મહેસાણા, તા.૧૮
મહેસાણાની બેડમિન્ટન સ્ટાર 14 વર્ષિય તસ્નિમ મીરે તાજેતરમાં દુબઇ ખાતે રમાયેલી જુનિયર ઇન્ટરનેશનલ સિરીઝની સિંગલ્સ અને ડબલ્સ એમ બંને ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ સાથે તસ્નિમની ઓક્ટોબરમાં રશિયામાં રમાનારી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં અંડર-19 ભારતીય ટીમની કપ્તાન તરીકે પસંદગી થઇ છે. દુબઇથી સોમવારે પરત મહેસાણા આવતાં ચાહકોએ તસ્નિમનું સ્વાગત કર્યું હતું.
તસ્નિમે મહિલા સિંગલ્સની ફાઇનલમાં ભારતની જ તેરેસા જોલીને 21-15, 21-15થી પરાજય આપી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. સેમી ફાઇનલમાં પણ તસ્નિમે શાનદાર પ્રદર્શન કરતાં એકતરફી વિજય મેળવ્યો હતો. તેણે દેશની તાન્યા હેમંતને 21-1, 21-0થી પરાજય આપ્યો હતો. મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ તસ્નિમ મીરે મિક્સ ડબલ્સમાં પણ ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. મિક્સ ડબલ્સની ફાઇનલમાં તેણે ભારતના પુરુષ ખેલાડી આયન રાશિદ સાથે જોડી બનાવી હતી. ફાઇનલમાં બંનેએ ત્રણ ગેમમાં જીત મેળવી હતી. જેમાં યુએઇની ગુલાહ ડવી પૂતરા અને ઇન્ડોનેશિયાની ઝેનાબા રીમ સિરાજની જોડીને 21-16, 22-24, 21-19થી પરાજય આપ્યો હતો.
આ બેવડી સિદ્ધિ હાંસલ કર્યા બાદ તસ્નિમ સોમવારે વતન મહેસાણા પરત ફરતાં પરિવારજનો સહિત ચાહકોએ વધાવી હતી. કોચ પિતા ઇરફાન મીરે કહ્યું કે, આગામી ઓક્ટોબરમાં રશિયા ખાતે યોજાનારી જુનિયર વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભારતની અંડર-19 ટીમના કેપ્ટન તરીકે તસ્નિમની પસંદગી થઇ છે. જે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં રશિયા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રમવા જશે.