રાજકોટ,તા:૧૫ રાજ્યભરમાં વરસાદ બાદ ખાડારાજ ફેલાયું છે, ત્યાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન રાજકોટ ખાતે પણ મસમોટા ખાડાઓ પડ્યા છે. ફરક માત્ર એટલો જ છે કે રાજ્યભરના ખાડાઓ જેમના તેમ રહ્યા, પરંતુ મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાનની આસપાસ રવિવારની રજાના દિવસે પણ ખાડા પૂરવાનું કામ કોર્પોરેશને કર્યું.
મુખ્યમંત્રી રૂપાણીનું પોતાનું નિવાસસ્થાન રાજકોટના વોર્ડ નં.10માં આવેલું છે, જેની આસપાસ વરસાદ બાદ પાંચથી છ મોટા ખાડા પડ્યા હતા, જેના કારણે વાહનચાલકો અને મુખ્યમંત્રીના પરિવારને ભારે તકલીફ થઈ રહી હતી. જોવાનું એ છે કે ખાડા પડવાની મળેલી ફરિયાદ બાદ કોર્પોરેશન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને કર્મચારીઓ-અધિકારીઓ સહિત વોર્ડ ઓફિસર રવિવારની રજાનો આરામ મૂકી ખાડા પૂરવાના કામમાં જોતરાયા હતા. જો કે રાજકોટના અન્ય ખાડાનું કામ હાલમાં પણ અધૂરું જ છે.
રાજકોટના રસ્તાઓની હાલત જોઈએ તો કમરના મણકા હલાવી દે તેવી છે. વિવિધ વિસ્તારના મુખ્ય માર્ગો પર એકથી દોઢ ફૂટ ઊંડા અને પાંચથી છ ફૂટ જેટલા લાંબા ખાડા પડ્યા છે, જેના કારણે અનેકવખત અકસ્માત પણ સર્જાયા છે. આવા ખાડાની કોર્પોરેશન દ્વારા માપણી શરૂ કરવામાં આવી છે, જેને તબક્કાવાર પૂરવામાં આવશે.
વરસાદના કારણે પુનિતનગર, ભવાનીનગર, નાનામવા, મવડી, રૈયારોડ, ઠેબર રોડ સૌથી વધુ પ્રભાવિત જણાયો હતો, જ્યાં કોર્પોરેશન દ્વારા માપણી શરૂ કરવામાં આવી છે. રાજકોટનાં મેયર બીનાબહેન આચાર્યના જણાવ્યા પ્રમાણે હાલમાં ખાડા પૂરવાની સૂચના અપાઈ ગઈ છે, ટૂંક સમયમાં જ સમગ્ર રાજકોટ શહેરના રસ્તાનું સમારકામ શરૂ કરાશે.