દસ ટકા અનામતની જાહેરાત થતાની સાથે જ દેશનાં તમામ મૂળભૂત પ્રશ્નોનું સ્થાન અનામતની ચર્ચાએ લઈ લીધુ છે ત્યારે અચાનક જ છેલ્લાં દિવસે આ ક્વોટાની રામાયણ કેમ ઊભી થઈ એના મૂળમાં જવા માટે તાજેતરમાં યોજાયેલી હિંદી બેલ્ટ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના NOTA મતદાન ને સમજવું પડશે.
મધ્યપ્રદેશમાં કુલ વોટિંગના 1.5% નોટામાં વોટિંગ થયેલ જે મતદાન સમાજવાદી પાર્ટીના 1.01% તેમજ આમ આદમી પાર્ટીના 0.7% કરતા પણ વધું હતુ. નોટા વોટના કારણે મધ્યપ્રદેશની ૧૧ એવી સીટ હતી જયાં કૉંગ્રેસના ઉમેદવારો જીત્યા હતાં પણ જીતના માર્જિન કરતા નોટામાં પડેલા મતની સંખ્યા વધું હતી. આ તમામ અગિયાર સીટમાં 7 સીટ એવી હતી જયાં જીતનું માર્જિન 1000 મત કરતા ઓછું હતુ જેમા ગ્વાલિયર સાઉથમાં જીત-121 અને નોટા-1550, રાજનગર સીટ પર જીત-732 અને નોટા-2485, રાજપૂર સીટ જીત-932 અને નોટા-3358, આમ અનેક સીટ ઉપર જીતના માર્જિન કરતા નોટા મત વધારે હતાં.
મધ્યપ્રદેશના નાણાંમંત્રી દામોહ સીટ પર 799 મતથી હાર્યા તેમાં નોટામાં 1299 મત પડ્યા હતાં, સ્વાસ્થ્યમંત્રી જબલપુર સીટ ઉપર 578 મતથી હાર્યા અને નોટામાં 1209 મત પડ્યા, બૂરહાનપૂર સીટ ઉપર મહિલા મંત્રી અર્ચના ચિટનીસ 5120 મતથી હાર્યા અને નોટામાં 570પઁ મત પડ્યા.
આ સિવાય બીના અને કોલારસ વિધાનસભા સીટ એવી હતી જયાં ભાજપના ઉમેદવાર જીત્યા હતાં પણ જીત કરતા નોટાના મત વધું હતાં આમ કુલ 22 જેટલી સીટ ઉપર જીતના માર્જિન કરતા નોઁટા મત વધું હતાં.
2008માં મધ્યપ્રદેશ ભાજપને કુલ મતદાનના 38% મત અને 143 સીટ મળી હતી, જ્યારે 2018માં ભાજપને 40% મત મળ્યા હોવાં છતાંય ફક્ત 109 સીટ ઉપર સમેટાઈ જવું પડયું હતુ. ટૂંકમાં કૉંગ્રેસ 40.9% મત અને ભાજપ 40% આમ ૧% મત ફર્ક હોવાં છતાંય નોટાના મતના કારણે ભાજપ હારી ગયુ.
એવી જ રીતે રાજસ્થાનમાં પણ નોટાએ ભાજપની બાજી બગાડી નાખી. અંદાજિત 15 જેટલી સીટો ઉપર નોટા વોટના કારણે ભાજપ સત્તાથી દુર રહી. રાજસ્થાન સ્વાસ્થ્યમંત્રી માલવીય નગર સીટ ઉપર 1704 મતથી જીત્યા જ્યારે 2371 નોટામાં પડ્યા, ભાજપના જ જબરસિંહ શંખલા અસિંદ સીટ ઉપર 154 મતથી જીત્યા જ્યારે 2943 નોટામાં પડ્યા, પીલીભંગા સીટ પર ભાજપના ધર્મેન્દ્રકુમાર 278 થી જીત્યા જ્યારે 2441 નોટામાં પડ્યા, મારવાડ જંકશન સીટ ઉપર અપક્ષ ઉમેદવાર સામે ભાજપના કેશારામ ચૌધરી 251 મતથી હાર્યા જયારે 2719 નોટામાં પડ્યા. બાંસવાડા જીલ્લાની કુશલગઢ સીટ ઉપર રેકોર્ડબ્રેક 11,002 મત નોટામાં પડ્યા, આ સિવાય બાગીડોરા સીટ – 5581, ઘટોલ સીટ – 4857, ગિરિ સીટ – 4594, તેમજ બાંસવાડામાં 3876 મત નોટામાં પડ્યા હતાં.
