રાજયની યુનિવર્સિટીઓ એબીવીપી અને આરએસએસના કાર્યકર્તાઓની નોકરી આપવાનુ કેન્દ્ર બની ગઇ

તા.10મી નવેમ્બર, અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટી સહિત રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓમાં છેલ્લા છ માસમાં પ્રોફેસર, આસી.પ્રોફેસર, એસો.પ્રોફેસર સહિતની જુદી જુદી જગ્યાઓ માટેની ભરતીઓ શરૂ કરવામાં આવી છે.  ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આ ભરતી થઇ ચુકી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરેમાં ભરતી થવાની છે. આ તમામ યુનિવર્સિટીઓમાં મળીને અંદાજે 200થી વધારે ભરતીઓ કરવામાં આવી છે. હજુપણ આ કાર્યવાહી ચાલુ છે ત્યારે દરેક ભરતીમાં એક સામ્યતા એ છે કે તમામ કાર્યવાહ પહેલા કયા ઉમેદવારોની ભરતી થવાની છે તેના નામો જાહેર થઇ ગયા હતા. છતાં પણ જે તે યુનિવર્સિટીતંત્ર દ્વારા એજ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેના કારણએ હાલમાં શિક્ષણઆલમમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ભરતીના નામે હાલમાં યુનિવર્સિટીઓમાં આરએસએસ અને એબીવીપીના કાર્યકર્તાઓને સેટ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સામાન્ય ઉમેદવારોનો શિક્ષણજગત પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. આ પ્રકારની કાર્યવાહીથી સરકાર અજાણ હોય તે શકય નથી છતાં મૂકપ્રેક્ષક બની રહી છે તે વાસ્તવિક્તા છે.

ગુજરાત યુનિવર્સિટીએ તો હદ કરી…..

સૌથી પહેલા જોઇએ તો. ગુજરાત યુનિવર્સિટીમાં છ માસ પહેલા 18થી વધારે અધ્યાપકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના વિદ્યાર્થીનેતા બાદમાં ભાજપમાં સામેલ થયા તો સિન્ડીકેટ સભ્ય બની ગયા અને હવે આજ રસ્તે ભરતી પ્રક્રિયામાં પ્રોફેસર પણ બની ગયા છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં  ખુદ સિન્ડીકેટ સભ્ય પોતે જ પ્રોફેસર તરીકે ગોઠવાઇ ગયા હોય તેવો આ પહેલો દાખલો છે. આજ રીતે જર્નાલિઝમમા પણ બે મહિલા પ્રોફેસર સહિત કુલ પાંચ વ્યકિતઓના નામો ભરતી પ્રક્રિયા પહેલા જ બજારમાં ફરતાં થઇ ચુક્યા હતા. આશ્ચર્ય સાથે આઘાતની બાબત એ હતી કે, સત્તાધીશોએ બેશર્મ બનીને આજ નામોની પસંદગી કરી નાંખી હતી. શિક્ષણવિદ્દો કહે છે તટસ્થ અને નિયમો પ્રમાણે ભરતી થાય તો હાલમાં જેમની નિયુક્તિ થઇ છે તેમને કલાર્ક કે પટ્ટાવાળામાં પણ પસંદગી થાય કે કેમ તે શંકા છે. પણ યુનિવર્સિટી તંત્રની બેશરમીના કારણે હાલ આ તમામ અધ્યાપકો બની ચુક્યા છે.

જીટીયુએ તો ખુલ્લેઆમ નિયમોની ઐસી તૈસી કરી…..

 આજ રીતે તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ 35 અધ્યાપકોની ભરતી પૈકી મોટાભાગના ઉમેદવારોની પસંદગી થાય તે પહેલા જ એનએસયુઆઇ વિદ્યાર્થીસંગઠને નામો જાહેર કરી દીધા હતા. અગાઉ કરાયેલી ભરતીમાં પણ ચાર ઉમેદવારોના નામ બજારમાં ચર્ચાતા હતા તેની જ પસંદગી કરવામાં આવી હતી. તાજેતરમાં બાકી રહેલા 25 ઉમેદવારોની ભરતી કાર્યવાહીમાં માત્ર 8ની પસંદગી થઇ તેમાં 5 નામો એનએસયુઆઇએ જાહેર કર્યા હતા તેમની જ પસંદગી કરવામાં આવી છે. એનએસયુઆઇએ એવો પણ દાવો કર્યો હતો કે, આ તમામ ઉમેદવારો એબીવીપી, આરએસએસ સાથે સંકળાયેલા છે અને ભૂતકાળમાં આરએસએસ અને એબીવીપીની કામગીરી કરતાં હોય તેવા ફોટા પણ જાહેર કરવામાં આવ્યા હતા. આમછતાં સત્તાધીશોએ બૈશરમ બનીને એ જ નામોની પસંદગી કરી દીધી હતી. હાલમાં કેટલીક જગ્યાઓ સામે કાનૂની જંગ થાય તેવી પણ શકયતાં છે.

