ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરની બે વર્ષની આવકનો આંકડો 17.30 કરોડ રૂપિયા થયો છે. આ જગ્યાએ બે વર્ષમાં વાયબ્રન્ટ સમિટ સહિત કુલ 51 સરકારી અને 56 ખાનગી કાર્યક્રમો થયાં છે. ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ વિભાગે જણાવેલ માહિતી પ્રમાણે 2017-18 ના વર્ષમાં 27 સરકારી અને 31 ખાનગી કાર્યક્રમો થયાં છે જે પેટે મહાત્મા મંદિરને 6,30,95,764 રૂપિયાની આવક થઇ છે. એવી જ રીતે 2018-19ના વર્ષમાં વાયબ્રન્ટ સમિટ સાથે 24 સરકારી અને 25 ખાનગી કાર્યક્રમો થયાં છે. આ કાર્યક્રમો પૈકી મંદિરને 11,09,38,790 રૂપિયાની આવક થઇ છે. આ બે વર્ષની આવક છતાં મહાત્મા મંદિરમાં જે ખાનગી કાર્યક્રમો યોજાયા છે તે પૈકી 48,64,649 રૂપિયા વસૂલ કરવાના બાકી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે મહાત્મા મંદિરના નિર્માણમાં પ્રથમ તબક્કા માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો જ્યારે બીજા તબક્કામાં 350 કરોડ કરતાં વધુ રકમનો ખર્ચ થયો છે.