2013માં ભાજપને કુલ મતદાનના 46.1 ટકા મત અને 163 સીટ મળી હતી તેમજ કૉંગ્રેસને 33.71 સાત ટકા મત સાથે 21 સીટ મળી હતી જ્યારે 2018માં ભાજપને 38.8 ટકા મત સાથે 73 સીટ અને કૉંગ્રેસને 99 સીટ મળેલ છે.
મધ્યપ્રદેશ ભાજપ-40%, કૉંગ્રેસ-40.9%, નોટા-1.5% જ્યારે મધ્યપ્રદેશમાં પણ ભાજપ-38.8%, કૉંગ્રેસ-39.3%, નોટા-1.3% મતલક કે બંને પાર્ટીના મત ટકાવારીમાં ફક્ત એક ટકાનો જ ફર્ક અને એ એક ટકા મત શાસક ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધના ગુસ્સા તરીકે નોટામાં ગયા.
આ ફક્ત મોટા બે રાજ્યોની વાત થઈ પણ તેલંગણાને બાદ કરતા તમામ રાજ્યોમાં ભાજપ અને કૉંગ્રેસને મળેલ મતમાં અડધાથી લઈને એક-દોઢ ટકા જેટલો તફાવત હોવાં છતા ભાજપ નોટા વોટના લીધે હારી ગઈ છે. હવે આ નોટામાં શા માટે મત પડ્યા એ જાણવા માટે SC/ST એક્ટ જાણવો પડે.
એક જાહેરહિતની અરજીમાં સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો કે, એટ્રોસિટી હેઠળની ફરિયાદમાં પ્રાથમિક તપાસ કર્યા પછી જ આરોપીની ધરપકડ કરવી તેમજ સરકારી અધિકારીના કિસ્સામાં ધરપકડ કરતા પહેલા તેની તપાસ કરવી અને આગોતરા જામીન મળે એવા દિશાનિર્દેશ કર્યા જેના વિરોધમાં SC/ST સમુદાય દ્વારા ભારતબંધનું એલાન કરવામાં આવ્યુ અને દેશભરમાં અસંખ્ય વિરોધ પ્રદર્શન થયાં જેના દબાણથી નરેન્દ્ર મોદી સરકારે સુપ્રિમ કોર્ટના ચુકાદાને બેઅસર કરવા માટે એક વટહુકમ લાવ્યા અને SC/ST એકટની મૂળ જોગવાઈઓ જેવી કે તાત્કાલિક ધરપકડ, આગોતરા જામીન નહીં વગેરે મૂળ અસરથી લાગુ કરી.
