રાઠવા આદિવાસી ઓળખની લડતમા રાજકીય પક્ષોને પત્ર લખાયો

કવાટ ખાતે હજારોની સંખ્યા મા “રાઠવા આદિવાસી મહાસભા” ભરીને લડતને પુરા સમુદાય મા ફેલાવવાનો પ્રયાસ કર્યા પછી હવે આ લડતને વધુ મજબૂત બનાવવા ના ભાગ રૂપે તેના આગેવાનો એ ગુજરાતમાં સક્રિય તમામ રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખો ને પત્ર લખીને તેઓની પાસે મળવા માટે નો સમય માગ્યો છે.રાઠવા જાતિના લોકોના રેવન્યુ રેકોર્ડમાં કોળી, રાઠવા કોળી શબ્દને કાયમી દૂર કરીને માત્ર રાઠવા શબ્દ રાખવા, 73/ એ એ ની નોંધો પાડવા તેમજ આદિવાસી ના દાખલા આપવામા થતી કનડગતોને બંધ કરવાની માંગ સાથે અનેક વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે.

છેલ્લા આશરે 15 વર્ષોથી આ પ્રશ્નના હલ માટે આંદોલન કરી રહેલ રાઠવા સમાજ હવે આ મુદ્દે કાયમી ઉકેલ લાવવા મક્કમ થયો હોય તેવુ દેખાય રહ્યુ છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે 30મી તારીખની મહાસભા મા દરેક રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખને આ પ્રશ્ન બાબતે મળીને તેના ઉકેલ માટે સહકાર માગવા અને જ્યા સુધી તેમની તમામ માગ ના સંતોષાય ત્યા સુધી તમામ રાજકીય પક્ષોને છોટાઉદેપુર જિલ્લામા પ્રવેશ નહીં કરવા જણાવવાનુ જાહેર કરવામા આવ્યું હતુ. રાજકીય પક્ષોના પ્રવેશ પ્રતિબંધની જાહેરાતને ઉપસ્થિત રાજ્ય સભાના સભ્ય શ્રી નારણભાઈ રાઠવા, ધારાસભ્યો શ્રી મોહનસિહભાઈ રાઠવા, સુખરામભાઈ રાઠવા તેમજ અન્ય હોદ્દેદારો,સરપંચો સહિત પુરી જનમેદનીએ હાથ ઉંચા કરી ને સમર્થન જાહેર કર્યુ હતુ.  સમયાંતરે સરકાર તરફથી પ્રશ્નના હલ માટે દાવાઓ પણ કરાયા છે. તાજેતરમાં જ સરકાર દ્વારા એક સમિતિની રચના કરી સર્વે હાથ ધરવાની જાહેરાત કરાઈ છે જે બાદ પ્રશ્ન નો હલ આવી જશે તેમ સાંસદ રામસિંગભાઈ રાઠવાએ જણાવ્યું છે. પરંતુ આ સમિતિમા કોળી શબ્દ દૂર કરવાની કોઈ વાત કરવા મા નહી આવતા તે સમિતી ને રાઠવા આગેવાનો મતલબ વગરની ગણાવી રહ્યા છે. તેનાથી તેમના મૂળ પ્રશ્નનો કોઈ ઉકેલ આવે તેમ તેઓને લાગતું નથી. જેને લઈને હવે આંદોલન ને એક નવી દિશા આપવામા આવી છે. અત્રે એપણ ઉલ્લેખનીય વાત છે કે પ્રદેશ પ્રમુખો ને મળવા જવા માટે રાઠવા જાતિના પ્રતિનિધિ મંડળમાં ભાજપ -કોગ્રેસ સહિતના રાજકીય પક્ષના રાઠવા પદાધિકારીઓ પણ સામેલ હશે. હવે ખાસ જોવાનુ રહે છે કે શુ રાઠવા રાજકીય આગેવાનો પણ તેમના પક્ષ પ્રમુખોને જો પ્રશ્ન ના ઉકેલાય તો પ્રમુખ અને તેમની પાર્ટીના છોટાઉદેપુર પ્રવેશ સામે પ્રતિબંધ મુકશે? જીલ્લામા બહુમતી વસ્તી ધરાવતો રાઠવા સમુદાય તેમની ઓળખના પ્રશ્ન ને લઈને બધા જ રાજકીય પક્ષો સામે ઉભો થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે.