યુનિ.ના તમામ અધ્યાપકોની એકસરખી ડિગ્રી દર્શાવાઈ

અમદાવાદ, તા. 06
સામાન્ય રીતે છબરડાંઓ માટે ખૂબ જ જાણીતી થયેલી ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. આ છબરડો એવો છે કે, યુનિવર્સિટીની વેબસાઈટ પર સંસ્કૃત, કાયદા તેમ જ અર્થશાસ્ત્રના અધ્યાપક હોવા છતાં તેઓ બીએસસી થયેલા દર્શાવાઈ રહ્યા છે. આટલો મોટો ગોટાળો વેબસાઈટ પર હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો તે વાતથી તદ્દન અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

યુનિવર્સિટીની વેબસાઈટની માહિતી

ડિજિટલ યુગમાં દરેકે દરેક ક્ષેત્રની વેબસાઈટ હોય છે. આવી જ વેબસાઈટ રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી ની વેબસાઈટ પણ છે. આ વેબસાઈટમાં દરેક પ્રકારની માહિતી વિદ્યાર્થીઓને મળી રહે એ હેતુથી અપડેટ કરવામાં આવે છે. આજના જમાનામાં વેબસાઈટ હેક થવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે યુનિવર્સિટીએ પોતાની વેબસાઈટ હેક ન થાય તે માટે ખાસ તકેદારી રાખી છે. હાલમાં વેબસાઈટમાં ટેસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે તેને બીટામોડ પર મૂકવામાં આવી છે.

દરેક અધ્યાપકોની ડિગ્રી એક સરખી

યુનિવર્સિટી નવી વેબસાઈટ હાલમાં તૈયાર થઈ રહી હોવાના કારણે જૂની વેબસાઈટ ચાલી રહી છે. આ વેબસાઈટ ખોલતાની સાથે જ એક ચોંકાવનારી માહિતી જોવા મળી. આ માહિતી પ્રમાણે યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર, સંસ્કૃત, કાયદા, ઈતિહાસ તેમ જ અન્ય આર્ટસ કોમર્સની ડિગ્રી ધરાવતા તમામ અધ્યાપકોની ડિગ્રી બીએસસી-એમએસસી-પીએચડી દર્શાવવામાં આવી છે. આ બાબતથી યુનિવર્સિટીના સત્તાધીશો અજાણ હોવાનું પણ જાણવા મળ્યું છે.

સત્તાધીશોનો લૂલો બચાવ

આ મામલે જ્યારે યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, આ મામલે મારી પાસે કોઈ પ્રકારની જાણકારી નથી. કમ્પ્યૂટર વિભાગને ચોક્કસ પૂછીને જે હશે તેનો ઉકેલ લાવવામાં આવશે. વેબસાઈટના આ છબરડાં માટે કમ્પ્યૂટર વિભાગના વડા ડો. અગ્રવાલને પૂછતાં તેમણે કહ્યું કે, તેઓ આ બાબતથી અજાણ છે. વેબસાઈટ હાલમાં બીટા મોડ પર છે અને નવી વેબસાઈટનું કામ ચાલી રહ્યું છે. જેમાં ડેટા લેવામાં આવી રહ્યો હોય ત્યારે ટેકનિકલ કારણે આ ખામી સર્જાઈ હોય એવું લાગે છે. તેઓ ઉમેરે છે કે, યુનિવર્સિટીની બે વેબસાઈટ હાલમાં જોવા મળી રહી છે, જેમાં જૂની વેબસાઈટ પર સાચી માહિતી જોવા મળી રહી છે. પરંતુ નવી વેબસાઈટમાં ટેકનિકલ ખામીના કારણે આ પ્રકારની ડિગ્રી થઈ ગઈ છે. જેને 24 કલાકમાં સુઘારી દેવામાં આવશે.