મેયરે જાહેરમાં રાઈડ ઘટનાનો દોષનો ટોપલો રૂપાણી સરકાર પર ઢોળ્યો

અમારી પાસે કોઈ સત્તા નથી, સરકાર અમને પગલાં લેવાની સત્તા આપે

અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)ની મળેલી સામાન્ય સભામાં ઘટસ્ફોટ થયો છે કે, અમદાવાદ શહેરમાં રાઈડની દુર્ઘટના બને તો એ ઘટના સામે અમપા કોઈની સામે પગલાં ન લઈ શકે એવી લાચાર સત્તા ભોગવે છે. કોઈ સામે કાર્યવાહી કરવાની કોઈ સત્તા નથી. તેથી સરકાર પાસે સત્તા આપવાની માંગણી કરી છે.

ખડી સમિતિના અધ્યક્ષને વિપક્ષના નેતાએ પુછેલા પ્રશ્નના જવાબમાં કહ્યું, કાંકરીયાની બનેલી ઘટના બાદ અમે રાજય સરકારને રજુઆત કરી છે કે, જો માર્ગ અને મકાન વિભાગ આ જવાબદારી ન સંભાળી શકતુ હોય તો આ સત્તા અમપાને આપવામાં આવે. સત્તાના આધારે ભવિષ્યમાં પ્રકારની ઘટના ન બને એ માટે ચોકકસ નીતિ ઘડી કાઢવામાં આવશે.

રાઈડ રીપેર કરવા મામલે મેયર સહીતના હોદ્દેદારો પાસે ૬ જુલાઈ 2019ના રોજ અહેવાલ મુકવામાં આવ્યો હતો. છતાં તેઓ કાંઈ કરી ન શકયા કેમકે તમામ સત્તાઓ માર્ગ અને મકાન વિભાગને આપવામાં આવી છે. એવો બચાવ કરવામાં આવ્યો હતો.

મેયરની સામે દેખાવો 

અમપા બોર્ડના આરંભ અગાઉ કોંગ્રેસના કોર્પોરેટરોએ કાંકરીયા રાઈડના અસરગ્રસ્તોને ન્યાય આપો, હાય રે મેયર હાય હાયના સૂત્રોચ્ચાર સાથે ગૃહમાં પ્રવેશ કર્યો હતો.

રાઈડનો ભોગ બનેલા 7 પિડિતો હજુ સારવાર હેઠળ

વિપક્ષનેતા દીનેશ શર્માએ ૧૪ જુલાઈ 2019ના રોજ બનેલી રાઈડ દુર્ઘટના બાદ એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓ પાસેથી એમઆરઆઈના પૈસા લેવામાં આવ્યા હોવાની રજુઆત કરી હતી. પણ સત્તાધારી પક્ષે કહ્યું કે ફ્રી સારવાર આપવામાં આવી છે. ૨૧ દર્દીઓને સારવાર આપી રજા આપી છે, 7 દર્દીઓ સારવાર હેઠળ છે. જેને 15 દિવસ થઈ ગયા છે. કોઈએ રકમ આપી હશે તો તે પરત કરાઈ છે. વિપક્ષનેતાએ કાયમી ક્ષતિ રહી જવાની ભીતી હોવાના કેસમાં અસરગ્રસ્તોને એક લાખ રૂપિયાની સહાય આપવી જાઈએ એવી રજુઆત કરી હતી. પણ તેનો કોઈ જવાબ મેયરે આપ્યો ન હતો.

સત્તા પક્ષ અને વિપક્ષ સામ સામે

રાઈડ દુર્ઘટનાની જવાબદારી કોની એ મામલે શાસક-વિપક્ષ વચ્ચે શાબ્દીક બોલાચાલી થવા પામી હતી. વિપક્ષનેતાએ કહ્યુ,આર એન્ડ બી એ કહ્યુ હતુ કે, તેઓ માત્ર લાયસન્સ આપે છે. ૧૪ શરતોનુ પાલન કરાવવાની જવાબદારી એએમસીની છે. આ અગાઉ રીવરફ્રન્ટ ખાતે ફાયર વિભાગે ૪૦ લોકોને મોડી રાતે રેસ્કયુ કરવા પડયા હતા. લાંભામાં પણ આ પ્રકારની ઘટના બની હતી. આ તબકકે શાહનવાઝે લાયસન્સ ન હોવાનો આક્ષેપ કરતા ચેરમેને કહ્યું, લાયસન્સ આપવામાં આવેલુ છે.

પર્વ પહેલા રાઈડની ચકાસણી 

સ્ટેન્ડીંગ ચેરમેને કહ્યું, રાજય સરકારના આદેશ મુજબ આવી રહેલા જન્માષ્ટમી સહીતના ધાર્મિક પર્વ અગાઉ તમામ રાઈડની ચકાસણી કરવામાં આવશે અને જા કયાંય ક્ષતિ લાગશે તો તેને ચલાવવાની મંજુરી આપવામાં આવશે નહીં.