મૂળ ગુજરાતી પ્રજા કોણ ? કોઈની પાસે જવાબ છે ?

ગુજરાતની જાતિઓના અભ્યાસની શરૂઆત ગુજરાતમાં માનવહસ્તી વિશેના મળતા જૂનમાં જૂના ઇતિહાસના સમયથી કરવામાં આવી તો અક સત્ય બહાર આવ્યું છે કે, પ્રાગ્-ઐતિહાસિક કાલ એટલે કે પાષાણયુગો, આદ્ય-ઐતિહાસિક કાલ એટલે કે તામ્રકાંસ્યયુગ અને પ્રાચીન ઐતિહાસિક કાલ એટલે લગભગ ઈ.પૂ. ૩રર થી ઈ.સ. ૧૩૦૪ સુધીનો કાલ-; આટલા લાંબા સમયાવધિ દરમ્યાન ગુજરાતમાં આવીને વસેલી તેમજ ગુજરાતના મૂળ વતનીઓ (જેમના અહીંના આગમન વિશે હજી સુધી આપણી પાસે કંઈ જ પુરાવા નથી એ લોકો) જેવી જણાતી જાતિઓનો ખ્યાલ કરવો જોઇયે.

‘જાતિ’ શબ્દનો ઉપયોગ સામાજિક શાસ્ત્રોમાં ત્રિવિધ રીતે કરવામાં આવેલો જણાય છે એક તો ‘જાતિ’ દ્વારા races કે નૃવંશોનું સૂચન થાય છે; બીજું, ‘જાતિ’ શબ્દ દ્વારા અસલની આદિવાસી ટોળીઓનો ઉલ્લેખ થાય છે; ત્રીજી તરફથી, ખાસ કરીને ભારતમાં, ‘જાતિ’ના ખ્યાલમાં વિવિધ જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ પણ સમાવેશ પામે છે, આથી ગુજરાતની પ્રાચીન જાતિઓની વિચારણામાં ગુજરાતમાં વસેલા નૃવંશોનો, ગુજરાતમાં સ્થાયી થયેલી આ‌િદવાસી ટોળીઓનો તેમજ આ અનેક નૃવંશો ને ટોળીઓવાળી વસ્તીને એક વ્યાપક સમાજમાં- વર્ણને જ્ઞાતિવ્યવસ્થાવાળા સમાજમાં, ગૂંથી લેતી જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓનો ખ્યાલ કરવો જોઇએ.

પ્રાગ્-ઐતિહાસિક કાલની જાતિઓ વિશેની માહિતી પુરાવશેષીય ભૌતિક તેમજ હાડપિંજરોના રૂપમાં મળતાં સાધનો પરથી પ્રાપ્ત થયેલી છે. પાષાણયુગોના દીર્ઘ સમય દરમ્યાન તો ફક્ત આ જ પુરાવાઓને આધારે અંદાજ બાંધવાનો રહે છે. આદ્ય-ઐતિહાસિક કાલ માટે મુખ્યત્વે પુરાવશેષીય સાધનો અને આનુશ્રુતિક વૃત્તાંતો પર આધાર રાખવો પડે છે. પ્રાચીન ઐતિહાસિક કાલ દરમ્યાન રાજાઓએ કોતરાવેલા અભિલેખો, આપેેલાં દાનશાસનો તથા ચલણમાં મૂકેલા સિક્કાઓ પરથી તેમજ સાહિત્યિક સામગ્રી પરથી જાતિઓ અંગે આપણે અનુમાન કરી શકિયે છિયે. 

ભારતની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી મુજબ ભારતની વસ્તીના ૪.૫% લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ૫.૫૬ કરોડ (૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ) જેટલા થાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે, ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. અન્ય રાજ્યો, પાકિસ્તાન અને વિશ્વનાં 160 દેશોમાં ગુજરાતીઓ વસે છે, જેમાં અમેરિકા, યુ.કે., કેન્યા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશો, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરેનો સમાવેશ કરી શકાય.