એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં ફાળવી દેવાતાં ભાજપમાં આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. વડોદરા અને રાજકોટ વચ્ચે આ હોસ્પિટલ લાવવાની રાજકીય હરીફાઈ શરૂ થઈ હતી. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ફાળવવાના મુદ્દે ભાજપના જ નેતાઓ સામ સામે આવી ગયા હતા. ચાર વર્ષ પહેલાં એઈમ્સ ગુજરાતને મળી ગઈ હોત. પણ ભાજપના નેતાઓ અંદરોઅંદર લડતાં રહ્યાં હોવાથી તેને સાડા ચાર વર્ષનો વિલંબ થયો છે. હવે કેન્દ્ર સરકારની પણ મુદત પૂરી થવામાં છે ત્યારે છેલ્લાં દિવસોમાં તેની જાહેરાત કરવી પડી છે. આમ ભાજપે આંતરિક લડાઈમાં ગુજરાતને ઘણું નુકસાન કરી દીધું છે. હજુ પણ આ લડાઈ ચાલી રહી છે.
વડોદરા અને મધ્ય ગુજરાતના ભાજપના ધારાસભ્યો સૌરાષ્ટ્રને એઈમ્સ ન આપવા કહી રહ્યાં છે. સાત ધારાસભ્યોએ એકઠા થઈને પોતાના પક્ષ સામે યુદ્ધ છેડી લીધું છે. માત્ર ને માત્ર વડોદરાને જ હોસ્પિટલ મળવી જોઇએ તેવુ છાતી ઠોકીને પોતાના પક્ષની સામે ઊભા છે. ગાંધીનગર ખાતે વડોદરા માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ મુખ્યમંત્રીને મળવા ગયા હતા. સ્પષ્ટ કહી દીધું હતું કે વડોદરામાં જ એઈમ્સ આપો. તેમની સાથે ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત 7 ધારાસભ્યો જોડાયા હતા.
ભાજપના કેટલાંક ધારાસભ્યો એવું માની રહ્યાં છે કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજકોટના હોવાના કારણે પક્ષપાતી નિર્ણય કરી રહ્યાં છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને આવી હોસ્પિટલની જરૂર છે.
અંદાજે રૂ.1250 કરોડના ખર્ચે 750 પથારીની એઈમ્સ હોસ્પિટલ બનતાં ચાર વર્ષ થશે. ગુજરાત રાજ્યમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ) માટે ઘણા સમયથી માંગ સાથે વિવાદ પણ રહ્યો હતો. રાજકોટ નજીક જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગામ પાસે 200 એકર જમીનમાં એઈમ્સ બનાવવામાં આવશે. એઈમ્સમાં 20 સુપર સ્પેશ્યાલીટી વિભાગો સાથે દરેક પ્રકારના રોગોમાં સારવાર હશે.
એઈમ્સની મેડીકલ કોલેજમાં 100, બીએસસી-નર્સિંગની 60 બેઠકો મળશે. સૌરાષ્ટ્રના 12 જીલ્લાના દર્દીઓને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. જેમાં રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને કચ્છ જીલ્લાનો સમાવેશ થાય છે.
એઈમ્સ રાજકોટને આપી હોવાની વાત જાહેર થયા બાદ પાંચ દિવસ પછી એકાએક રાજકીય આંદોલન કરવાની વાત ભાજપના માજંલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે કરી હતી. તેમના મત પ્રમાણે સૌરાષ્ટ્રના આગેવાનોની સંખ્યા અને પ્રભાવ વધું છે.
એઈમ્સ મામલે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂએ લડતની ચિમકી આપી હતી.
દેશમાં 13 નવી એઈમ્સની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આઠ પર કામ શરુ કરી દેવામાં આવ્યું છે