજીઓને જે જિલ્લામાં દાખલ કરેલ છે તેને રદ કરીને છૂટા કરાયેલા કર્મચારીઓને પોતાના મૂળ સ્થાને પુન: નિમણૂક કરવા તેમજ મધ્યાહન ભોજન યોજનાના મેનૂ અને જીઆરમાં સુધારા વધારા કરવાની છે.