ગાંધીનગર લોકસભામાં ઘાટલોડિયા વિધાનસભાના પ્રભાતચોક ખાતે નરેન્દ્ર મોદી અને અમિત શાહના માનવકદના કટઆઉટ સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શાહ-મોદીના નકલી ચહેરા પણ મતદારોને બતાવવામાં આવી રહ્યાં છે. તેથી લોકોમાં રમુજ ફેલાઈ છે. મોંઘવારી, બેકારી, આર્થિક બરબાદી, રાફેલ વિમાન ખરીદી કૌભાંડ અને નોટબંધીના જવાબો આપવા ન પડે એટલે નકલી ચહેરા અને કદ લઈ જવામાં આવી રહ્યા હોવાનું ઘાટલોડિયા વિસ્તારમાં લોકો ટીકા કરી રહ્યાં છે. આ ચૂંટણીમાં નવો તમાશો જોવા મળી રહ્યો છે, કે માણસ નહીં તો માણસને પુતળા કે ચહેરા સામે લાવીને મત માંગો.
પ્રદેશ ભાજપા યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ આ રીતે કટ આઉટ અને મોદી-શાહના નકલી ચહેરા-મોહરા ફેરવીને ઘરેઘરે મત માંગી રહ્યાં છે.
આ કેમ્પેઈનનું નામ ‘‘નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ આપના દ્વારે’’ રાખવામાં આવ્યું છે પણ તેઓને સદેહે હાજર રાખવાના બદલે તેમના નકલી શરીર અને નકલી ચરેહા રાખીને તેમને દ્વારે દ્વારે લઈ જવામાં આવી રહ્યાં છે. ત્યારે મતદારો કંઈક વિચિત્ર અનુભૂતિ કરી રહ્યાં છે.
“મોદી હૈ તો મુમકિન હૈ” ના નારા વચ્ચે માનવકદના કટઆઉટ સાથે હાથ ધરાયેલ આ લોકસંપર્ક યાત્રામાં સ્વયં નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહ લોકસંપર્ક કરી રહ્યા હોય તેવો માહોલ ઉભો કરવાનો હતો પણ તે મજાક બની ગયો છે. આ સમયે ઘાટલોડિયા વોર્ડના પ્રભાતચોક વિસ્તાર ખાતે ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ, મહાનગરના મહામંત્રી કૌશિક જૈન, સહકારી આગેવાન બીપીન પટેલ, વિધાનસભાના ઈન્ચાર્જ જતિન પટેલ તથા કોર્પોરેટરો અને ભાજપા શહેર પ્રમુખ-મહામંત્રીઓ હાજર હોય છે ત્યારે તેમની સામે જોઈને લોકો અંદરો અંદર મજાક કરી લે છે.