અમરેલી,તા:16 સાવરકુંડલાના નાવલી ગામમાં સમગ્ર દેશને કોમી એખલાસનો પાઠ ભણાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં એક વૃદ્ધ બ્રાહ્મણને મુસ્લિમ પરિવારના ચાર પુત્રોએ કાંધ આપી, એ પણ શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ ધારણ કરી. આ મિત્રોએ આજીવન એકબીજાનો સાથ તો નિભાવ્યો જ, પણ વૃદ્ધ બ્રાહ્મણે પોતાનો શ્વાસ પણ મુસ્લિમ મિત્રના ઘરે જ છોડ્યો. ત્યાં સુધી કે બંને મિત્રએ છેલ્લા એક વર્ષમાં જ પ્રાણ ત્યાગી દીધા.
ભીખાભાઈ કુરેશી અને ભાનુશંકર પંડ્યાએ આજીવન મજૂરી તો સાથે કરી જ, અને કાયમ એકસાથે જ રહી જીવનના તડકા-છાંયા પણ એકબીજાની સાથે જ જોયા. ત્યાં સુધી કે ભાનુશંકર પંડ્યાએ પોતાનો છેલ્લો શ્વાસ પણ મિત્ર ભીખાભાઈ કુરેશીના નિવાસે જ લીધો. ભાનુશંકરભાઈના મિત્ર ભીખાભાઈના પુત્રો પણ આ દોસ્તીમાં કંઈ પાછળ ન હટ્યા. ભીખાભાઈના પુત્રોને ભાનુશંકરભાઈએ પોતાના જ પુત્ર ગણ્યા હતા, અને આજીવન તેમના માટે પણ એટલો જ વહાલ વરસાવ્યો હતો, જે પ્રેમની ફરજ પણ ભીખાભાઈ કુરેશીના પુત્રો ભૂલ્યા નહોતા. ભાનુશંકરભાઈના સ્વર્ગવાસ બાદ ભીખાભાઈ કુરેશીના પુત્રોએ પોતે જનોઈ ધારણ કરી અને પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી તેમની અંતિમક્રિયા પણ કરી.
ભીખાભાઈ કુરેશીના પુત્રોએ જણાવ્યું કે, એક વર્ષમાં જ અમારા પિતા ભીખાભાઈ અને પિતાતુલ્ય ભાનુશંકરભાઈની વિદાયથી અમે નોંધારા બની ગયા છીએ. ભાનુશંકરકાકાના સ્વર્ગવાસ બાદ અમે તેમને હિન્દુ ધર્મ વિધિથી હિન્દુ મિત્રોની મદદથી જ અંતિમક્રિયા કરી, અને અમે જ તેમને અગ્નિદાહ આપ્યો. આશરે પચાસ વર્ષથી બંને મિત્રો એક જ ઘરમાં રહેતા હતા, અને એકબીજાના તહેવાર પણ એખલાસથી ઊજવતા હતા. ત્યાં સુધી કે દિવાળીની ઉજવણી અમારા દ્વારા કરવામાં આવતી, તો અમારી પત્નીઓને અને અમને ભાનુશંકરકાકા ઈદી આપી ઉજવણી કરતા. ભાનુશંકર પંડ્યા અમારા પરિવારનો જ હિસ્સો હતા, તેઓ અમને તેમના પુત્રો જ માનતા હતા.
પચાસ વર્ષ પહેલાં બંનેની મિત્રતાની શરૂઆત થઈ હતી, જ્યારે બંને એકસાથે મજૂરીકામ કરતા હતા. ભીખાભાઈ ટિફિન લાવતા અને બંને મિત્ર ધર્મને વચ્ચે રાખ્યા વિના પ્રેમભાવથી એકસાથે જમતા હતા. મજૂરી કરતાં ક્યારેક ભાનુશંકર પંડ્યાનો પગે ઈજા થતી, ત્યારે ભીખાભાઈ જ તેમને ઘરે લઈ આવતા. ભાનુશંકરભાઈને પરિવાર ન હોવાથી ભીખાભાઈએ તેમને પોતાના ઘરમાં જ સ્થાન આપી, પરિવારમાં ભેળવ્યા હતા. બસ ત્યારથી જ ભાનુશંકરભાઈએ ભીખાભાઈના પરિવારને જ પોતાનો માન્યો હતો. ભીખાભાઈના પુત્રોના જણાવ્યા પ્રમાણે અમારી વચ્ચે ધર્મની કોઈ આડશ નહોતી, અમારા ઘરમાં ભગવાનની પૂજા અને અલ્લાહની બંદગી એકસાથે જ થતી હતી. ભીખાભાઈનાં નિધન બાદ ભાનુશંકરભાઈ ઉદાસ રહેવા લાગ્યા હતા અને ટૂંક સમયમાં જ તેમણે પણ દેહ ત્યાગી દીધો.
ભાનુશંકર પંડ્યાના નિધનથી મુસ્લિમ પરિવારે પિતાને ગુમાવ્યા હોય તેટલું દુઃખ છે. બંનેના ધર્મ ભલે અલગ હતા પણ ભાઈચારો પણ ખૂબ હતો. તેમની આ મિત્રતાનો આદર કરતાં ભીખાભાઈના પુત્રોએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ ધારણ કરીને તેમને કાંધ આપવાની સાથે અગ્નિદાહ પણ આપ્યો. પરિવારનું દુઃખ જોઈ બ્રહ્મસમાજના આગેવાનોએ ખુદ જઈ ભીખાભાઈના પરિવારને સાંત્વના પાઠવી હતી.