રાજકોટ જિલ્લામાં શિસ્તબદ્ધ ભાજપની આબરૂનું લીલામ

કે. ન્યૂઝ, ગાંધીનગર, તા:19 

દેશના શિસ્તબદ્ધ પક્ષ તરીકેની છાપ ધરાવતા ગુજરાત એકમના રાજકોટ જિલ્લા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની આબરૂના ધજાગરાં ઉડી રહ્યાં છે. રાજકોટ જિલ્લા ભાજપના નેતા ડો. ભરત બોઘરાને પ્રમુખ બનાવવા સામે ખુદ જિલ્લા ભાજપના જ નેતાઓએ મોરચો માંડતા ભાજપની પ્રદેશ નેતાગીરીએ આ મામલે દરમિયાનગીરી કરીને તેને ઠારવા માટે રાજકોટ દોડી જવું પડ્યું છે. જ્યાં પહોંચીને ભાજપ પ્રદેશ નેતૃત્વએ સબસલામતનો રાગ આલાપ્યો છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ બયાન કરી રહી છે. એકબાજુ પ્રદેશ ભાજપની નેતાગીરી આ બન્ને નેતાઓ વચ્ચે સમાધાન કરાવવાના હવાતિયા મારી રહી છે ત્યારે બીજી બાજુ ડો. બોઘરાનો વિરોધ કરી રહેલા પોપટ રાજપરા કોઈ કાળે આ મુદ્દે સમાધાન કરવાના મૂડમાં નહિ હોવાનું જાણવા મળ્યું છે.

વાઈરલ મેસેજથી જિલ્લા ભાજપમાં ધડબડાટી

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના જસદણનું રાજકારણ ફરીએકવાર ચર્ચાના ચગડોળે ચડ્યું છે. જેમાં જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પોપટ રાજપરાના નામે એક મેસેજ વ્હોટ્સ એપમાં વાઈરલ થયો છે. ડો. ભરત બોઘરાને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ કેમ બનાવી શકાય તે મામલે આ મેસેજ વાઈરલ થતાં રાજકારણ ગરમાયું છે. ભાજપના જ એક નેતા અન્ય નેતા સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. જોકે, આ મામલે ભરત બોઘરાનો સંપર્ક સાધતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, હું કોઈ જિલ્લા પ્રમુખની દોડમાં નથી અને આ મેસેજ માટે હું બદનક્ષીનો દાવો પણ માંડી શકું છું. તો બીજી બાજુ પોપટ રાજપરા કહે છે બોઘરાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે, ચૂંટણીમાં પણ તેમણે પક્ષ વિરોધી કામ કર્યું છે. આવી તો તેમની અસંખ્ય વાતો છે. આટલેથી રાજપરા અટકતા નથી અને વધુમાં કહે છે કે ભ્રષ્ટાચાર સિવાય ડો. બોઘરાએ કશું જ નથી કર્યું. તેમણે ડો. બોઘરાને પડકાર ફેંકતા કહ્યું કે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં જાઓ, મારી પાસે તેમની વિરૂદ્ધના અનેક પુરાવાઓ છે. તો જિલ્લા ભાજપમાં ચાલી રહેલા આ વિવાદનો લાભ લેવા માટે એક ચેનલ સાથે સંકળાયેલા કેટલાંક તત્વો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

બોઘરા અને બાવળિયાની હરિફાઈ સામે આવી

જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેનનો મેસેજ વાઈરલ થતાં રાજકારણ ગરમાયું છે. આ મેસેજ વાઈરલ થયા બાદ જસદણ- વિંછીયાના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા અને જસદણ ભાજપના નેતા ડૉ. ભરત બોઘરા વચ્ચેની રાજકીય હરિફાઈ ખુલીને બહાર આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન આજે રાજકોટ ખાતે મળેલી ભાજપની બેઠકમાં કુંવરજી અને બોધરા સાથે તો જોવા મળ્યા હતા પરંતુ મીડિયા સામે બોઘરાએ આપેલા નિવેદનથી સૌરાષ્ટ્રના રાજકીય આલમમાં ચર્ચા જાગી છે.

