રાજકોટ,
રાજકોટની હવાઈસેવાની માગને ગઈને એર ઈન્ડિયાએ 16 સપ્ટેમ્બરથી રોજ સાંજની મુંબઈ સુધીની ફ્લાઈટ શરૂ કરી છે, જે અગાઉ અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ પૂરતી સીમિત હતી. રોજ મુંબઈની હવાઈસેવાના પરિણામે હીરા સહિત અન્ય ઉદ્યોગકારોને મોટી રાહત થઈ છે, અને તેમના સમય અને નાણાંની બચત થશે.
કેટલાક વેપારીઓને અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ મુંબઈ જવું પડે છે, જેમને હવે કોઈ તકલીફ પડશે નહીં. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાના સ્થાનિકો, વેપારીઓ અને પર્યટકોને હવે મુંબઈથી આવવા કે મુંબઈ જવા કોઈ અસુવિધા ઊભી નહીં થાય. કહેવાઈ રહ્યું છે કે એર ઈન્ડિયાની સેવામાં આ વધારાથી સૌરાષ્ટ્ર, ગીર સહિતના વિસ્તારોમાં પર્યટનને પણ પ્રોત્સાહન મળશે, જેનાથી રાજ્ય સરકાર સહિત સ્થાનિકોની આવક પર પણ અસરરૂપ થશે.
એર ઈન્ડિયા રાજકોટની આ સેવામાં ઓક્ટોબરથી વધારો કરવા જઈ રહી છે, જે મુજબ 15 ઓક્ટોબરથી બીજી એક સવારની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આમ સૌરાષ્ટ્રથી મુંબઈ જવા અને મુંબઈથી સૌરાષ્ટ્રમાં જવા માટે સવારે અને સાંજે એક-એક ફ્લાઈટની કનેક્ટિવિટી થઈ જશે.