ગાંધીનગર, તા. 15
ગુજરાતમાં કોંગ્રેસની સત્તા નથી પરંતુ પાર્ટીના કાર્યકરો રાજ્યના પ્રત્યેક ગામ અને શહેરમા મોજૂદ છે. રાજ્યનું કોઇ ગામ એવું નહીં હોય કે જ્યાં કોંગ્રેસનો કાર્યકર નહીં હોય, ભાજપના નેતાઓ કહે છે કે અમે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કર્યું છે પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસ પાસે રાજ્યની સાડા છ કરોડની વસતીમાં કાર્યકરોની સંખ્યા 45 લાખ કરતાં વધારે છે.
ગુજરાતમાં ભાજપની પહેલી સરકાર 1995માં બની હતી ત્યારે કોંગ્રેસ પાસે એક કરોડ કરતાં વધુ કાર્યકરોની ફોજ હતી, પરંતુ ધીમે ધીમે આ ફોજની સભ્ય સંખ્યા ઘટતી ગઇ છે. 28મી ડિસેમ્બર 1885માં કોંગ્રેસની સ્થાપના થઇ હતી ત્યારથી ગુજરાતમાં કોંગ્રેસનો કાર્યકર મોજૂદ છે. કોંગ્રેસના શાસનકાળમાં તો કોંગ્રેસના કાર્યકરોનો પડ્યો બોલ ઝિલાતો હતો. આજે સ્થિતિ અલગ છે. પ્રદેશના નેતાઓ તેમના વ્યક્તિગત સ્કોરને સેટલ કરી રહ્યાં છે અને કાર્યકરોનો ભાવ પૂછાતો નથી, પરિણામે રાજ્યમાં આવેલી એક પછી એક ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો હારતા જોવા મળ્યા છે.
રાજ્યનો રાજકીય ઈતિહાસ છે કે ગુજરાતમાં કોંગ્રેસને સંપૂર્ણ સત્તા 1985 થી 1990માં મળી હતી ત્યારપછી ચીમનભાઇ પટેલની ગઠબંધન સરકારના દોઢ-બે વર્ષને બાદ કરતાં કોંગ્રેસને સત્તામાં બેસવાનો વારો આવ્યો નથી. એવું કહી શકાય કે કોંગ્રેસ છેલ્લા 29 વર્ષથી સત્તામાં નથી. રાજ્યમાં મતદારોની નવી પેઢીએ કોંગ્રેસનું શાસન ગુજરાતમાં જોયું નથી તેમ છતાં એક બાબતનો ઇનકાર થઇ શકે તેમ નથી કે કોંગ્રેસનું સંગઠન આજેપણ આખા ગુજરાતમાં ફેલાયેલું છે.
આટલા વર્ષોમાં કોંગ્રેસ સત્તાથી બહાર છે, પરંતુ આજેપણ રાજ્યના પ્રત્યેક ગામ અને મહોલ્લામાં કોંગ્રેસનો કાર્યકર્તા મોજૂદ છે. જો આ કાર્યકર્તાઓને ચાર્જ કરી શકે તેવો રાજ્યકક્ષાનો કોઇ નેતા પાર્ટીને મળી જાય તો 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પ્રાપ્ત કરી શકે તેમ છે, કોંગ્રેસના જીતવાના ચાન્સીસ વધારે છે કેમ કે ભાજપ વિભાજિત અને અભિમાની પાર્ટી તરીકે ઉપસી આવ્યું છે. માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ કરીને ચૂંટણીઓ જીતે છે.
કોંગ્રેસમાં સમસ્યા એવી છે કે પાર્ટીમાં તેમને પૂછનાર કોઇ નેતા નથી. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કાર્યકરોને માત્ર ચૂંટણી સમયે યાદ કરે છે. કોંગ્રેસે છેલ્લા 15 વર્ષમાં પાર્ટીના કાર્યકરોનું સંમેલન બોલાવ્યું હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. 15મી ઓગષ્ટ, 26મી જાન્યુઆરી અને કોંગ્રેસ દિન પ્રસંગે પાર્ટીનો કાર્યકર્તા ગાંધી ટોપી પહેરી હાથમાં ત્રિરંગો લઇને જોવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓ તેમને જોઇને ખુશ થાય છે પરંતુ પછી ભૂલી જાય છે.
આ કાર્યકરોનો જુસ્સો ફરીથી ઊભો કરવા માટે કોંગ્રેસના સંગઠનમાં મોટા પરિવર્તનની આવશ્યકતા છે તેવું કોંગ્રેસના એક સિનિયર નેતાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારા પ્રદેશ નેતાઓ ખટરાગ ભૂલીને અને ચૂંટણીમાં ભાજપને મદદ કરવાની જગ્યાએ પાર્ટીના ઉમેદવારને જીતાડવાનું કામ કરે તો અત્યારના ગુજરાત ભાજપની તાકાત નથી કે કોંગ્રેસને સત્તા પર આવતી રોકી શકે.