રાજકોટ,તા.22
પ્રકાશના પર્વ દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં રોજ સાંજ પડતાં જ લોકો ખરીદી કરવામાં વ્યસ્ત બની જાય છે. શહેરના સદર બજાર સહીતના વિસ્તારોમાં રોજ લોકોની ભીડ જામે છે અને મંદીના માર વચ્ચે પણ મન મુકીને ખરીદી કરે છે. ત્યારે આ વર્ષે ફટાકડાની વાત કરીએ તો ડ્રોન ફટાકડાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. ગ્રીન ફટાકડાના ભાવમાં 20 ટકા જેટલો વધારો થયો છે. ત્યારે બજારમાં ઠેર-ઠેર ફટાકડાની દુકાનો ખુલી રહી છે.
ફટાકડાના ભાવમાં વધારા માટે વધુ વરસાદ જવાબદાર
દર વર્ષની જે આ વર્ષેપણ ફટાકડામાં અવનવી વેરાયટીઓ જોવા મળે છે. રાજકોટમાં સદર વિસ્તારમાં સિઝન સ્ટોર ધરાવતા રાજુભાઇ જસાણીએ જણાવ્યું હતું કે, ફટાકડામાં લગભગ 200 પ્રકારના ફટાકડા જોવા મળે છે. જેમાં ફુલઝર, રોકેટ અને શંભુથી લઇને લક્ષ્મી બોમ્બ અને ફેન્સી ફટાકડાનો સમાવેશ થાય છે. જેની કિંમત રૂ. 30થી લઇને રૂ. 1500 સુધીની હોય છે. દર વર્ષ ફટાકડાના ભાવમાં 5થી 10 ટકાનો વધારો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે વધુ વરસાદ અને ગ્રીન ફટાકડાના ભાવમાં 20 ટકા જેટલો વધારો થયો છે. તે સિવાય વહેલા બનેલા અને ગયા વર્ષના સ્ટોક કરેલા ફટાકડાને વધુ વરસાદનું ગ્રહણ લાગી જવાથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યોં છે. તેવું વેપારીઓ પાસે જાણવા મળી રહ્યું છે.
હેલિકોપ્ટર, પપ્પુ શાવર સહિતનાં ફટાકડા
નવા ફટાકડાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ડ્રોન સહિતનાં 10 પ્રકારના ફેન્સી ફટાકડા આવ્યા છે. પ્રાયોગિક ધોરણે બજારમાં મુકવામાં આવેલા આવા ફટાકડા ગણીગાંઠી દુકાનમાં જ ઉપલબ્ધ છે. ઉડતા ડ્રોન જે ડ્રોનની માફક હવામાં ઉડે છે. અને ઉપર જઇ ને ફરે છે અને ફૂટે છે. એટલે ડ્રોન જેવું જ લાગે છે લવકુશવાળા શંભુ, રેલગાડી સેલ્ફી સ્ટીક, લોલીપોપ, ટોપ ગન, પપ્પુ શાવર જેમાં હાથીની સુંઢમાંથી પ્રકાશનો ફુવારો રેલાશે, બોટરો જેમાં જમીન ચક્રી સાથે શંભુ, મીની ટોયઝ, જે બટરફ્લાયની જેમ ઉડશે. હેલીકોપ્ટર જે હેલિકોપ્ટરની માફક ઉડે છે, ઉપરાંત હોટવ્હીલ વગેરે પ્રકારનાં નવા ફટાકડા તેમની દુકાનમાં ઉપલબ્ધ છે. આ દરેક ફટાકડાની કિંમત રૂ.300થી 400 જેટલી છે .વધતા ભાવ સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે ભાવ દર વર્ષે વધતા રહે છે. પરંતુ રાજકોટના ઉત્સવ પ્રિય લોકોની ઉજવણીમાં કોઇ ફેર પડતો નથી. દીવાળીના નજીક આવતા જ લોકો મંદી ભૂલી જશે તેવી વેપારી ઓને આશા છે.