રાજકોટનાં ખરેડી ગામે ખેડૂતોનું હલ્લાબોલ, મહિલાઓ બની રણચંડી

રાજ્યનાં ખેડૂતો દેવાંમાફીની માંગણી સાથે છેલ્લાં કેટલાંક સમયથી માંગણી કરી રહ્યાં છે. અને આ માટે પાસનાં કન્વીનર હાર્દિક પટેલ અને કોંગ્રેસ દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યાં છે. પરંતુ છેલ્લાં 22 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ સરકાર આ મામલે કોઈ નિર્ણય કરતી નથી, ત્યારે આજે રાજકોટનાં ખરેડી ગામે ખેડૂતોએ આક્રોશ રેલીનું આયોજન કરીને નિંદ્રાધીન સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.
રાજકોટ જિલ્લાનાં કાલાવડ તાલુકાનાં 10 ગામનાં ખેડૂતોએ આજે સવારથી જ આંદોલનનાં મંડાણ કર્યાં છે. આ ગામોનાં ખેડૂતોએ દેવાં માફી સહિત ચાલુ વર્ષે થયેલાં અપૂરતાં વરસાદને લઈને સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. આ માંગણી સાથે મહિલાઓ સહિત ખેડૂતોએ એક આક્રોશ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલી મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને સરકારનાં છાજિયાં લઈને તેમની માંગણી સત્વરે સંતોષવા માટે અપીલ કરવામાં આવી છે. આ રેલીમાં ખેડૂતો અને મહિલાઓ દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યાં હતાં. સાથે સાથે આ વિસ્તારોમાં થયેલાં અપૂરતાં વરસાદને લઈને ખેડૂતોને પડી રહેલી સિંચાઈનાં પાણીની તંગી સામે પણ ખેડૂતોએ બાંયો ચડાવી છે. આ વિસ્તારમાં અપૂરતો વરસાદ હોવા છતાં રાજ્ય સરકારે આ વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કર્યાં નથી, ત્યારે સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતો ખરેડી સ્થિત ડેમમાં દુષ્કાળ રાસ રમીને પણ વિરોધ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, અગાઉ પાસનાં કન્વીનર હાર્દિક પટેલે ખેડૂતોનાં દેવાં માફી માટે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું. અને સાથે સાથે કોંગ્રેસે પણ વિધાનસભાનાં બે દિવસીય ચોમાસું સત્ર દરમિયાન ખેડૂતોની આક્રોશ રેલી યોજી ખેડૂતોને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓને સત્વરે દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ, રાજ્ય સરકાર દ્વારા આ મામલે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. અને રાજ્ય સરકાર હાલમાં 31મી ઓક્ટોબરે સરદાર સરોવર ડેમ નજીક સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનાં લોકાર્પણ કાર્યક્રમમાં વ્યસ્ત થઈ છે. જેનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાનાં છે. ત્યારે ખેડૂતો પોતાની માંગણી સાથે આ કાર્યક્રમમાં વિરોધ કરે તો નવાઈ નહિ.