બનાસકાંઠાના સિંગોતરિયા, અનવરપૂરા, કોડધા, તારાનગર, ફતેગંજ, ગામોના લોકોની વેદ પારાવાર છે. સિંગોતરીયા અને કૈલાસપુરામાં બે માસથી પીવાનું પાણી મળતું નથી. દિવસમાં એક વાર પાણીનું ટેન્કર સંપમા ઠાલવીને જાય છે અને દોરડા વડે ખેંચીને ઘેર લાવવું પડે છે. પાણી વગર લોકો ગામ છોડી મોટી સંખ્યામાં જતા રહયા છે. ગામમાં 150 પેકી 100 ઉપરાંત પરિવારો ઢોરઢાંખર લઈ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ દિશાના જુદા-જુદા શહેરોમાં જતા રહ્યા છે, જે ગામમાં છે તે દીકરા દીકરીઓના લગ્ન કરવા માટે રહેલા છે.
તેમાંય પાણી મિનિટોમાં ખાલી થઈ જતા પાણી માટે ટળવળવું પડે છે. મહિલાઓ તળાવમાં ખાડો ખોદી પાણી ભરે છે. કોંડધામાં 50 ઉપરાંત મહિલાઓએ તળાવમાં ખાડો બનાવી પાણી ઉપાડીને ભરવું પડે છે તેમ કહયું હતું. બોરનું પાણી ખારું હોઇ પશુઓ પણ પીતા નથી. રણકાંઠાનું ગામ હોઇ કોઈ સાંભળતું નથી.
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, અમે ગાંધીનગર જઇ બહેરી સરકારના કાને લોકોની વાત પહોચાડીશું અને ન્યાય મળે તે માટે લડત લડીશું. પુર્વ સાંસદ જગદીશ ઠાકોરે કોડધામા ત્રણ દિવસમાં પાણીનું ટેન્કર શરૂ કરાવવા બાંયધરી આપી હતી.
પાટણ જિલ્લામાં અછતમાં પાણી અને ઘાસચારાની બૂમરાણને પગલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પાટણ જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા પીવાનું પાણી પ્રજાને આપવાનું આયોજન નિષ્ફળ ગયું છે. લોકો પાણી માટે તરસી રહ્યા છેં. તેના માટે હું ભાજપ સરકારના નિષ્ફળ આયોજનને જ જવાબદાર ગણું છું. કોંગ્રેસના નેતાઓ દ્વારા ત્રણ દિવસ દરમિયાન રાજ્યના ગામોમાં પ્રવાસ કરી પાણીની સમસ્યા વાળા ગામોનો રિપોર્ટ તૈયાર કરશે. જો સરકાર પાણીની સમસ્યા હલ નહીં કરે તો કોંગ્રેસ દ્વારા પ્રજાને સાથે રાખી ઉગ્ર જન આંદોલન અનુસંધાન કરવામાં આવશે.