ગાંધીનગર, તા. 10
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા મોલને ભારે નુકસાન કર્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા તેમના મહામોલા પાકને સળગાવી દેવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના રાજકોટના પડધરી પંથકમાં માવઠાંના કારણે 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ મગફળી અને તેના ભૂક્કાની હોળી કરી હતી. ખેડૂતો પાસે નાણાં ન હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મામલે કોઈ ચોક્કસ ઉકેલ લાવવાની પણ ખેડૂતોએ ઉગ્ર માગણી કરી છે.
મોવૈયા ગામના ખેડૂતોએ પાક સળગાવ્યો
ચાલુ વરસાદી મોસમમાં પડેલા અતિભારે વરસાદ અને ત્યારબાદ આવેલા કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત ખસ્તા કરી દીધી છે. આ વિસ્તારમાં ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. જેને અતિભારે વરસાદ અને કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. આ સંજોગોમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવૈયા ગામના ખેડૂતોએ 15 વીઘા જમીનમાં પથરાયેલા પોતાના પાકને સળગાવી દીધો હતો. ખેડૂતોના કહેવા પ્રમાણે અમારો પાક હવે માત્ર ખાતર કરવાના કામમાં જ આવે એવો થઈ ગયો છે. છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન આવેલા વરસાદના કારણે ઊભો પાક ત્રણથી ચાર વખત પલળી ગયો છે. આ પાક પલળતાં પશુઓ પણ કંઈ ખાઈ શકે તેવું નહોતું. જેના કારણે 15 વીઘા જમીનનો પાક સળગાવી દીધો છે. આ મામલે ખેડૂતોએ વધુમાં કહ્યું કે, ખેતરમાં મગફળીનો ઊભો પાક હતા, થોડો કાઢ્યો હતો. પણ મોટાભાગનો પાક ત્રણચાર વખત પલળી ગયો હતો. અમારા હાથે કશું આવે એવું નહોતું.
સરકાર પાસે માગણી
મગફળી અને કપાસના ઊભા પાકને થયેલા નુકસાન અંગે ખેડૂતોએ માગણી કરી છે કે, સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતોને પૂરેપૂરી સહાય કરવી જોઈએ. કેમ કે, આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ અને ત્યારબાદ પડેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં કરેલા મગફળી અને કપાસના વાવેતર બાદ ઊભો થયેલો પાક સંપૂર્ણપણે ખલાસ થઈ ગયો છે. આ સંજોગોમાં સરકારે ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવીને તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ જેથી ખેડૂતો પોતાના કુટુંબનું જીવન નિર્વાહ કરી શકે અને જે દેવું થયું છે તેમાંથી પણ રાહત મળે.
ડુંગળીના પાકને પણ ભારે નુકસાન
કમોસમી વરસાદની અસર સમગ્ર રાજ્યમાં થઈ છે. પણ તેની સૌથી ખરાબ અસર ખેડૂતો પર થઈ છે. માવઠાંના કારણે ખેડૂતોની કમર ભાંગી ગઈ છે. મગફળી, ડાંગર, કપાસ જેવા પાકને તો નુકસાન થયું જ છે. પણ સાથે ડુંગળી અને શાકભાજી ઉગાડતાં ખેડૂતોને પણ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીનો પાક કમોસમી વરસાદના કારણે બગડી જતાં તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. સૌરાષ્ટ્રના ભાવનગર, મહુવા, તળાજા, મોરબી અને ગોંડલમાં ભારે વરસાદના કારણે ડુંગળીનો પાક તેમ જ ઉતારેલી ડુંગળી બગડી જતાં આ પાક લેતા ખેડૂતોની મુશ્કેલીમાં ખૂબ જ વધારો થયો છે.