રાજકોટ,તા:૨૦
રાજકોટ, જેતપુર, ગોંડલ અને શાપર-વેરાવળની જીવાદોરી સમાન ભાદર-1 ડેમને ભાદરવામાં જ છલકાવી દેવા નિર્ણય લેવાયો છે જેના ભાગરુપે હાલમાં સૌની યોજના હેઠળ નર્મદાનીરને ડેમમાં ઠાલવવામાં આવી રહ્યાં છે. ભાદરની પાણીની સપાટી વધતાં હેઠવાસના ગામોને સતર્ક કરાયાં છે. રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતાં આજી-1 અને ન્યારી-1 ડેમને સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવીને ઓવરફ્લો કરવામાં આવ્યા પછી હવે ભાદર-1નો વારો છે. રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રો દ્વારા મળેળી માહિતી અનુસાર કુલ 34 ફુટની ઉંડાઇના ભાદર-1 ડેમમાં સૌની યોજના અંતર્ગત છેલ્લા 24 કલાકમાં સતત નર્મદાનીર ઠાલવવામાં આવતા સપાટી વધી રહી છે.આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો તેને નર્મદાના પાણીથી જ ભરી દેવામાં આવશે.