મહેસાણામાં સ્પાના નામે ચાલતા કુટણખાનમાંથી મેનેજર અને બે યુવતી ઝડપાયા

મહેસાણા શહેરમાં માનવ આશ્રમ રોડ પર સોમેશ્વર મોલની સામે આવેલા ગોકુલધામ પ્લાઝામાં ધી ગ્રાન્ડ થાઇ સ્પા, બ્યુટી એન્ડ હેલ્થના નામે દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમીને આધારે ડીવાયએસપી મંજીતા વણઝારાએ સોમવારે સાંજે પોલીસ કાફલા સાથે રેડ કરી હતી. જેમાં સ્પા સેન્ટરના મેનેજર અને બે થાઇ યુવતીઓની ધરપકડ કરી હતી. જ્યારે તેનો સંચાલક ઝાલારામ દેસાઇ ફરાર થઇ ગયો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ધ ગ્રાન્ડ થાઇ સ્પા બ્યુટી એન્ડ હેલ્થના નામે બહારથી માણસો બોલાવીને અનૈતિક ધંધો કરતા હોવાની બાતમી આધારે ડીવાયએસપીએ એ ડિવિઝન પીએસઆઇ આર.આર. ત્રિવેદી, બી.વી. ઠક્કર અને મહિલા પોલીસને સાથે રાખી રેડ કરી હતી. બે બેડરૂમમાં ચાલતા આ સ્પા સેન્ટરમાં મોકલેલા ડમી ગ્રાહકે કરેલી સંજ્ઞાને આધારે પોલીસ તાત્કાલિક અંદર ઘૂસી હતી અને હાજર મેનેજર પ્રકાશ નાયક અને બે થાઇ યુવતીની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં જેમાં થાઇ સ્પા મસાજ પાર્લર છેલ્લા અઢી વર્ષથી ચાલતું હતું અને અહીંથી ઝડપાયેલી બે થાઇ યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર ભારત આવી હતી. પોલીસે જ્યારે રેડ કરી ત્યારે તેમની પાસેથી પાસપોર્ટ મળી આવ્યો ન હતો. સ્પાનો સંચાલક ઝાલારામ માલારામ દેસાઇ (રહે. રામોસણા, મૂળ રાજસ્થાન) પોલીસના હાથમાં આવ્યો ન હતો. આ સંબંધે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અહીં સફાઇકામ કરતો યુવક પણ રેડ દરમિયાન પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.