મીઠી બરફીના ઉત્પાદકોને સરકારનો કડવો ડોઝઃ બજારમાં મોકલેલો જથ્થો તત્કાળ પાછો ખેંચવા આદેશ

અમદાવાદ,તા. 16

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કડક આદેશને પરિણામે મીઠી બરફી કે સ્પેશિયલ બરફીનું ઉત્પાદન બંધ કરી દેવાનો આદેશ આપવાની સાથેસાથે જ તેમણે બજારમાં મોકલેલો જથ્થો પાછો ખેંચી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે પછી તેમણે તેનું ઉત્પાદન કે વેચાણ કરવું નહિ તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ રવિવારે સાંજ સુધીમાં 43 ઉત્પાદકોને નોટિસ આપી દેવામાં આવી છે. તગડો નફો કરાવતા આ ધંધામાં સંખ્યાબંધ લોકોએ લાઈસન્સ લીધા વિના પણ ઉત્પાદન શરૂ કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટની કલમ 63 હેઠળ નોટિસ આપવામાં આવેલી છે. જેમની પાસે લાઈસન્સ છે તેમને લાઈસન્સ રદ શા માટે ન કરવું તે અંગે 3 દિવસમાં ખુલાસો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

શું છે નોટિસમાં?

સોમવારે વધુ એકમોને નોટિસ મોકલવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટની કલમ 63નો ભંગ કરવા બદલ આ નોટિસ આપવામાં આવી છે. આ મીઠી બરફી ખોયા એટલે કે દૂધમાંથી બનતા માવામાંથી બનાવવાની હોય છે. પરંતુ આપના દ્વારા બનાવવામાં આવેલી મીઠી બરફી કે સ્પેશિયલ બરફીમાં સ્કીમ્ડ મિલ્ક પાવડર, ખાંડ અને રિફાઈન્ડ વેજિટેબલ ઓઈલ અને ફૂડ કલર નાખીને જ બનાવવામાં આવે છે. પરિણામે તત્કાળ અસરથી મીઠી બરફીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ બંધ કરવામાં આવે.

દરેક શહેર-દરેક જિલ્લા કચેરીમાંથી નોટિસો મોકલાઈ

દરેક શહેર અને દરેક જિલ્લાઓની કચેરીમાંથી આ નોટિસો મોકલવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માવો રૂા. 80થી 100ના કિલોદીઠ ભાવે બજારમાં વેચવામાં આવતો હતો. ખાંડ ભેળવેલા આ માવાને ખુલ્લો મૂકી દેવામાં આવે તો તેને કીડી પણ ખાતી નથી. પરંતુ મીઠાઈની દુકાનના માલિકો પણ એકના પાંચ થતાં હોવાથી તેમાંથી સીધા પેંડા-બરફીનો આકાર આપીને તે  રૂા.480થી 550ના કિલોદીઠ ભાવે વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હતા. માવો બજારમાં મોકલી દેનારા ઉત્પાદકો તેને પાછો મંગાવે અને મીઠાઈના દુકાનદારોને પૈસા પરત કરે તેવી સંભાવના બહુ જ ઓછી છે. તેથી મીઠાઈના દુકાનદારોને ત્યાં દરોડા પાડીને તેમની મીઠાઈના સેમ્પલ લઈને લોકોના પેટમાં અત્યંત જોખમી માવામાંથી બનાવેલી વસ્તુઓ જપ્ત કરી લઈને તેનો નાશ કરવાના પગલાં સૌથી પહેલા લેવા જોઈએ. આ પ્રકારના કારણોસર જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ગુજરાત અને ભારતમાં વેચાતા દૂધ અને દૂધની બનાવટોમાંથી બનાવવામાં આવતી વાનગીઓની ક્વોલિટીને જોતાં 2025 સુધીમાં ગુજરાત અને ભારતના દરેક ઘરમાં કેન્સરનો એક દરદી જોવા મળે તો નવાઈ પામવા જેવું નહિ હોય તેવી ચેતવણી પણ આપી છે. ડેરીના ઉત્પાદકો પણ ગુજરાતની 14000 જેટલી દૂધ સહકારી મંડળીઓ પાસે કલેક્ટ કરવામાં આવતા દૂધમાં પણ કૃત્ત્રિમ દૂધ ભેળવવાના કૌભાંડ ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યા છે. તેને પણ અંકુશમાં લેવા પગલાં લેવા જરૂરી છે.

દીપિકા ચૌહાણે માહિતી આપનારાને ઉત્પાદકો સામે ધરી દીધા

ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીને દૂધના ઘટકો વિના જ માવાનું ઉત્પાદન કરીને લોકોના પેટમાં ઝેર રેડવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહ્યું હોવાની હકીકતની દોઢથી બે વર્ષ પહેલા જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે પ્રજાના આરોગ્યનું રક્ષણ કરવાને બદલે આરોગ્ય માટે ઝેર સમાન માવો બનાવીને વેચનારાઓને પ્રોટેક્ટ કરવાનું પસંદ કર્યું હતું. તેમાંય ડેપ્યુટી કમિશનર દીપિકા ચૌહાણે તો ઇન્ફોર્મેશન આપનારી વ્યક્તિને મીઠી બરફી કે સ્પેશિયલ બરફીનું ઉત્પાદન કરનારાઓ સામે ઊભો કરી દઈને તેમના જીવન સામે જોખમ વધારી દેવાની ચેષ્ટા કરી હતી.