બસ SC/ST એક્ટ અંગે સુપ્રિમના ચુકાદાને બદલવાના વટહુકમથી હિન્દી બેલ્ટના કહેવાતા સવર્ણો નારાજ થયાં અને હિન્દી બેલ્ટના રાજ્યોમા બિન દલિત તમામ જાતિઓ દલિતોના વિરોધમાં એક થવા લાગી, અને મધ્યપ્રદેશમાં તો “સામાન્ય પિછડા એવં અલ્પસંખ્યક વર્ગ સમાજ” (SAPAKS) નામનું સંગઠન બનાવવામાં આવ્યુ, આ “સપાકસ” સંગઠન સાથે ખુદ ભાજપના લોકો પણ જોડાયા અને મધ્યમ ઓબીસી વર્ગ તમેજ કહેવાતા સવર્ણ વર્ગે SAPAKS નાં માધ્યમથી NOTAમાં મત આપવા અપીલ કરી અને ઘણી બધી સીટો ઉપર પરિણામ બદલી શક્યા. આ સિવાય બીજેપી એમએલએ સુરેન્દ્રસિંહે જાહેરમાં નિવેદન આપ્યું હતુ કે સરકારે SC/STમાં કરેલ સંશોધનનો વિરોધ કરવા માટે હુ લોકોને 2019ની ચૂંટણીમાં નોટામાં મત આપવા અપીલ કરીશ.
તમામ રાજ્યોમાં એવરેજ દોઢ ટકા NOTA મત પડ્યા એ હકીકતમાં ભાજપના મતદારો હતાં પણ SC/ST એક્ટના વટહુકમના કારણે તેઓએ ભાજપને મત આપવાના બદલે NOTAમાં આપ્યો, ચૂંટણીમા પરિણામો પછીના આંકડાઓ જોતાં ભાજપની આંખો ફાટી રહી હતી અને સવર્ણોની નારાજગી દુર કરવા માટે કોઈ મોટુ આયોજન હાથ ધરવાના ભાગ રૂપે 10% ક્વોટાની જાહેરાત કરી છે.
NOTA તેમજ ક્વોટા પછી હવે વાત કરીયે ખોટાની તો 10% EWS જાહેરાત કરવા પાછળ નરેન્દ્ર મોદી કે ભાજપનો કોઈ સ્પષ્ટ શુભ ઈરાદો જણાઈ આવતો નથી. આ જાહેરાત હિન્દી બેલ્ટના સવર્ણોને ફક્ત ચૂંટણી પુરતો એવો અહેસાસ કરાવવા માટે છે કે, મોદી સરકાર સવર્ણ માટે પણ વિચારે છે. હિન્દી બેલ્ટ સવર્ણોને મોદી સહાનુભૂતિ આપી 2019ની ચૂંટણીમાં NOTA વોટની હારથી બચવા માંગે છે.
જો કે, કાનૂની રીતે જોઈયે તો મોદી સરકાર પાસે બે-ચાર રસ્તાઓ છે જેમા ૧) તેઓ આજે સંસદમાં બંધારણ સુધારા બીલ રજુ કરે અને લોકસભામાં બહુમતી સાથે પાસ કરી રાજયસભામાં મોકલી આપે, પણ રાજયસભામાં એક જ દિવસમાં પાસ ન થાય તો કદાચ તેઓ સત્રની મુદ્દત બે કે ત્રણ દિવસ લંબાવી શકે છે.
૨) બીજુ કે આ બીલ ફક્ત હિન્દી બેલ્ટ સવર્ણોની નારાજગી દુર કરી તેમને ચૂંટણીમાં નોટા મત આપતાં રોકવાનું જ છે એટ્લે જો રાજ્યસભામાં બીલ જાય અને તે આજે જ અથવા વધારેલા દિવસો દરમ્યાન પાસ ન થાય એટ્લે ચૂંટણી પ્રચારમાં કૉંગ્રેસ પાર્ટી વિરૂદ્ધ ભરપૂર પ્રચાર કરી શકાય એવો રસ્તો મોદીએ ગોતી લીધો છે.
