મહેસાણા અને વડનગરમાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

મહેસાણા, તા.૧૪

મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ. 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.

ઘીના નામે તેલની બનાવટની વનસ્પતિ બજારમાં ગ્રાહકોને પધરાવામાં આવતી હોવાની બુમરાડ ઉઠતી હોય છે. આ દરમ્યાન ઘીમાં ભેળસેળની આશંકામાં શનિવારે રાત્રે પહેલા મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ 33,દયાનંદપાર્ક સોસાયટીમાં ઘીના વેપારી જીતેન્દ્રકુમાર ચતુરદાસ પટેલને ત્યાં તપાસ કયા બાદ રેલો વડનગર સુધી પહોંચતાં ટીમ વડનગર પહોંચીને ગંજબજારમાં બીપીનકુમાર મહેશભાઇ પ્રજાપતિના મે.બીંદુ ફેટસ કેર એન્ડ પ્રોટીન્સ પેકેજીગ ફેક્ટરીમાં તપાસ આદરી હતી.

રાતભર ડીવાયએસપી મંજીતા વણઝારાની રાહબરીમાં ફૂડસેફ્ટી ઓફીસર જે.ડી.ઠાકોર તેમજ એચ.વી. ગુર્જરેએ સ્થળ ચકાસણી કરી બંન્ને ફર્મમાંથી બે-બે સેમ્પલ મેળવીને લેબ પરીક્ષણમાં મોકલવા તજવીજ કરી હતી. જેમાં મહેસાણામાં વેપારીને ત્યાંથી લૂજ ધી તેમજ ઇન્ટરએસ્ટરીફાઇડ વેજીફેટનો રૂ. 5060નો તેમજ વડનગરના વેપારી ફર્મમાંથી ઇન્ડર એસ્ટરીફાઇડ વેજીફેટનો રૂ.76410નો જથ્થો શંકાસ્પદ જણાઇ આવતા સેમ્પલ મેળવીને જપ્ત કર્યો હતો. તંત્ર દ્વારા બંને સ્થળેથી કુલ બંને સ્થળેથી ચાર સેમ્પલ લઇ રૂ.84470નો જથ્થો જપ્ત કર્યો હતો.

મહેસાણામાં વેપારી જીતેન્દ્રકુમાર ચતુરદાસ પટેલને ત્યાથી શિવમ ઇન્ટરએસ્ટરીફાઇડ વેજીફેટ(પેક)પેકર્સ વીર માર્કેટીગ ડીસાનો નમૂનો લઇને 3.6 લીટર રૂ.1980, લૂઝ ઘી નમૂનો લઇને 44 કિલો રૂ.3080 મળી કુલ 5060નો જથ્થો જપ્ત કરાયો હતો. જ્યારે વડનગરમાં બીપીનભાઇ મહેશભાઇ પ્રજાપતિની પેકેજીગ ફેક્ટરીમાંથી ઇન્ટરએસ્ટરીફાઇડ વેજી ફેટ (લૂઝ)નું સેમ્પલ લઇને 388 કિલો કિ.26000 તેમજ 450 મીલી પેક ટીનના ઇન્ટરએસ્ટરીફાઇડ વેજીફેટ(પેક)ના સેમ્પલ લઇને 1226 ટીન 686 લીટરના કિ.રૂ. 53410 મળી કુલ રૂ. 76410નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

ઘીના નામે બજારમાં લૂઝમાં તેલ બનાવટનું ઇન્ટરએસ્ટરીફાઇડ વેજીટેબલ ફેટ ગ્રાહકોને પધરાવાતુ હોય છે. જેની સાવચેતી રાખવી જોઇએ. મહેસાણા-વડનગરના ચાર સેમ્પલ પૈકી મહેસાણાની તપાસમાં 44 કિલો લૂઝ ઘી પણ જપ્ત કરાયુ છે. જેના સેમ્પલ લેબ પરીક્ષણમાં મોકલાયા છે. જ્યારે વડનગરમાં ગંજબજારમાંથી ઇન્ટરએસ્ટરીફાઇડ વેજીફેટના બે સેમ્પલ લેવામાં આવ્યા હતા. રેડ બાદ ફેક્ટરીને તાળાં લાગેલા હતા.

ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીટેબલ ફેટ એ અલગ ખાદ્યપદાર્થ છે. જે તેલમાંથી બનાવવામાં આવે છે. લૂઝ સ્વરૂપમાં વેચાણ કરવામાં આવે તો ઘી તરીકે રવામાં આવતુ હોય છે. લોકોએ સાવચેતી રાખવીને ઘીની ખરીદી કરવી જોઇએ. પેક ધીના પેકેટ ઉપર GHEE સિવાય શબ્દો નથી. તેની કાળજી રાખવી જોઇએ તેમ ફુડ એન્ડ ડ્રગ્સના ડીગ્નેટેડ ઓફીસર કે.આર. પટેલે જણાવ્યુ હતું.