મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 330 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 11,900ની નજીક

અમદાવાદ,તા:08
સપ્તાહના અંતિમ સેશનમાં ભારે ઉતારચઢાવ રહ્યા હતા. બજાર તેજીમાં ખૂલ્યા પછી શેરોમાં નફારૂપી વેચવાલીએ ઘટ્યું હતું. જોકે બપોરના સેશનમાં બેન્ક શેરોની આગેવાનીએ સેન્સેક્સ ઊછળ્યો હતો. જોકે મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેથી દિવસના અંતે 40,323.61ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 104 પોઇન્ટ તૂટીને 11,908.15ની સપાટીએ બંધ રહ્યો હતો.

મૂડીઝે ભારતીય અર્થતંત્રનું આઉટલૂક ઘટાડતાં બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું. સ્મોલકેપ અને મિડકેપ શેરો પણ વેચવાલી રહી હતી. મેટલ, આઇટી, તેલ અને ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ હતું. પાવર, કેપિટલ, ગુડ્ઝ શેરોમાં પણ વેચવાલીનું દબાણ રહ્યું હતું. બેન્ક નિફ્ટીમાં 100 પોઇન્ટની તેજી થઈ હતી.

બજારમાં શેરોમાં નફારૂપી વેચવાલીનું ભારે દબાણ હતું. જેથી નિફ્ટી 12,000ની નીચે સરક્યો હતો. જોકે બેન્ક નિફ્ટી મજબૂત હતો. આઇસીઆઇસીઆઇ બેન્ક, યસ બેન્ક અને ઇન્ડ્સઇન્ડ બેન્ક ટોપ ગેઇનર્સ હતા.

સપ્તાહના અંતિમ દિવસે પીએસયુ બેન્ક અને ખાનગી બેન્કોમાં સામસામા રાહ રહ્યા હતા. મિડિયા અને ફાર્મા શેરોમં જોરદાર વેચવાલી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કેશ સેગમેન્ટમાં 22,943.39 લાખ શેરોનાં વોલ્યું રહ્યાં હતા. કુલ કામકાજ રૂ. 44,083.66 કરોડનાં કામકાજ રહ્યાં હતાં. એફઆઇઆઇએ ગઈ કાલે રૂ. 926 કરોડની ચોખ્ખી લેવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ 635 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.

મુંબઈ શેરબજારના સેન્સિટિવ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 25 શેરો ઘટ્યા હતા, જ્યારે એનએસઈ 50 ઇન્ડેક્સના 50માંથી 42 શેરો ઘટ્યા હતા અને 8 શેરો વધ્યા હતા. આ સાથે બીએસઈ પર 1143 શેરો વધ્યા હતા અને 1178 શેરો ઘટ્યા હતા. એ જ રીતે એનએસઈ પર 851 શેરો વધ્યા હતા અને 1539 શેરો ઘટ્યા હતા. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 7 શેરો ઘટીને બંધ રહ્યા હતા.

સપ્તાહમાં સેન્સેક્સ 0.5 ટકા અને નિફ્ટી 0.2 ટકા વધ્યા

આ સપ્તાહમાં સેન્સેક્સ 0.5 ટકા અને નિફ્ટી ઇન્ડેક્સ 0.2 ટકા વધ્યા હતા. આ સાથે બેન્ક નિફ્ટી 1.5 ટકા વધ્યો હતો તો મિડકેપ ઇન્ડેક્સ 0.9 ટકા ઘટ્યો હતો. એફએમસીજી ઇન્ડેક્સ સપ્તાહમાં 1.5 ટકા ઘટ્યો હતો. ઓટો ઇન્ડેક્સ બે ટકા, ફાર્મા ઇન્ડેક્સ બે ટકા અને પીએસયુ ઇન્ડેક્સ 4.3 ટકા ઘટ્યા હતા. જ્યારે બીએસઈ રિયલ્ટી ઇન્ડેક્સ સપ્તાહમાં 3.8 ટકા વધ્યો હતો.

મૂડીઝે અર્થતંત્ર રેટિંગ ઘટાડીને નકારાત્મક કર્યું

ભારતીય અર્થતંત્રમાં સુસ્તીને લઈને વધી રહેલી ચિંતાઓ તેમ જ ઋણના આકારને જોતાં મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસે ભારતનું રેટિંગ ‘સ્ટેબલ’થી ઘટાડીને ‘નેગેટિવ’ (નકારાત્મક) કર્યું છે. મૂડીઝના મતે ભારતના અર્થતંત્રની વૃદ્ધિ અગાઉ કરતાં ધીમી પડી છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો તેમજ જીડીપી ગ્રોથની ધીમી ગતિને જોતાં મૂડીઝના અંદાજ મુજબ માર્ચ, 2020માં સમાપ્ત થનાર નાણાકીય વર્ષ દરમિયાન બજેટ ખાધ જીડીપીના 3.7 ટકા રહી શકે છે. સરકારે બજેટ ખાધનો અંદાજ 3.3 ટકા રાખ્યો છે. ઓક્ટોબર, 2019માં મૂડીઝે 2019-20માં જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને 5.8 ટકા કર્યો હતો, જે અગાઉ 6.2 ટકા મૂકવામાં આવ્યો હતો. એપ્રિલથી જૂનના ત્રિમાસિકમાં દેશની આર્થિક વૃદ્ધિ પાંચ ટકા રહી હતી. 2013 પછી આ સૌથી નીચો દર છે. નબળી માગ અને સરકારી ખર્ચમાં ઘટાડાથી ગ્રોથ ઘટ્યો છે. જેને પગલે રિઝર્વ બેન્કે અનેક વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો અને સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડવો પડ્યો હતો.

