ગાંધીનગર, તા. 22
રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી ડેન્ગ્યૂનો કહેર ફેલાયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યૂના અત્યાર સુધીમાં 7319 કેસ નોંધાયા છે. જે પૈકી 21 ઓક્ટોબરે 145 કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના કેસમાં વધારાને લઈને સરકાર ચિંતિત છે. અને આ અંગે પગલાં પણ લેવાઈ રહ્યા છે.
રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંહે રાજ્યના જિલ્લા કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યમાં ફેલાઈ રહેલા ડેન્ગ્યૂના કહેરને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્ય સચિવે ડેન્ગ્યૂ પ્રભાવિત જિલ્લાઓ અને શહેરોમાં સાપ્તાહિક ડ્રાય ડે અભિયાન ચલાવવાની ખાસ સૂચના આપી હતી. આ ઉપરાંત ડ્રાય ડે દરમિયાન ઘરના તમામ પાણીના કન્ટેઈનર ખાલી કરાવવા પણ આદેશો આપ્યા હતા.
બેઠક દરમિયાન મુખ્ય સચિવે તમામ જિલ્લાઓમાં દવાઓનો છંટકાવ કરાવવા અને તેની ઉપર સંપૂર્ણ દેખરેખ રાખવાની પણ સૂચના આપી છે. સાથે તેમને વિવિધ જિલ્લાઓમાંથી એવી માહિતી આપવામાં આવી હતી કે, મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે જે તે જિલ્લાના તળાવોમાં 79,348 પોરા નાશક માછલીઓ નાખવામાં આવી છે. આ ઉપરાંત 4,31,425 ગર્ભવતી મહિલાઓને મચ્છરથી બચવા માટે મચ્છરદાનીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં નોંધાયેલા ડેન્ગ્યૂના કેસ
રાજ્યમાં અત્યારસુધીમાં ડેન્ગ્યૂના કુલ 7319 કેસ નોંધાયા છે. જે મહાનગરપાલિકા અને જિલ્લાવાર સૌથી વધુ અને સૌથી ઓછા ડેન્ગ્યૂના કેસ આ મુજબ છે.
મહાનગરપાલિકા ડેન્ગ્યૂના કેસ
અમદાવાદ 1625
જામનગર 1242
ગાંધીનગર 251
રાજકોટ 491
વડોદરા 513
ભાવનગર 190
સુરત 164
જૂનાગઢ 49
જિલ્લા ડેન્ગ્યૂના કેસ
બનાસકાંઠા 255
ગાંધીનગર 251
રાજકોટ 250
જામનગર 202
દ્વારકા 199
દાહોદ 158
સુરત 146
વલસાડ 140
કચ્છ 113
અમરેલી 105
સૌથી ઓછા કેસ
જિલ્લા ડેન્ગ્યૂના કેસ
નર્મદા 6
પોરબંદર 5
બોટાદ 5
ડાંગ 2