રાજકોટના વેપારીઓના ઉઝબેકિસ્તાન સાથે એમઓયુ, 22 કરોડના રબ્બર બેલ્ટ એન્જિન લગાવવામાં આવશે

રાજકોટ,તા:૨૬ રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓ માટે હવે ઉઝબેકિસ્તાન નવા માર્કેટ તરીકે ઊભું થઈ રહ્યું છે, જે મુજબ રાજકોટના વેપારીઓ હવે ઉઝબેકિસ્તાનમાં પોતાના ધંધાની જમાવટ કરી શકશે.

એમઓયુ હેઠળ ઉઝબેકિસ્તામાં રાજકોટના વેપારીઓ 22 કરોડના રબ્બર બેલ્ટ એન્જિન લગાવશે. ઉઝબેકિસ્તાન ગયેલા પ્રતિનિધિમંડળમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાલમાં જ મુખ્યપ્રધાનની સાથે ઉઝબેકિસ્તાન ગયા હતા, જ્યાં આ એમઓયુ કરવામાં આવ્યા.

ગુજરાતના પ્રતિનિધિમંડળે ઉઝબેકિસ્તાનમાં તાસ્કંદ, સમરકંદ, અંદિઝાન અને બુખારા શહેરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ખેતી, ઓટોમોબાઈલ, સ્વચ્છતા અને રહેણીકરણી અંગે અભ્યાસ કર્યો હતો. ઉઝબેકિસ્તાન અને ગુજરાતના વેપારને પ્રોત્સાહન આપવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેના ત્રણ અધિકારી નિયમિતરૂપે ગુજરાત અને ઉઝબેકિસ્તાનની મુલાકાત કરશે.

ગુજરાતના પ્રતિનિધિમંડળે ઉઝબેકિસ્તાનમાં ખેતીને લગતી મોટી શક્યતા દર્શાવી છે. જે મુજબ ઉઝબેકિસ્તાનનું વાતાવરણ કપાસના વાવેતર માટે ઉત્તમ હોવાનું જણાયું છે. જો કે ત્યાં ખેતીને લગતા યોગ્ય સ્કિલ્ડ લેબર મેળવવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.