૩) ભાજપ અને કૉંગ્રેસ બંને પાર્ટી મુખ્યત્વે સવર્ણ પાર્ટી છે, બંનેનું ટોચનું નેતૃત્વ સવર્ણોના હાથમાં છે જ્યારે માટે 10% EWS અનામતમાં રાજયસભામાં કૉંગ્રેસ “હા” અથવા “ના” બંને સ્થિતીમાં સવર્ણો અથવા પછાતોના રોષનો ભોગ બની શકે છે આથી કૉંગ્રેસની મહાગઠબંધનની શક્યતા ઓછી થઈ શકે છે કે કેમ કે, તમામ પ્રાદેશિક પક્ષો મોટાભાગે પછાત વર્ગનું નેતૃત્વ ધરાવતી પાર્ટીઓ છે એટ્લે પ્રાદેશિક પાર્ટીનું વલણ 10% વિરોધી રહેશે જેને પછાત સમુદાયનું સ્થાનિક બેકઅપ રહેશે જ્યારે કૉંગ્રેસ EWSને સમર્થન કરવું જરુરી બનશે એટ્લે કૉંગ્રેસ તેમજ પ્રાદેશિક પાર્ટીઓ વચ્ચે અંતર વધવાની શક્યતા છે.
૪) ધારો કે બીલ રાજયસભામાં અટકી જાય અથવા લટકી જાય અને ચૂંટણીમાં ભાજપ હારી જાય તો નવી સરકારનો મજબૂત વિરોધ કરવા માટે EWSનુ કોકડું ભાજપને કામ આવી શકે છે.
૫) પણ ભાજપની હારવાની શક્યતા ખૂબ ઓછી છે એટ્લે કદાચ કોઈ પક્ષને બહુમતી ન મળે અને હેંગ પાર્લામેન્ટ બનેં તો સ્વાભાવિક પણે મોદીને રોકવા માટે તમામ પ્રાદેશિક પક્ષો સાથે મળી તોડજોડ સરકાર બનાવે એટ્લે વિપક્ષી મોદીને તમામ પ્રાદેશિક પાર્ટીઓ ઉપર હુમલો કરવાની તક અને સવર્ણોનુ બેકઅપ મળી રહે.
૬) ધારો કે EWSની લોલીપૉપના કારણે બહુમતી સાથે મોદી રિપીટ થાય તો આ અનામત કોર્ટના ચક્કરમાં તેમજ સર્વેના ચક્કરમાં બીજા પાંચ વર્ષ કાઢી શકાય એવી શક્યતા છે.
૭) ટૂંકમાં આ આખો ખેલ લાંબા ગાળા સુધી એક નવા જ રાજકીય મુદ્દાને જન્મ આપવાનો છે જેમ રામમંદીર વર્ષોથી ચૂંટણી મુદ્દો છે એમ હવે આ EWS ભાજપ માટે નવો અને મજબૂત ચૂંટણી મુદ્દો બની રહે એવી મોટી ચાલ નરેન્દ્ર મોદીએ રમી છે.
૮) કે આવક મર્યાદા નકકી કરવા માટે સરકાર પાસે કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે કેમ??? કારણ કે 2.5 લાખની આવક વાળો ઈન્કમટેક્સ ભરે તો 8 લાખની આવક વાળો પછાત કઈ રીતે ગણાય??
૯) સૌથી અગત્યનો મુદ્દો કે NOTA ના ડરથી સવર્ણોને 10% EWS આપવામાં આવશે તે ભારત સરકાર હસ્તકની શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં જ લાગુ પડશે કે રાજ્ય સરકારમાં પણ 10% લાગુ પડશે??? સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથીમ
૧૦) જો 10% EWS રાજ્યોમાં પણ લાગુ પાડવી હોય તો 2/3 રાજ્યોની વિધાનસભામાં ખરડો પાસ કરવો પડે જે હાલમાં શક્ય જણાઈ રહ્યું નથી માટે આ અનામત ફક્ત કેન્દ્ર માટે હોઈ શકે.
હવે નરેન્દ્ર મોદી સામે સૌથી મોટો સવાલ એ છે કે આ બંધારણીય સુધારો લાગુ કઈ રીતે કરવામાં આવશે?? કેમ કે આ બંધારણીય સુધારા સામે રાજ્યસભા અને સુપ્રિમ કોર્ટ એમ બે મોટા પગથિયાં છે જ, તેમજ આર્થિક પછાત વર્ગ માટે આંકડાકીય સર્વે કર્યો નથી.
