માલવેર દ્વારા જાહેરખબરની ફ્રોડ કરતી 17 એપ્લિકેશન્સની યાદી જાહેર કરાઈ

ગાંધીનગર, તા. 01

સમગ્ર દેશમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. અને સાથે સાથે નીતનવા એપ પણ ઓનલાઈન ઉપલબ્ધ થઈ રહ્યા છે. ત્યારે વિશ્વની સૌથી મોટી મોબાઈલ કંપની ગણાતી આઈફોનની મોબાઈલ સિક્યોરિટી કંપની વાંધેરે દ્વારા 17 જેટલી એપ્લિકેશન્સની એક યાદી જાહેર કરવામાં આવી છે જે મોબાઈલ ધારકો પાસેથી કે વિવિધ કંપનીઓ પાસેથી જાહેરખબરના નામે પૈસા લઈને ઠગતી હતી.

આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર વિશ્વમાં અત્યારે ટેકનોલોજીમાં દરેક દેશ હરણફાળ ભરી રહ્યા છે. અને દરેક કંપનીઓ કે વિક્રેતાઓ પોતાની એપ્લિકેશન બનાવીને મોબાઈલ ધારકોને આકર્ષવાના નીતનવા પેંતરા પણ રચી રહી છે. આ સંજોગોમાં ગૂગલ પ્લે તેમ જ એપ સ્ટોરમાં તેનું લિસ્ટીંગ કરાવીને લોકો સુધી પહોંચી રહ્યા છે. ત્યારે વિશ્વની જાણીતી મોબાઈલ કંપની એપલ દ્વારા માર્કેટમાં ધૂમ મચાવી રહેલા પોતાના આઈફોનના ધારકો પાસેથી આવી કેટલીક લેભાગૂ કંપનીઓ દ્વારા ખોટી રીતે પૈસા પડાવવામાં આવી રહ્યા હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેના ભાગરૂપે એપલ કંપનીએ પોતાના એપ સ્ટોરમાંથી આવી 17 જેટલી એપ્લિકેશનનું લિસ્ટ બનાવીને તે જાહેર કરી છે. અને તેને એપસ્ટોરમાંથી પણ દૂર કરી દીધી છે.

કેમ એપ સ્ટોરમાંથી દૂર કરાઈ?

એપલ કંપનીની મોબાઈલ સિક્યોરિટી કંપની વાંધેરે દ્વારા જે 17 એપ્લિકેશન પર નજર રાખવામાં આવી હતી તે તમામ એપ્લિકેશન્સ ક્લિકવેર વાઈરસ ફેલાવતી હોવાનું બહાર આવ્યું હતું. આ એપ્લિકેશન્સમાં આ સોફ્ટવેર એવી રીતે એડ કરાયું હતું જેના કારણે જે તે ઉપભોક્તાની વ્યક્તિગત વિગતો તે ચોરી લઈને બજારમાં તેને જે તે કંપનીઓને વેચીને પોતાની આવક ઊભી કરે છે. અને આમ જે તે વ્યક્તિ કે કંપનીની સુરક્ષાને પણ મોટો ખતરો ઊભો થવાના લીધે એપલ કંપનીએ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

કેવી રીતે કામ કરે છે એપ્લિકેશન્સ?

આવી એપ્લિકેશન્સ કેવી રીતે કામ કરે છે તે અંગે સાયબર એક્સપર્ટ વિશાલ પૂરાણી કહે છે કે જ્યારે કોઈપણ ઉપભોક્તા એપ કે ગૂગલ પ્લે સ્ટોરમાંથી કોઈ પણ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરે છે ત્યારે એક એડવેર તેમાં કામ કરતું હોય છે. એપ્લિકેશન્સ જે કંપનીની છે તે પોતાની એપનું માર્કેટમાં નામ થાય અને ટોપ પર પહોંચે તેવી ઈચ્છા દરેકની હોય છે તેના કારણે એપ્લિકેશન્સમાં એક બેકએન્ડ હોય છે, અને તેના દ્વારા દરેક ઉપભોક્તાની વિગતો જે તે સોફ્ટવેર કંપની મારફતે તેમના સુધી પહોંચે છે. તે જે તે સોફ્ટવેર મારફતે ઉપભોક્તાની વિગતો મેળવીને તેને ઊંચા ભાવે વિવિધ કંપનીઓ કે બેન્કોને વેચે છે. અને તેના કારણે ઉપભોક્તાની સુરક્ષાના સવાલો ઊભા થાય છે. પૂરાણી કહે છે કે, આ પ્રકારે જે તે કંપની સોફ્ટવેર બનાવતી કંપનીને પ્રતિ ઉપભોક્તા રકમ ચૂકવે છે અને તેના આધારે આ ઉપભોક્તાની વિગતો તે સોફ્ટવેર કંપની એપ્લિકેશન્સ કંપનીને પહોંચતી કરે છે.

આ એપ્લિકેશન્સ દૂર કરવા તાકીદ

આઈફોનની મોબાઈલ સિક્યોરિટી કંપની દ્વારા જારી કરાયેલી એપ્લિકેશન્સની યાદી આ પ્રમાણે છે. સિક્યોરિટી કંપનીએ આ એપ્લિકેશન્સ ઉપભોક્તા તાત્કાલિક દૂર કરી દે એવી તાકીદ પણ કરવામાં આવી છે.

RTO Vehicle Information

EMI Calculator and Loan Planner

File Manager – Documents

Smart GPS Speedometer

CrickOne – Live Cricket Scores

Daily Fitness – Yoga Poses

FM Radio – Internet Radio

My Train Info – IRCTC and PNR

Around Me Place Finder

Easy Contacts Backup Manager

Ramadan Times 2019

Restaurant Finder – Find Food

BMI Calculator – BMR Calc

Dual Accounts

Video Editor – Mute Video

Islamic World – Qibla

Smart Video Compressor

કેવી રીતે કામ કરે છે માલવેર અને કોણ બનાવે છે?

મોબાઈલ સિક્યોરિટી કંપની વાંધેરેએ આઈફોનની 17 એપ્લિકેશન્સનું લિસ્ટ જારી કરીને તેને એપ સ્ટોરમાંથી રિમૂવ કરી છે તે ક્લિકવેર વાઈરસ ફેલાવતી હતી અને તેના દ્વારા જાહેરખબરની આવક વધતી હતી. આ ટેકનોલોજી ગુજરાતની એપઆસ્પેક્ટ ટેક્નોલોજી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ક્લિકર ટ્રોજાન એક એવું માલવેર છે જે કૃત્રિમ રીતે મુલાકાતીને એડ નેટવર્ક અને વેબસાઈટ સાથે કનેક્ટ કરે છે અને પે પર ક્લિક્સ કરવાથી તેના દ્વારા રેવન્યૂ કમાઈને મોટું ફ્રોડ કરવામાં આવતું હોય છે. આ તમામ એપ્લિકેશન કંટ્રોલ સર્વરથી કમાન્ડ મેળવતી હતી અને યુઝર્સના મોબાઈલમાં તેમની મંજૂરી વગર એડવર્ટાઈઝમેન્ટ અને બેકગ્રાઉન્ડમાં વેબસાઈટ ખોલી દેતી હતી. આ ઉપરાંત ઉપભોક્તના ધ્યાન બહાર મોંઘાદાટ સબસ્ક્રિપ્શન પણ લઈ લેતી હતી.