રથયાત્રામાં હથિયારો સાથે ન રાખતા – સરકાર

ભગવાન જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રા ૪ જુલાઇ 2019ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર છે. શહેર પોલીસ, અમદાવાદ મહાનગરપાલિકા, પેરામિલિટરી ફોર્સ અને ચેતક કમાન્ડો એમ વિવિધ વિભાગોનું સંકલન કરી વહીવટીતંત્ર દ્વારા સમીક્ષા બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું છે.

અખાડા સંચાલકોને મંજૂરી મળી હોય તેટલા જ વાહનો સાથે રાખવાની તથા તીક્ષ્ણ હથિયાર સાથે ન રાખવાની ગૃહ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.  વધુમાં રથયાત્રામાં જોડાયેલા રથના શિખર ઉપર મંદિરના પૂજારી તથા નિયત કરાયેલ માણસો જ બેસે તેની તકેદારી રાખવામાં આવશે.

રથયાત્રા સમયસર નીકળે, વિરામ સ્થળે પહોંચે અને નીજ મંદિરે નિયત સમયે પહોચે તેની જવાબદારી સામૂહિક છે. આ માટે પોલીસ, મહાનગરપાલિકા અને ફરજમાં જોડાયેલ સૌ કોઈ લોકોને સહયોગ કરવા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઇ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ રથયાત્રાના રૂટ પર રસ્તાઓનું રીપેરીંગ, સુશોભન, લાઇટના થાંભલાઓ કે વૃક્ષો અડચણરૂપ ન બને તેનો પણ ખ્યાલ રાખ્યો છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પણ સંપૂર્ણપણે તકેદારીયુક્ત પગલાં લેવાયાં છે. રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર અને શાંતિપૂર્ણ રીતે નીકળે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.