ટીચર્સ યુનિ.ના નવા કુલપતિની સાથે તેમની કોલેજના પ્રોફેસરો પણ આવ્યા …..

ટીચર્સ યુનિવર્સિટીમાં તાજેતરમાં ભાજપના એક સમયના મિડીયા કન્વીનર હર્ષદ પટેલને કુલપતિ તરીકે નિયુક્ત કર્યા બાદ પહેલી વખત ભરતી હાથ ધરવામાં આવી હતી. એનએસયુઆઇના કાર્યકર્તાઓએ આ ભરતી પહેલા પણ કોની ભરતી થશે તેના નામો જાહેર કરી દીધા હતા ભૂતકાળમાં કુલપતિની ચાણક્ય બી.એડ કોલેજ હતી જે બંધ કરી દેવી પડી હતી તે કોલેજમાં જે તે સમયે ફરજ બજાવતાં બે ઉમેદવારોને હવે યુનિવર્સિટીમાં પ્રોફેસર બનાવી દેવાય છે. હાલમાં પણ આ ભરતીનો વિવાદ ચાલી રહ્યો છે. એનએસયુઆઇએ જે નામ જાહેર કર્યા તેમની જ પસંદગી કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિ.માં ફરીવાર ભરતીના નાટકના માટે ગોઠવણની તૈયારી ……

આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ 51 જેટલા પ્રોફેસરોની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ ભરતી થાય તે પહેલા જ વિવાદ શરૂ થઇ ચુક્યો છે. એનએસયુઆઇ દ્વારા આ ભરતીમાં પણ કોની પસંદગી થશે તેના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે.આગામી દિવસોમાં આજ નામોની પસંદગી થાય તેમ છે તે નક્કી છે. મહત્વની અને શિક્ષણ માટે જોખમી બાબત એ છે કે, ભૂતકાળમાં વિવાદ થાય તો ભરતી પ્રક્રિયા બંધ રાખવા ઉપરાંત નિયમો બદલી દેવામાં આવતાં હતા પણ છેલ્લા છ માસની ભરતીમાં સત્તાધીશોએ કોઇની પણ શરમ રાખ્યા વગર બેશરમ બનીને નક્કી કરેલા અને ચર્ચાતા નામોની જ પસંદગી કરી દેવામાં આવી હતી. જેના કારણે આ ભરતી પ્રક્રિયા અગાઉથી નામો પસંદ કર્યા પછી જાહેરાત આપવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે.

ભરતીમાં ચોક્કસ ઉમેદવારોની પસંદગીમાં કુલપતિઓની લાચારી કે ભાગીદારી …

શિક્ષણજગતમાં હાલમાં એ ચર્ચા ચાલી રહી છે કે, એબીવીપી-આરએસએસ સાથે સંકળાયેલા હોય તેવા જ ઉમેદવારોની જે પસંદગી થઇ રહી છે તેમાં કુલપતિઓ સંમત છે કે પછી લાચારીવશ તેઓએ ગેરકાયદે ભરતી છે તે જાણતા હોવાછતાં ચુપ રહેવુ પડે છે તે સંશોધનનો વિષય છે. સૂત્રો કહે છે આરએસએસ અને એબીવીપી દ્વારા જે નામોની પસંદગી કરવા માટે કુલપતિઓની સૂચના આપવામાં આવે છે તે નામોની પસંદગીની આડમાં કુલપતિઓ પોતાના બે-ચાર લાગતાં-વળગતાંઓને પણ ગોઠવી દેતાં હોવાનુ બહાર આવ્યુ છે. હાલમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ જ પોતાના મિત્રો અને લાગતાં-વળગતાં એવા ચાર પ્રોફેસરોને સાયન્સ વિભાગમાં ગોઠવી દીધા છે. ટીચર્સ યુનિ.ના કુલપતિએ પોતાને બે પ્રોફેસરો ગોઠવી દીધા તો જીટીયા કુલપતિએ રાજકોટના ચાર ઉમેદવારોને સેટ કરી દીધા છે.સૂત્રો કહે છે હાલ મજબુરીની આડમાં કુલપતિઓ પણ ફાયદો ઉઠાવી રહ્યા છે.