હવે વિવિધ આંદોલનની વાત કરીયે તો પહેલા આપણે સ્પષ્ટ કરવું જોઈયે કે આ 10% નિર્ણય આંદોલનના દબાણ નીચે લેવામાં આવ્યો હોય એવું ટેક્નિકલિ જણાઈ આવતું નથી કેમ કે મધ્યપ્રદેશમાં કોઈ આંદોલન ચાલતું નથી તેમજ રાજસ્થાનના ગુર્જર આંદોલન કરે છે તેઓ ઓલરેડી OBC અનામતમાં છે જ એટ્લે જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ તેમાં સવર્ણ ભાજપ મતદારોનો NOTA તરફ ઝુકાવના કારણે જ મોદી ક્વોટાનુ શસ્ત્ર ઉગામ્યુ છે.
ઘણાં લોકો આ અનામતને સવર્ણ અનામત કહે છે તે અત્યંત ભુલ ભરેલું છે કેમ કે પાટીદાર, ગુર્જર, કપુ, મરાઠા, જાટ આ તમામ આંદોલન કરતા લોકો ભારતીય વર્ણવ્યવસ્થા, સામાજિક અને ઐતિહાસિક વ્યવસ્થા મુજબ સવર્ણ જ્ઞાતિઓ નથી, નથી અને નથી જ પરંતુ ખેતી વ્યવસાય સાથે જોડાયેલી પછાત જ્ઞાતિઓ છે. ખેતીની જમીનની સમૃદ્ધિના કારણે તેઓ આર્થિક સક્ષમ હોવાં કારણે તેમને સામાજિક અન્યાય ઓછો થયો હોવાથી અનામતમાંથી બહાર છે, પણ બિન-અનામત હોવું એટ્લે ફરજીયાત સવર્ણ હોય એવું જરુરી નથી.
બીજું કે આ અનામત મુસ્લિમ, જૈન, પારસી, શીખ જેવા અન્ય ધર્મ તેમજ બિન-અનામતમાં આવતી બિન-સવર્ણ જ્ઞાતિને પણ મળવાની છે મતલબ સાફ કે આ સવર્ણ અનામત નથી પણ ભાજપથી નારાજ સવર્ણ NOTA મતદારોને લચાવવાની અમે નારાજગી દૂર કરવાની લોલીપોપ છે.
આ સાથે જોઈએ તો મુસ્લિમો અને મધ્યમવર્ગીય ઓબીસી મતદારો કદાચ SC/ST એકટથી નારાજ હોય કે ન હોય તો પણ તેઓ મોટાભાગે કોંગ્રેસ અથવા પ્રાદેશિક પાર્ટીના મતદારો છે એટલે ભાજપને એમના વિરોધનો ફરક પડતો નથી પણ ભાજપના સવર્ણ NOTA મતદારોની નારાજગીએ ભાજપને પાંચ રાજ્યોમાં સત્તામાંથી દૂર કરી દીધી એમ જ લોકસભામાં પણ અસર કરશે એવો ડર ભાજપ/મોદીને લાગતા આ EWS નિર્ણય આવ્યો છે.
ટૂંકમાં NOTA મતમાં એટલી તાકાત છે કે સરકારને હલબલાવી નાખે, હવે જોઈયે છીયે કે આ EWSનું કોકડું કેટલે પહોંચે છે…
ટૂંકમાં આ કોઈને કાંઈ આપવાની જાહેરાત નથી પણ NOTA વિરૂદ્ધ ખોટાની લડાઈ છે, હવે જોઈએ છીએ કે 2019 ના જંગમાં NOTA જીતે છે કે ખોટા???
આર્ટિકલ : ગોપાલ ઈટાલિયા “સાહેબ”
તિખારો:-
NOTA થી ડર્યા મોટા મોટા અને ખોટા.