મહેસાણા, તા.૨૪
દૂધ અને માવા મિઠાઇની પ્રોડક્ટથી ઉત્તર ગુજરાતમાં જાણીતી માધવી ડેરી ફર્મના વડામથક પાલનપુરથી લઇને ફ્રેન્ચાઇઝ એકમો સહિત 18 સ્થળોએ જીએસટી વિભાગે શનિવારથી હાથ ધરેલા સર્ચમાં સોમવારે તપાસ પૂરી કરી હતી. જેમાં પાલનપુર હેડઓફિસ ખાતેથી રૂ. 12 લાખ અને છાપીની ફ્રેન્ચાઇઝ એકમથી રૂ. 3.58 લાખ મળી રૂ. 15.58 લાખની કરચોરી શોધી રીકવરી કરી હતી. જ્યારે પાલનપુર હેડ ઓફિસ તેમજ મહેસાણા, વિસનગર, ઊંઝા અને સિદ્ધપુર ફ્રેન્ચાઇઝ બ્રાન્ચમાંથી જરૂરી હિસાબો, ચોપડા સાહિત્ય કબજે લેતાં હજુ વધુ કરચોરી પકડાવાના સંકેતો તંત્રએ આપ્યા હતા.
ઉત્તર ગુજરાતના પાલનપુરના ચાર, મહેસાણાના ત્રણ, ઊંઝા, વિસનગર, ડીસા, ખેરાલુ, સિદ્ધપુર, છાપી, અમદાવાદના એક-એક સેન્ટર તેમજ ત્રણ ડિરેક્ટરોના નિવાસસ્થાને અને પ્રોડકશન હાઉસ મળી 18 સ્થળોએ જીએસટી અન્વેષણ મહેસાણાના ડેપ્યુટી કમિશ્નર સહિત ચાર અધિકારીના નિરીક્ષણ હેઠળ 17 ટીમોએ કરચોરી અંગે સર્ચ હાથ ધર્યુ હતું
માધવીની પાલનપુર હેડ ઓફિસ અને છાપી બ્રાન્ચમાંથી બાકી નીકળતા ટેક્ષ પેટે રૂ.15.58 લાખની વસુલાત કરાઇ હતી. ઉપરાંત, પાલનુપર હેડ ઓફિસ તેમજ ચાર ફ્રેન્ચાઇઝ બ્રાન્ચના ચોપડા સહિત સાહિત્ય ચકાસણી અર્થે જપ્ત કરાયું હતું. જેમાં વેચાણ સહિતના વ્યવહારોનું ચેકિંગ કરાઇ રહ્યું હોઇ વધુ ટેક્ષ વસુલાત થવાના સંકેતો મહેસાણા સ્થિત રાજ્ય કરવેરા કમિશ્નર કચેરીના સુમાહિતગાર સૂત્રોએ આપ્યા હતા.