મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે 12 ઉમેદવારના ફોર્મ રદ થયા

મહેસાણા, તા.૨૯

વાર્ષિક રૂ.9000 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા અર્બન કો-ઓ. બેંકના 17 ડિરેક્ટરો માટે યોજાનારી ચૂંટણીમાં બુધવારે ફોર્મ ચકાસણીમાં ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ, ગુજરાત મલ્ટી ગેસવાળા દશરથ પટેલ સહિત 12 ઉમેદવારોના ફોર્મ રદ થતા હડકંપ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 94 પૈકી 82 ફોર્મ માન્ય રહ્યા છે, ત્યારે 31મીએ ફોર્મ પરત ખેંચવાની અવધી બાદ હરીફનું ચિત્ર સ્પષ્ટ થશે. 8મી સપ્ટેમ્બરે મતદાન યોજાશે. વર્તમાન ચેરમેન જી.કે. પટેલ અને ડી.એમ. પટેલે વિશ્વાસ પેનલથી ચૂંટણી લડી રહ્યાની ઘોષણા કરી હતી.

અર્બન બેંકમાં 17 ડિરેક્ટર માટેની ચૂંટણીમાં ભરાયેલા 94 ફોર્મની બુધવારે બેંકના મુખ્યાલયમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ચકાસણી કરાઇ હતી. જેમાં સાત વાંધા રજૂ થયા હતા, જેમાં ચૂંટણી અધિકારી ઇદરીશ બેંગોલીએ સુનાવણીના અંતે 82 ફોર્મ માન્ય અને 12 ફોર્મ અમાન્ય કર્યા હતા. અર્બન બેંકના સ્થાપનાકાળથી સંકળાયેલા ચંદુ પટેલ, મહેસાણા એપીએમસી ચેરમેન ખોડા પટેલની ઉમેદવારી સામેનો વાંધો ગ્રાહ્ય ન રહેતા ફોર્મ માન્ય રખાતા તેમજ ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ સહિતના ફોર્મ અમાન્ય રહેતા ડિરેક્ટર ડી.એમ. પટેલે આક્રોશ ઠાલવ્યો હતો.

ફોર્મ ચકાસણી બાદ કલાકો સુધી માહિતી દબાવી રખાઇ હતી. સાંજે પોલીસ પહેરા વચ્ચે ચૂંટણી અધિકારીને સીઇઓ ગાડી સુધી લઇ જતા હતા, તે સમયે ડી.એમ. પટેલે સંકુલમાં ધસી આવી આક્રોશ વ્યકત કરતાં હોબાળો મચ્યો હતો. આ પહેલાં ચૂંટણી અધિકારીના કાર્યાલયમાં પણ ગરમાગરમી થઇ હતી.

બેંકના સુમાહિતગાર સૂત્રોએ કહ્યું કે, ઊંઝાના દિનેશ પટેલના બેંક ખાતામાં નિયમ મુજબ રૂ.ત્રણ હજારનું ટર્નઓવર ન થવું, ગુજરાત મલ્ટીગેસના દશરથ પટેલની દરખાસ્ત મૂકનારાનું નામ મતદાર યાદીમાં ન હોઇ ફોર્મ રદ થયું હતું. 58 શાખાઓ, 3600 કરોડનું ધિરાણ, 5425 કરોડ ડિપોઝિટ, 72 હજાર સભાસદો, 66238 મતદારો, મતદાર માટે 17 મત ફરજીયાત, નહીં તો અમાન્ય મત.

અર્બન બેંકના ડિરેક્ટર ડી.એમ.પટેલે બેંકના સીઇઓ તેમજ સત્તાધીશોએ ચૂ઼ંટણી એકતરફી કરવા પહેલેથી કારસો રચ્યાના આક્ષેપો કરી કહ્યું કે, દિનેશભાઇ, દશરથભાઇ અને ગોવિંદભાઇનું ફોર્મ ખોટી રીતે રદ કર્યુ છે. સામે મહેસાણા એપીએમસી ચેરમેન ખોડભાઇ, અર્બન બેંકના ચંદુ પટેલ સામે વાંધા છતાં તેમના ફોર્મ પાસ કરાયા છે. ચૂ઼ંટણી અધિકારીને એકતરફી નિર્ણય થતા હોઇ પુરાવા રજૂ કરવા જતાં તેમણે અપશબ્દ બોલતાં હું પણ બોલ્યો એટલે ચડસાચડસી થઇ હતી. અમે કોર્ટમાં જઇશું.

અર્બન બેંકના વર્તમાન ચેરમેન જી.કે.પટેલે બેંકના ગેરવહીવટના આક્ષેપોને ખોટા ગણાવી કહ્યું કે, રાજ્યમાં બીજા નંબરની આ બેંક છે. ફોર્મ બેંકના બાયોલોઝ, નિયમો પ્રમાણે માન્ય, રદ ચૂંટણી અધિકારી કરે છે. સીઇઓ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા નથી તેમની સામે પણ આક્ષેપ સત્યથી વેગળા છે. વાઇસ ચેરમેન કે.કે. પટેલે દરેકે બેંકનું હિત જોઇ ચૂંટણી લડવી જોઇએ, ઝઘડાનો મતલબ નથી. અમે ખેલદિલીથી વિકાસ સાથે છીએ.કોઇ આક્ષેપબાજીનો જવાબ આપવા નથી તેમ તેમણે કહ્યું હતું.

જે ઉમેદવારોના ફોર્મ રદ થયા છે તેમાં દિનેશકુમાર પટેલ, દશરથ પટેલ, ગોવિંદ પટેલ, ચિરાગકુમાર પટેલ, પ્રવિણ પટેલ, દિનેશકુમાર પટેલ, કિર્તી પટેલ, માધવલાલ પટેલ, બાબુલાલ પટેલ, કિન્નરીબેન પટેલ, રશ્મિકાંત સોજલીયા અને જયેશ પટેલનો સમાવેશ થાય છે.