બગસરા,તા.31 અમરેલીના બગસરાના સુડાવડ ગામે માનવભક્ષી દીપડાઓના સતત આંટાફેરાને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પ્રસરેલો હતો. વારંવારની દિપડાની રંજાડને કારણે ખેડૂતો પોતાના ખેતરે પણ જતા ડરતાં હતાં. દિપડાના વસવાટને કારણે અહીં ગભરાટ અને ભયનો માહોલ હતો. આ દીપડાઓએ અત્યાર સુધીમાં પાંચેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આથી વન વિભાગે પાંજરા મુકી દીપડાઓને પકડવાના સઘન પ્રયાસો હાથ ધર્યા હતાં. આખરે આજે એક માનવભક્ષી દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોમં રોષ ફેલાયેલો હતો તેમજ પાંજરાનો ઘેરાવ કરી દીપડાને લોકોની નજર સામે જ ઠાર કરો તેવી ઉગ્ર માંગણી કરી હતી. જોકે વનવિભાગના અધિકારીઓએ ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. છતાં પણ લોકો ન માનતાં વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી મામલો બિચક્યો હતો.
દિપડાને પકડ્યા બાદ વન વિભાગને મુશ્કેલીમાં વધારો થયો હતો. સુડાવડ ગામ સહિત આસપાસના ગામડાઓમાંથી પણ અહીં લોકો દોડી આવ્યા હતા અને વન વિભાગને દીપડાને ઠાર કરવાની માંગ કરી હતી.
વારંવારની રજૂઆત છતાં પણ વનવિભાગ દ્વારા દિપડાને પકડવાની કામગીરીમાં ઉદાસીનતા દાખવવામાં આવતા લોકોમાં ભારે રોષ પ્રવર્તતો સ્પષ્ટ વર્તાતો હતો. જેને કારણે પણ દિપડો પકડાયાં બાદ લોકોમાં આક્રોશ જોવા મળતો હતો. જોકે ભારે સમજાવટ અને રકઝક બાદ લોકોનો રોષ શમ્યો હતો.