માવઠાથી થયેલા પાકના નુકશાનનો સરવે બે તબક્કામાં કરાશે

ગાંધીનગર, તા. 31

રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકશાન અંગે પાટનગરમાં મુખ્યપ્રધાને એક સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં એક ઈંચ કે તેથી વધુ વરસાદથી જે ખેડૂતોના પાકને નુકશાન થયું છે તેની બે તબક્કામાં સરવેની કામગીરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ અંગે કૃષિ વિભાગના સચિવ પી.કે.પરમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, જે ખેડૂતોએ પાકનો વીમો ઉતરાવ્યો છે તે ખેડૂતોએ પાક નુકસાન અંગે વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની રહેશે. આ માટે વીમા કંપનીઓ ના ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આવી ફરિયાદ મળ્યા બાદ વીમા કંપની અને રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ સાથે મળી સર્વે કરશે અને નુકસાની સહાય ધારા ધોરણો મુજબ ચૂકવાશે. તેમણે ઉમેર્યું કે, મુખ્યપ્રધાને એવી પણ સૂચનાઓ આપી છે કે,  જે ખેડૂતોએ  પાક વીમો ઉતરાવ્યો નથી તેવા ખેડૂતોના કિસ્સામાં રાજ્ય સરકારના કૃષિ  વિભાગના અધિકારીઓ આજથી જ નુકશાનીના સર્વેનું કામ શરૂ કરી દેશે અને નુકશાન અંદાજ મેળવ્યા બાદ એસડીઆરએફના નિયમોનુસાર સહાય ચૂકવાશે.