અમદાવાદ, તા. 11
કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી સામે થયેલા માનહાનિ અને બદનક્ષીના બન્ને કેસમાં જામીન આપવામાં આવ્યા હતા. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ નં. 13 અને કોર્ટ નં. 16માં બન્ને કેસની સુનાવણી થઈ હતી. કોર્ટ નં. 13માં એડીસી બેન્કના માનહાનિના કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી તો કોર્ટ નં. 16માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરૂદ્ધ જબલપુરમાં ટિપ્પણી કરવાના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
અમિત શાહ વિરૂદ્ધ નિવેદના કેસમાં જામીન
શહેરની મેટ્રોપોલિટન કોર્ટ નં. 16માં જબલપુરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરૂદ્ધ નિવેદન કરવાના મામલે થયેલા બદનક્ષીના કેસની સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટમાં જજ દ્વારા રાહુલ ગાંધીને તમને ગુનો કબૂલ છે કે નહિ એવું પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેના જવાબમાં રાહુલ ગાંધીએ ના પાડી હતી. કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. જેમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી રાહુલ ગાંધીના જામીનદાર બન્યા હતા. જામીન બાદ કોર્ટે આ કેસની વધુ સુનાવણી 23 ડિસેમ્બર મુકરર કરી છે.
અડીસી બેન્કના કેસમાં પણ જામીન મળ્યા
રાહુલ ગાંધી સામે અન્ય એક કેસની પણ સુનાવણી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ નં. 13માં થઈ હતી. નોટબંધી સમયે એડીસી બેન્કમાં કાળા નાણાંને સફેદ કરવા અંગેની રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી સંદર્ભે તેમની વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણી બાદ કોર્ટે રાહુલ ગાંધીને આ કેસમાં રૂ. 10 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા. અને આ કેસની વધુ સુનાવણી 7 ડિસેમ્બર મુકરર કરી હતી.
રાહુલ ગાંધીના સ્વાગત માટે કાર્યકરો ઉમટી પડયા
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બે કેસમાં હાજર થવા માટે કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી આજે સવારે લગભગ 11 વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ ઉપરાંત કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી મેટ્રોપોલિટન કોર્ટ સુધીના માર્ગ પર ઠેર ઠેર રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે કાર્યકરો ઉમટી પડ્યા હતા અને સાથે સાથે આ સમગ્ર રૂટ પર રાહુલ ગાંધીના પોસ્ટર તેમ જ કોંગ્રેસના તોરણ લગાવવામાં આવ્યા હતા.
સર્કિટ હાઉસ ખાતે નેતાઓ સાથે બેઠક
રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સાથે બેઠક યોજી હતી. અને વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીને લઈને તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસમાં કેટલાંક નેતાઓમાં વ્યાપેલી નારાજગી અંગે ચર્ચા કરી હતી અને પક્ષમાં જે પ્રકારે અસંતોષ ફેલાઈ રહ્યો છે તેને તાકીદે ડામી દેવાની સૂચના પ્રદેશ નેતાગીરીને આપી હતી. રાહુલ ગાંધીએ પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં જ ધારાસભ્યો સાથે પણ રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ વિશે વાતચીત કરી હતી.
હોટલમાં ગુજરાતી ભોજન માણ્યું
પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી અને ધારાસભ્યો સાથેની બેઠક બાદ રાહુલ ગાંધી અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ જવા રવાના થયા હતા. સર્કિટ હાઉસથી કોર્ટ સુધીના માર્ગ પર તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં આવેલા કાર્યકરોનું અભિવાદ પણ તેમણે ઝીલ્યું હતું. દરમિયાનમાં કોર્ટમાં જતા પહેલા તેમણે શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગુજરાતી ભોજનો આસ્વાદ માણ્યો હતો. હોટલમાં પહોંચતા જ અન્ય નેતાઓની સાથે પારંપારિક ગુજરાતી ભોજન લીધું હતું. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને હોટલની બહાર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ તેમની અગાઉની કોર્ટની મુદત વખતે લો ગાર્ડન વિસ્તારની હોટલમાં ભોજન લીધું હતું.
બદરૂદ્દીન શેખ પણ સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા
તાજેતરમાં જ પક્ષ પ્રત્યેની નારાજગી સાથે કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખ રાહુલ ગાંધીના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે, થોડી નારાજગી હતી. પણ એ પક્ષથી નહોતી. મારી જવાબદારીમાંથી મેં રાજીનામું આપ્યું હતું. પક્ષમાંથી નહિ એવું કહીને તેમણે તેમના રાજીનામા અંગે લૂલો બચાવ પણ કર્યો હતો.
સરકાર ટીકા સહન નથી કરી શકતી
વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, લોકશાહીમાં તમામને બોલવાનો અધિકાર છે. રાહુલ ગાંધી સામે કરવામાં આવેલા કેસો સદંતર ખોટા છે. અને સમગ્ર પક્ષ તેમની સાથે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોઈપણ સરકારે વિપક્ષની ટીકા સહન કરવાની તૈયારી રાખવી જોઈએ. જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે આ જ નેતાઓએ યુપીએ સરકાર વિરૂદ્ધ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસે ક્યારેય આવી ટિપ્પણીઓ સંદર્ભે કેસ કર્યા નહોતા. તેમણે એવું પણ ઉમેર્યું કે, કોંગ્રેસ પક્ષ અંગ્રેજોના દારૂગોળાની ભાષાથી ડરતી નહોતી, તો ભાજપના આ પ્રકારના કેસોથી પણ ક્યારેય નહિ ડરે.