ગાંધીનગર,તા.23 રાજ્યમાં મેઘરાજાએ સાર્વત્રિક રીતે મહેર કરી છે જેના પરિણામે ચાલુ સીઝનનો સરેરાશ વરસાદ ૮૯.૩૦ ટકા જેટલો થયો છે. જેના પરિણામે રાજ્યના ૨૦૪ જળાયોમાં ૩,૯૪,૭૫૧.૪૨ એમસીએફટી જેટલો જળસંગ્રહ થયો છે જે કુલ સંગ્રહશક્તિના ૭૦.૯૧ ટકા જેટલો થાય છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૯.૩૦ ટકા સરેરાશ વરસાદ થયો છે. એમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૪.૯૫ ટકા જેટલો અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં ૬૭.૩૩ ટકા જેટલો નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોનમાં ૧૦૨.૬૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૮.૮૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૪.૬૧ ટકા જેટલો સરેરાશ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યમાં થયેલ સાવર્ત્રિક વરસાદને પરિણાામે આજની તારીખે રાજ્યના ૨૦૪ જળાશયોમાં જે જળસંગ્રહ ૭૦.૯૧ ટકા છે તે ગત વર્ષે આજ તારીખે ૪૪.૨૧ ટકા જેટલો હતો. ઉત્તર ગુજરાતની ૧૫ યોજનામાં ૩૧.૧૨ ટકા, મધ્ય ગુજરાતની ૧૩ યોજનામાં ૯૩.૦૫ ટકા, દક્ષિણ ગુજરાતની ૧૩ યોજનાઓમાં ૭૯.૨૧ ટકા, કચ્છની ૨૦ યોજનામાં ૬૧.૩૮ ટકા અને સૌરાષ્ટ્રની ૧૩૯ યોજનાઓમાં ૫૩.૪૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યના ૨૦૪ જળાશયો પેકી ૩૪ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે. ૫૧ જળાશયો ૭૦ ટકા થી ૧૦૦ ટકા વચ્ચે, ૧૯ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે, ૪૨ જળાશયો ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૫૮ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમમાં ૮૨.૬૧ ટકા જેટલો જળસંગ્રહ છે. જેમાં ૧,૦૬,૮૪૯ ક્યુસેક પાણીની આવક છે અને ૮૩,૭૨૬ ક્યુસેક જાવક છે. કડાણા ડેમમાં ૯૩.૩૪ ટકા જળસંગ્રહ છે અને ૨૫,૫૯૪ કયુસેકની આવક અને ૨૪,૫૫૦ ક્યુસેક પાણીની જાવક છે. વણાકબોરી ડેમમાં ૧૦૦ ટકા જળસંગ્રહ છે અને ૨૦,૦૯૫ ક્યુસેક આવક અને ૧૭,૪૪૫ ક્યુસેક જાવક છે.
દમણગંગા ડેમમાં ૭૦.૩૭ ટકા જળસંગ્રહ અને ૯,૦૪૦ ક્યુસેક આવક તથા ૮,૦૭૧ ક્યુસેક જાવક છે. ઉકાઇ ડેમમાં ૭૯.૬૦ ટકા જળસંગ્રહ અને ૬,૬૫૦ ક્યુસેક આવકની સામે ૫,૪૫૦ ક્યુસેક જાવક, કરજણ ડેમમાં ૭૬.૪૫ જળસંગ્રહ અને ૨,૮૫૨ ક્યુસેક આવક સામે ૪૧૨ ક્યુસેકની જાવક છે.
ધોળીધજા ડેમમાં ૮૬.૯૨ ટકા જળસંગ્રહ થયો છે તેમાં ૧,૪૦૦ ક્યુસેક પાણીની આવક છે. જ્યારે આજી-૪ ડેમમાં ૮૦.૦૩ ટકા જળ સંગ્રહ અને ૧,૨૮૧ ક્યુસેક આવક અને આજી-૩ ડેમમાં ૯૨.૨૯ ટકા જેટલો જળસંગ્રહ અને ૧,૧૯૪ ક્યુસેક પાણીની આવક છે.