જેતપુર,તા.26 શિક્ષકે વિદ્યાર્થિની સાથેના પવિત્ર સંબંધને કલંકિત કર્યો હોવાનો કિસ્સો જેતપુરમાં બન્યો છે. આ કિસ્સાને કારણે રાજયભરમાં લંપટ શિક્ષક સામે લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. જેતપુર નપા સંચાલિત કન્યાશાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પાસે અઘટીત માંગણી કરવામાં આવી હતી. શિક્ષક દ્વારા ટ્યુશન ક્લાસીસમાં આ રીતની બીભત્સ માંગણી કરવામાં આવતાં વિદ્યાર્થિની હેબતાઇ ગઇ હતી. મામલો નગરપાલિકા સુધી પહોંચ્યો હતો. આ બનાવમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા બુધવારે ગેરકાયદે ચલાવાતા ટ્યુશન કલાસની તપાસ કરી પંદર દિવસમાં નગરપાલિકાને રિપોર્ટ કરવાનો આચાર્યને ફરમાન કર્યુ હતું. નગરપાલિકા સંચાલિત શાળાને લાંછન લગાડનારા શિક્ષકને બરતરફ કરવાનો હુકમ કર્યો હતો.
શહેરના બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણ નંદાણીયા સામે સ્કૂલની વિદ્યાર્થિનીને પોતાના ખાનગી ટ્યુશન ક્લાસમાં બોલાવી બીભત્સ માંગણી કર્યાની વિદ્યાર્થિની દ્વારા નોંધવામાં આવેલ પોલીસ ફરિયાદમાં આરોપી શિક્ષક સામે બુધવારે નપાની કારોબારી બોલાવીને અલગ અલગ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. એક ઠરાવમાં શિક્ષક નગરપાલિકા સંચાલિત સ્કૂલનો શિક્ષક હોવાથી ખાનગી ટ્યુશન ક્લાસ ન ચલાવી શકે છતાંય છેલ્લા ત્રણ વર્ષથી ટ્યુશન ચલાવતો હોય તે બાબતની સ્કૂલના આચાર્યએ પંદર દિવસમાં તપાસ કરી તેનો રિપોર્ટ નગરપાલિકામાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ લંપટ શિક્ષકને બરાબરનો પાઠ ભણાવવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત આવું ફરી ન બને તે માટે નગરપાલિકાએ પણ શિક્ષક સામે કડક પગલાં લીધાં છે તેમ જેતપુર નગરપાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.