રાધનપુર, તા.23
રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી રવિવારે જાહેર થઇ છે. જેમાં 21 ઓકટોબર 2019 ના રોજ મતદાન થશે. જયારે 27 ઓકટોબરે મતગણતરી થશે. તારીખ 23થી 30 સપ્ટેબર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. જે આ વખતે રાધનપુર ધારાસભ્ય પદે કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ ભાજપ આવેલા અલ્પેશ ઠાકોરને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી પૂરી શક્યતાઓ છે. ત્યારે કોંગ્રેસ પણ ઠાકોર સામે ઠાકોર કે પછી રબારી કે ચૌધરી જ્ઞાતિના ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે. 2017માં અલ્પેશ ઠાકોરની આ બેઠક પર જીત થઇ હતી. 2019માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતાં આ બેઠક ખાલી પડી હતી.
2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકીને હરાવીને વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસમાંથી જ પક્ષ પલ્ટો કરીને આવેલા અલ્પેશ ઠાકોર ભાજપના ઉમેદવાર બની શકે તેમ છે. ત્યારે કોંગ્રેસમા 20થી વધુ ઉમેદવારોએ ટિકિટ માંગી છે. જેમાં મુખ્યગણીએ તો પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રઘુભાઇ દેસાઇ, ડો.ગોવિંદજી ઠાકોર, ડો.મહેશ મુલાણી, ડી.ડી.ચૌધરી, નવિનભાઇ ચૌધરી સહિત અગ્રક્રમે છે.
બેઠકના 326 મતદાન મથકો પર મતદાન
રાધનપુર વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 3 તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં રાધનપુર તાલુકાના 136 સાંતલપુર તાલુકાના 110 અને સમી તાલુકાના 80 મતદાન મથકો મળી કુલ 326 મતદાન મથકો પર મતદાન થશે. 31 મતદાન મથકો શહેરી વિસ્તારમાં અને 295 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારના છે.
વિધાનસભા મતદાર વિભાગમાં ટીમોની રચના
રાધનપુર વિધાનસભામતદાર વિભાગમાં કુલ 3 ફ્લાઈંગ સ્કોડની ટીમો, 9 સ્ટેટીક સર્વેલન્સ ટીમ, 3 વિડિયો સર્વેલન્સ ટીમ, 1 વિડીયો વિવિંગ ટીમ, 1 એકાઉન્ટ ટીમની રચના કરાઇ છે.
કુલ 269819 મતદારોની સંખ્યા
રાધનપુર વિધાનસભા મતદાર વિભાગમાં 140268 પુરુષ મતદારો 129548 સ્ત્રી મતદારો ત્રણ અન્ય મતદારો મળી કુલ 269819 મતદારો 21 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ નોંધાયેલા છે. જેમાં 18 થી 19 વર્ષના 6431 યુવા મતદારો છે. 155 સર્વિસ વોટર છે.
જ્ઞાતિ વાઇઝ મતદારો
ઠાકોર | 80 હજાર |
અનુ.સુચિત જાતિ | 20 હજાર |
ચૌધરી | 23 હજાર |
મુસ્લિમ | 20 હજાર |
રબારી | 15 હજાર |
આહિર | 15 હજાર |
નાડોદા | 10 હજાર |
બ્રાહ્મણ | 6 હજાર |
રાજપુત | 5500 |
દેવીપૂજક | 5500 |
2017નું ચૂંટણી પરિણામ
નામ | પક્ષ | મળેલ મત |
અલ્પેશ ઠાકોર | કોંગ્રેસ | 85777 |
લવીંગજી સોલંકી | ભાજપ | 70920 |