મૂડીઝના રેટિંગ ઘટાડાના રિપોર્ટ બાદ નાણાં મંત્રાલયે તેનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે ભારતીય અર્થતંત્રનો પાયો મજબૂત છે અને તાજેતરમાં કરાયેલા શ્રેણીબદ્ધ સુધારણાથી મૂડીરોકાણને વેગ મળશે.

અધૂરા હાઉસિંગ પ્રોજેક્ટ માટે રૂ. 400 કરોડની મર્યાદા

સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે હાઉસિંગ પ્રોજેક્ટ માટે રૂ. 25,000 કરોડની જે સ્પેશિયલ વિન્ડો આપવામાં આવી છે. તેમાં પ્રતિ પ્રોજેક્ટ રૂ. 400 કરોડની ટોચમર્યાદા હશે. સરકારે મકાન ખરીદનારાઓને વિનંતી કરી હતી કે તેઓ બાકીની રકમ ચૂકવી દે, જેથી પ્રોજેક્ટ વહેલા પૂરા થાય.

મ્યુ. ફંડોએ સપ્ટે. ત્રિમાસિકમાં 400 બ્લુ ચિપ કંપનીઓમાં પોતાનો હિસ્સો વધાર્યો

વીતેલા સપ્ટેમ્બર ત્રિમાસિકમાં મિશ્ર અહેવાલો પાછળ શેરબજારમાં ભારે ઊથલપાથલ જોવા મળી હતી. જેમાં મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ૪૦૦ બ્લુ ચિપ કંપનીઓમાં પોતાનો હિસ્સો વધાર્યો હતો. સૂચિત સમય દરમ્યાન મ્યુ. ફંડો દ્વારા ૩૮૮ જેટલા પસંદગીના હેવી વેઇટ, બ્લુ ચિપ શેરોમાં પોતાનો હિસ્સો વધારાયો હતો. આ શેરોમાં રિલા. ઇન્ડ., ટીસીએસ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઓએનજીસી, ભારતી એરટેલ, વિપ્રો, એચડીએફસી સહિતના અન્ય શેરોનો સમાવેશ થાય છે. મ્યુ. ફંડો દ્વારા ૨૦૧૭ના પ્રારંભથી બ્લુ ચિપ શેરોમાં મૂડીરોકાણમાં ધીમી પણ મક્કમ ગતિએ વધારો થઈ રહ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પ્રતિકૂળ વલણ વચ્ચે પણ ફંડો દ્વારા આવા શેરોમાં પોતાનો હિસ્સો વધારાયો છે.

જોકે છેલ્લા બે ત્રિમાસિકની સરખામણી કરીએ તો મ્યુ. ફંડ મેનેજરો દ્વારા ૨૯૭ જેટલી કંપનીઓમાં જૂન ત્રિમાસિકની સરખામણીએ સપ્ટે. ત્રિમાસિકમાં પોતાનો હિસ્સો ઘટાડયો હતો, જેમાં બાટા, એમસીએક્સ, સિમેન્સ, ઇન્ફોસીસ, મારૂતિ, બંધન બેંક, તાતા સ્ટીલ, હીરો મોટો. અને ડાબર ઇન્ડિયા જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

16 કંપનીને રૂ.1.32 કરોડનો દંડ

સેબીએ પોલિટેક્સ ઈન્ડિયા લિમિટેડની સ્ક્રિપમાં ટ્રેડિંગમાં ગેરરીતિ કરવા બદલ 16 કંપનીને કુલ રૂ.1.32 કરોડનો દંડ ફટકાર્યો છે. આ 16 પૈકી નવ કંપનીને અગાઉ 2011માં જ સેબીએ સિક્યુરિટી માર્કેટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકેલો હતો. તેમ છતાં આ કંપનીઓએ ટ્રેડિંગ કર્યું હતું. તેમાં શ્રી શગુન ફાઈનાન્શિયલ સર્વિસીઝ અને એચ. ભાવેશ સિક્યુરિટીઝ એન્ડ કોમોડિટીઝનો સહિતનો સમાવેશ છે. આ એન્ટિટીએ સ્પેક્ટેકલ ઈન્ફોટેક, ગોલ્ડસ્ટોન ટેક્નોલોજીઝ, જેમસ્ટોન ઈન્વેસે્ટમેન્ટ્સ, એલજીએસ ગ્લોબલ અને વેલ પેક પેપર્સ એન્ડ કન્ટેનર્સ જેવી સ્ક્રિપમાં ટ્રેડિંગમાં ભાવ અને વોલ્યુમમાં મેનિપ્યુલેશન કર્યું હતું.