રાજસ્થાનમાંથી ઝિકા વાઈરસ ગુજરાતમાં પ્રવેશ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પાંચ કેસોની આશંકા સેવાઈ રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે અને જંતુનાશક દવા છાંટવાથી લઈને વિવિધ કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લાં કેટલાંય સમયથી ખતરનાક એવા ઝિકા વાઈરસે રાજસ્થાનમાં ભરડો લીધો છે, ત્યારે રાજસ્થાનમાં ઝિકા વાઈરસ ગુજરાતમાં પ્રવેશતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. દિવાળીને ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે ઝિકા વાઈરસના ખતરાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે ફોગિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
રાજસ્થાનમાંથી ઝિકાનો ગુજરાતમાં પ્રવેશ થયો છે. ગુજરાત સરહદ પર આવેલાં અરવલ્લી જિલ્લામાં ઝિકાનો ખતરો જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ કેટલાંક કેસ આવ્યાં હોવાની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગે અરવલ્લી જિલ્લામાં પણ કવાયત હાથ ધરી છે.
ઝિકા વાઈરસના ખતરાને જોતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. જોકે ઝિકા વાઈરસ અંગે આરોગ્ય વિભાગે મૌન ધારણ કર્યું છે. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં ઝિકા વાઈરસના 1400 પોઝિટીવ કેસ નોંધાયા છે ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકોના કારણે આ વાઈરસ ન ફેલાય તેની તકેદારી લેવામાં આવી રહી છે..