કોકડું ઉકેલવા પ્રદેશ નેતાગીરી દોડતી થઈ

રાજકોટ જિલ્લાના વકરેલા વિવાદને જોતાં પ્રદેશ નેતાગીરીએ તેમના પ્રતિનિધિ તરીકે કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રાજકોટ મોકલ્યા. જ્યાં તેમની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપની બેઠક મળી હતી. આ બેઠકમાં ડો. બોઘરાના બે ચહેરા સામે આવ્યા હતા. બેઠક ખંડ અને બેઠક ખંડની બહાર બોઘરાએ અલગ અલગ નિવેદનો કર્યા હતા. બેઠક બાદ બોઘરાએ એવું કહ્યું કે, કુંવરજીભાઈ અમારા કેબિનેટ પ્રધાન છે. એટલે એમાં સમાધાન કે ઝઘડાનો પ્રશ્ન જ નથી. એ એમની રીતે કામ કરે છે. અને હું સંગઠનમાં કામ કરૂં છું. આ બેઠકના અંતે લગભગ તમામ નેતાઓએ એકસૂરે એવું કહ્યું હતું કે, જિલ્લા ભાજપમાં બધું સમુસુથરું છે અને કોઈ જાતનો વિવાદ કે વાંધો કોઈને જ નથી.

સમાધાનની ફોર્મ્યૂલા ઘડી કઢાઈ

ભાજપની પ્રદેશ નેતાગીરીના પ્રતિનિધિ તરીકે સૌરાષ્ટ્ર ભાજપના નવા માળખાની રચનાની સેન્સ લેવા આવેલા કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ આ બે જૂથો વચ્ચે સમાધાન કરાવવા માટે એક ફોર્મ્યૂલા ઘડી કાઢી છે. જેના ભાગરૂપે કેબિનેટ પ્રધાન બાવળિયા અને જિલ્લા ભાજપના નેતા ડો. ભરત બોઘરાના સૂર તો બદલાઈ ગયા છે. પરંતુ જસદણ માર્કેટિંગ યાર્ડના ભૂતપૂર્વ ચેરમેન પોપટ રાજપરા તેમની સાથે કોઈકાળે સમાધાન કરવાના મૂડમાં નહિ હોવાનો રાગ આલાપ્યો હતો. તેમના કહેવા પ્રમાણે જે વ્યક્તિએ ભાજપની વિરૂદ્ધમાં કામ કર્યું હોય, ભ્રષ્ટાચાર કર્યો હોય એવી વ્યક્તિ સાથે કોઈ સંજોગોમાં સમાધાન કરવામાં નહિ આવે. આ મામલે અમે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી સુધી રજૂઆત કરીશું અને જરૂર પડ્યે અમે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને પણ મળીને આ મામલે ઉગ્ર રજૂઆત કરીશું.

શું છે મૂળ વિવાદ?

જસદણ ભાજપમાં જે જૂથબંધી બહાર આવી છે તેમાં મુખ્યત્વે ડો. ભરત બોઘરા અને આયાતી નેતા કુંવરજી બાવળિયા વચ્ચેનો ગજગ્રાહ જવાબદાર હોવાનું કહેવાય છે. સૂત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો સાથ મેળવનાર કુંવરજી બાવળિયાને જસદણની પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવીને ભાજપે તેમને જીતાડ્યા હતા. બાવળિયાને ભાજપમાં સામેલ કરવા સામે ડો. બોઘરાએ જે પોતે પણ જસદણના છે તેમણે પ્રદેશ નેતાગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને એવું પણ કહેવાય છે કે, પ્રદેશ નેતાગીરીએ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા નેતાઓની ઉપેક્ષા કરીને બાવળિયાને પક્ષમાં લીધા હતા. અને ડો. બોઘરાએ જે તે સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો તેમની ઉપર આરોપ પણ મૂકાયો છે. આ સંજોગોમાં હવે જ્યારે જિલ્લા ભાજપનું નવું સંગઠન તૈયાર કરવાનું છે ત્યારે ફરીએકવાર ડો. બોઘરા સામે તેમના વિરોધી નેતાઓએ તલવાર ખેંચી છે અને આ વિરોધના વંટોળને બાવળિયા ખુદ હવા આપી રહ્યા હોવાનું પણ રાજકોટ જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે.

સૌરાષ્ટ્ર ભાજપના માળખા માટે સેન્સ

રાજકોટમાં આજે ભાજપની સૌરાષ્ટ્રના નવા માળખાની રચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સંગઠન તરફથી કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તેમણે કાર્યકરોની સેન્સ લીધી હતી. શહેર ભાજપના પ્રમુખ તરીકે કમલેશ મિરાણીને રિપીટ કરાય એવી શક્યતાઓ છે તો બીજી બાજુ જિલ્લા ભાજપના પ્રમુખ માટે ચાલી રહેલી હરિફાઈમાં ડો. ભરત બોઘરા ઉપરાંત અન્ય નવા ચહેરાને સ્થાન મળે એવી શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે.