રાજયમાં કેરોસીનના જથ્થાની જરૂરિયાત સામે કેન્દ્ર સરકાર દ્વારા ૨.૮૦ લાખ લિટર ઓછો જથ્થો ફાળવવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ વિધાનસભામાં લેખિતમાં માહિતી આપીને જણાવ્યુ હતું.
રાજ્યમાં કેરોસીનના જથ્થાની જરૂરિયાત અંગે કોંગ્રેસનાં ભીખાભાઈ જોશીએ વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરી દરમિયાન સવાલ કર્યો હતો કે તા. ૩૦-૦૯-૨૦૧૮ ના રોજ છેલ્લા પાંચ વર્ષ દરિયાન રાજ્યમાં વાર્ષિક કેરોસીનના કેટલા જથ્થાની જરૂરિયાત હતી? તે અન્વયે કેન્દ્ર સરકાર દ્વારા કેટલો જથ્થો ફાળવવામાં આવ્યો હતો? જો કેન્દ્ર સરકાર દ્વારા ઓછો જથ્થો ફાળવેલ હોય તો રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ક્યારે રજૂઆત કરવામાં આવી હતી?
જે અંગે રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ લેખિતમાં માહિતી આપીને જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૩-૧૪માં રાજ્ય સરકારની ૭.૦૭ લાખ લિટર કેરોસીનના જથ્થાની જરૂરિયાત સામે કેન્દ્ર સરકાર દ્વારા ૬.૭૩ લાખ લિટર, વર્ષ ૨૦૧૪-૧૫માં ૭.૨૮ લાખ લિટર કેરોસીનના જથ્થા સામે ૬.૬૨ લાખ લિટર, વર્ષ ૨૦૧૫-૧૬માં ૬.૯૬ લાખ લિટર કેરોસીનના જથ્થા સામે ૬.૩૩ લાખ લિટર, વર્ષ ૨૦૧૬-૧૭માં ૪.૨૧ લાખ લિટર કેરોસીનના જથ્થા સામે ૩.૬૧ લાખ લિટર અને વર્ષ ૨૦૧૭-૧૮માં ૩.૬૨ લાખ લિટર કેરોસીનના જથ્થાની જરૂરિયાત સામે સામે કેન્દ્ર સરકાર દ્વારા ૩.૦૬ લાખ લિટર કેરોસીનના જથ્થાની ફાળવણી કરવામાં આવી હતી.
આમ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યની ૨૯.૧૬ લાખ લિટર કેરોસીનના જથ્થાની જરૂરિયાત સામે કેન્દ્ર સરકાર દ્વારા ૨૬.૩૬ લાખ લિટર કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. એટલે કે, રાજ્ય સરકારની જરૂરિયાત સામે ૨.૮૦ લાખ લિટર કેરોસીનનો જથ્થો ઓછો ફાળવવામાં આવ્યો હતો.