માણાવદરના વેકરી ગામના ખેડૂતોએ આપબળે ભર્યું વર્ષોથી ખાલી તળાવ

જૂનાગઢઃ માણાવદરના નાના એવા વેકરી ગામે સરકાર પર કોઈ આશા ન રાખી આપબળે સિંચાઈનાં પાણીની વ્યવસ્થા માટે ઊભી કરેલી વ્યવસ્થા દુનિયા માટે એક મિસાલ સ્થાપિત કરે એવી છે.

રાજ્યના ખેડૂતની કોઠાસૂઝ પણ કોઈ મોટા એન્જિનિયર કે વૈજ્ઞાનિકથી ઓછી નથી, જેનું માણાવદરના વેકરીના ગ્રામ્યજનોએ ઉદાહરણ પૂરું પાડ્યું. યુવા ખેડૂતોએ એકઠા મળીને વેકરી પાસેના આશરે 10 એકર જમીનમાં પથરાયેલા વર્ષોથી ખાલી પડેલા તળાવને આ વરસાદમાં ભરી સિંચાઈના પ્રશ્નનું નિરાકરણ કાઢ્યું છે. ખેડૂતોએ અહીં દોઢ કિ.મી. લાંબી કેનાલ બનાવી સમગ્ર વિસ્તારનું પાણી તળાવમાં ઠાલવ્યું.

Read More

વેકરીનું કમઠ નામનું તળાવ આશરે 10 એકરમાં પથરાયેલું છે, જેની સંગ્રહશક્તિ લગભગ 1.04 એમસીએફટી છે, જેમાં માત્ર ભાદર નદી ઓવરફ્લો થતાં જ પાણી આવતું હતું, પરંતુ આ વખતે સ્થાનિક યુવા ખેડૂતોની મહેનતથી ભાદર નદીના ઓવરફ્લો થવા પર મદાર રાખવો પડ્યો નથી.

આ મુદ્દે સ્થાનિક સ્તરેથી સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક ખેડૂતોના પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નહોતું. આખરે જાતમહેનતે જ આ ખેડૂતોએ પોતાના પ્રશ્નનું નિરાકરણ લાવી દીધું છે, જેના કારણે ભાદરવા મહિનાના સારા વરસાદમાં તળાવ છલોછલ ભરાઈ ગયું છે. આ અંગે તાલુકા પંચાયતના સભ્ય રામશીભાઈ ખોડભાયાનું પણ માર્ગદર્શન સ્થાનિક ખેડૂતોને મળ્યું હતું.

આમ વર્ષોથી ખાલી રહેલું તળાવ યુવા ખેડૂતોની એકવખતની મહેનતના કારણે હવે ક્યારેય ખાલી નહીં રહે.

Bottom ad