અમદાવાદના કાંકરિયા બાલ વાટિકામાં રાઈડ તૂટી પાડવાની ઘટનામાં અમે ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ સંચાલકો અને માલિકોના રૂટિન અને પિરિયોડિકલ કરવાના યોગ્ય મેંટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું સરકારના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) દ્વારા જણાવાયું છે.
શહેરના કાંકરિયા બાલ વાટિકામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે સાંજે હાઈ રાઈડ તૂટી પાડવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યાં હતા. જ્યારે 30 જેટલા વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. આ ઘટના અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) હસ્તકના કાંકરિયા બાલ વાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કમાં ખાનગી સંચાલક દ્વારા ચલાવાતી આ રાઈડની દુર્ઘટના અંગે એએમસી તેમજ સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ ઘટના અંગે માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ બી. વસાવાએ જણાવ્યું હતું કે, ગત ડિસેમ્બર-2018માં અમારા વિભાગ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને આ રાઈડ અંગે તે સમયે નિરીક્ષણ કરીને તેનું ફિટનેસ આપ્યું હતું.
આ અંગે અમદાવાદ ડિવિઝનના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) અરજન માલીવાડે જણાવ્યું હતું કે, અમે ગત ડિસેમ્બર માસમાં આ રાઈડ અંગે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીને તેના ફિટનેસની ચકાસણી કરી હતી. તે સમયે આ રાઈડ બરોબર ચાલતી હતી. જેથી અમે શરતોને આધીન ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હતું.
આ શરતોમાં-
(1) કંપની કે મેન્યુફેકચરરે આપેલી ગાઈડલાઇન મુજબ તેનું રૂટિન અને પિરિયોડિકલ ચેકિંગ અને મેંટેનન્સ કરવું,
(2) રોજે રોજ ચેકિંગ કરવું,
(3) નટ-બોલ્ટને દરરોજ ચેક કરવા
(4) જરૂર મુજબ રોજેરોજ ઓઇલ અને ગ્રિસિંગ કરવું,
(5) કંપની અને મેન્યુફેકચરરે જણાવેલ નિયત સમયે પાઈપના જોઇન્ટસ ચેક કરવા
(6) વરસાદ બાદ દરેક પાર્ટસનું ચેકિંગ કરવું,
(7) વરસાદ બાદ નટ-બોલ્ટમાં કોરોજન (કાટ) લાગ્યો હોય તો તેને દૂર કરવા
(8) રાઈડ માટે વીમો ઉતરાવવો
(9) રાઈડમાં મોડીફાઈ કરવામાં આવે તો આ ફિટનેસ સર્ટિફિકેટ રદ ગણાશે,
(10) મોડીફાઈ કરાયા બાદ નવું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.
(11) વરસાદ પડ્યા બાદ આ ફિટનેસ સર્ટિફિકેટ રદ ગણાશે સહિતની શરતો હોય છે.
આ ઉપરાંત સૌથી મહત્વની શરત એ હોય છે કે, જો સંચાલક કે માલિક આ શરતો કે સૂચનાઓનું પાલન ન કરે તો કોઈ અકસ્માત કે નુકશાની માટે સંચાલક કે માલિક જવાબદાર ગણાશે.
આ રાઈડ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, આ રાઈડ લોકલ મેડ (સ્થાનિક બનાવટ- એસેમ્બલ) હતી. આ રાઈડનું ઓટોમેશન એલ એન્ડ ટી કંપની દ્વારા કરાયું હતું.
રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની બેદરકારી જવાબદાર
એમ્યુઝમેન્ટ પાર્કમાં લાગેલી રાઈડનું સ્ટ્રકચર તેમજ મિકેનિઝમ ચકાસવાની તમામ જવાબદારી રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની હોય છે. રાઈડની યોગ્ય ચકાસણી નહી કરાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આરએન્ડબી વિભાગે વાર્ષિક ઈન્સ્પેકશન કર્યું હતું કે નહી તેની પણ તપાસ પોલીસ અધિકારી કરી રહ્યા છે. આરએન્ડબી, ફાયર ડિપાર્ટમેન્ટની મજૂંરી બાદ જ એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાની મજૂંરી પોલીસ વિભાગ દ્ધારા અપાતી હોય છે. આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકોએ વીમો લેવો ફરજિયાત હોય છે.
પોલીસે એક સાથે બે વર્ષનું લાયસન્સ ઈસ્યુ કરી દીધું સામાન્ય રીતે કોઈપણ લાયસન્સ દર વર્ષે રિન્યુ કરાવવાનું હોય છે, પરંતુ આ કેસમાં અમદાવાદ શહેર પોલીસની લાયસન્સ બ્રાંચે બે વર્ષનું લાયસન્સ રિન્યુ કરી દીધું હતું. જે શંકાના દાયરમાં આવે છે. આરએન્ડબી અને ફાયર ડિપાર્ટમેન્ટ દર વર્ષે એનઓસી આપતા હોય છે ત્યારે પોલીસ વિભાગ દ્ધારા એક સાથે બે વર્ષનું લાયસન્સ કેવી રીતે ઈસ્યુ કરાયું તે એક મોટો સવાલ છે. અમદાવાદ શહેરમાં અગાઉ ફરજ બજાવતા એસીપી એમ.કે.રાણા દ્ધારા તા.1 જાન્યુઆરી 2017 થી તા.31 ડિસેમ્બર 2019 સુધીનું લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યું છે.
પાર્ટસ ક્યાંથી લાવ્યા અને રાઈડ એસેમ્બલ કોણે કરી તેની માહિતી નથી
ડીસ્કવર રાઈડના અકસ્માત બાદ હવે આ રાઈડ એસેમ્બલ હોવાની વાત સામે આવી છે. વિદેશથી પાર્ટસ મંગાવીને રાઈડને એસેમ્બલ કરવામાં આવી હોવાની જાણકારી તો કોર્પોરેશન અને પોલીસને મળી છે, પરંતુ પાર્ટસ ક્યાંથી લવાયા અને કોણે એસેમ્બલ કરી તેની કોઈ માહિતી સરકારી તંત્ર પાસે નથી. પોલીસને આ માહિતી તપાસ માટે જરૂરી છે અને આ વિગતો એકઠી કરવા આરોપીઓના ઘર તેમજ ઓફિસ ખાતે સર્ચ કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
એડવેન્ચર પાર્કમાં ફર્સ્ટ એડની સુવિધા જ ન હતી
રાયખડના સાગર પરમાર, સાગરની પત્ની, સાળી અને સાળીના ફિયાન્સ એલ.જી.હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અકસ્માત સર્જાયા બાદ ઈજાગ્રસ્તોને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા બાદ તેમની પ્રાથમિક સારવાર કરવા માટે એડવેન્ચર પાર્કમાં કોઈ વ્યવસ્થા ન હોવાનું સાગરે જણાવ્યું છે.