વિદ્યાર્થીઓ તા.૨૬મી સુધી બીજા રાઉન્ડની ચોઇસ આપી શકશે : તા.૨૭મીએ સવારે ૧૦-૩૦ કલાકે કોલેજની ફાળવણી કરાશે
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ચાલતી કાર્યવાહીમાં પહેલો રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ખાલી પડેલી બેઠકો અને EWS કેટેગરીમાં નવી મંજુર થયેલી ૩૬૦ બેઠકોની સાથે ઓલ ઇન્ડિયા કવોટામાં પરત આવેલી ૭૬ બેઠકો સાથે હવે બીજો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. પહેલા રાઉન્ડમાં ખાલી પડેલી ૪૦૪ બેઠકોની સાથે અન્ય ખાલી બેઠકો પર વિદ્યાર્થીઓને ચોઇસ આપવાની સૂચના આપવામાં આવી છે. આગામી તા. ૨૭મીના રોજ બીજા રાઉન્ડમાં કોલેજ ફાળવણીની જાહેરાત કરી દેવામાં આવશે.
મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં પહેલો રાઉન્ડ પૂર્ણ થાય બાદ કુલ ૪૦૪ બેઠકો ખાલી પડી હતી. જેમાં સરકારી કોલેજોમાં ૧૯૩, મેનેજમેન્ટ કવોટામાં ૧૯૬ અને એનઆરઆઇ કવોટામાં ૧૫ બેઠકોનો સમાવેશ થતો હતો. પહેલો રાઉન્ડ પૂર્ણ થાય બાદ EWS કેટેગરીમાં ૩૬૦ એટલે કે કુલ ૧૨ કોલેજોમાં ૩૦ બેઠકોનો વધારો થયો હતો. આમ, ૭૬૪ બેઠકો બીજા રાઉન્ડમાં ઉપલબ્ધ હતી. પરંતુ ઓલ ઇન્ડિયા કવોટાની બેઠકો માટે ચાલતી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય બાદ ખાલી પડતી બેઠકો નિયમ પ્રમાણે જે તે રાજયોને પરત આપવામાં આવતી હોય છે. ઓલ ઇન્ડિયા કવોટાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હાલમાં કુલ ૭૬ બેઠકો ખાલી પડી છે. આજ રીતે ડેન્ટલમા કુલ ૩૦ બેઠકો ખાલી પડી છે. આમ, મેડિકલ માટે હવે કુલ ૮૪૦ બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવશે. આજ રીતે ડેન્ટલમાં પહેલા રાઉન્ડમાં ૯૯૧ બેઠકો ખાલી પડી હતી જેની સામે ઓલ ઇન્ડિયા કવોટામાં ૩૦ બેઠકો પરત આવી છે. આમ, કુલ ૧૦૨૧ બેઠકો માટે બીજા રાઉન્ડમાં કાર્યવાહી કરવામાં આવશે. બીજા રાઉન્ડ માટે હાલમાં ચોઇસ ફિલિંગ શરૂ કરી દેવામાં આવી છે. ઓલ ઇન્ડિયા કવોટામાં પરત આવેલી ૭૬ બેઠકો પણ હવે વિદ્યાર્થીઓને ચોઇસ માટે આપી દેવામાં આવશે. તા.૨૬મી સવારે ૧૧ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ ચોઇસ આપી શકશે. તા.૨૬મીએ સાંજે ૫ વાગે ચોઇસની જાહેરાત કરાશે. જેના આધારે તા.૨૭મીએ સવારે ૧૦-૩૦ કલાકે વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરી દેવામાં આવશે.