રાધનપુર, તા.13
રાધનપુર તાલુકાના કામલપુર( ધરવડી)માં ખેતરમાં પશુઓના ભેલાણ બાબતે નિરાશ્રિત ઠાકોર અને કાંકરેજ તાલુકાના માનપુર ગામના શખ્સો વચ્ચે માથાકૂટ થતાં ટોળાએ તલવાર ધારિયા લાકડીઓ જેવા હથિયારો વડે ઠાકોરો પર હિચકારો હુમલો કરતાં કોંગ્રેસના માજી જિલ્લા ડેલીગેટના ભાઇનું ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે સાત વ્યક્તિને ઇજાઓ થઇ હતી. જેમાં એકનો હાથ કપાઈ ગયો હતો અને બાકીના ચાર જણાને અતિ ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ગામમાં તંગદિલીભરી પરિસ્થિતિ સર્જાતાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
રાધનપુરના કામલપુર વચ્ચે માત્ર એકાદ-બે કિલોમીટરનું અંતર
કાંકરેજના માનપુર અને રાધનપુરના કામલપુર વચ્ચે માત્ર એકાદ-બે કિલોમીટરનું અંતર છે બંને ગામના ખેતરો અડીને આવેલા છે. માનપુરાના લોકો અને કામલપુર ગામે કંપામાં રહેતા નિરાશ્રીત ઠાકોર લોકો વચ્ચે ખેતરમાં ભેલાણ મામલો બિચકતા હુમલાની ઘટના બની હતી. ખુલ્લેઆમ હથિયાર ઉછળ્યા હતા. જ્યારે આઠ જણા ઘાયલ થયાં હતા. રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ઘાયલોને મહેસાણા ખસેડાયા હતા. રેફરલ હોસ્પિટલના ર્ડા. કૃણાલ પટેલ અને ર્ડા.ધ્રુવિન પટેલની પેનલ દ્વારા લાશનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.
ગામના ફરતે પેટ્રોલીંગ
આ અંગે રાધનપુર પી.એસ.આઇ આર.બી.વાધિયાએ જણાવ્યું કે ઘટનાને પગલે કામલપુરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્રણ પોલીસ મોબાઈલ મૂકવામાં આવી છે. જેના દ્વારા ગામની ચારે તરફ પેટ્રોલિંગ થઇ રહ્યું છે. ફિક્સ પોઇન્ટ પર પોલીસ મૂકાઇ છે. પીઆઇ ડીવાયએસપી સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા.
મૃતક
જગદીશ ઉર્ફે જગમાલ ખેતાભાઈ નિરાશ્રીત ઠાકોર (35) રહે.કમાલપુર
ભેંસો કાઢવાનું કહેતા બોલાચાલી થતાં જીવલેણ હુમલો
આ અંગે મૃતકના ભાઇ તુલસીભાઈ નિરાશ્રિત ઠાકોરે જણાવ્યું કે ભરવાડો ખેતરમાં ઉભા પાકમાં ભેસો ચરાવતા હતા. ત્યારે અમારા ભાઈ ભેંસો કાઢવા માટે જતા તેમની સાથે તે લોકોએ બોલાચાલી કરી ગામમાંથી બીજા લોકોને બોલાવી 50 થી વધુ લોકોએ જીવલેણ હુમલો કરાયો હતો.
હુમલામાં ઇજાગ્રસ્તો
સુરેશ તુલસીભાઇ ઠાકોર ઉ. 25 , પાંચાભાઇ લાધુભાઈ ઠાકોર ઉ.55 , ભીમજી માનસંગ ઠાકોર ઉ. 50 ,ધનજીભાઈ ખેતાભાઈ ઠાકોર ઉ. 45 , હિતેશ તુલસીભાઇ ઠાકોર ઉ. 35 , ચંદુભાઈ ધનજીભાઈ ઠાકોર ઉ. 30 , વાલીબેન ખેતાભાઈ ઠાકોર ઉ. 70 ,લીલાબેન કરનાભાઈ ઠાકોર ઉ. 30
અગાઉ પણ મૃતકના ભાઇ પર હુમલો થયો હતો
રાધનપુર પીઆઇ વિજયસિંહ પરમારના જણાવ્યા મુજબ આશરે 45થી 50 જેટલા લોકોનું ટોળં કોઇ વાહનોમાં આવી હુમલો કર્યો હતો. કારણ હજુ સ્પષ્ટ નથી પણ મૃતકના ભાઇ કોંગ્રેસના માજી જિલ્લા ડેલીગેટ તુલસીભાઇ ઠાકોર ઉપર હારિજ પાસે હુમલો કરાયો હતો. પણ કોઇ ફરિયાદ થઇ ન હોતી આ પછી ઢોર ચરાવવા મામલે માનપુરાનાશખ્સો સાથે બોલાચાલી થઇ હતી તેની અદાવતમાં હુમલો કરાયાનું સાંભળવા મળ્યું છે. હજુ ફરિયાદ લેવાની બાકી છે.હુમલાખોરો લક્ઝરીમાં આવ્યા હતા. પણ પોલીસના મતે કોઇએ વાહન જોયું નથી.