રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ફોન નહિ લાગતા હોવાનો સરકારે સ્વીકાર કર્યો

ગાંધીનગર, તા. 01

સરકાર દ્વારા રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકશાનની સરવેની કામગીરી મોટા ઉપાડે શરૂ કરવામાં આવી છે. અને તેના માટે વિવિધ વીમા કંપનીઓના ટોલફ્રી નંબર પણ સરકારે જાહેર કર્યા પરંતુ, જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો ફોન લગાવીને થાકી ગયા પરંતુ ફોન લાગતા જ નહોતા ત્યારે ખેડૂતોમાં ફરીએકવાર છેતરાયા હોવાની લાગણી ફેલાઈ છે. આ અંગે તપાસ કરતાં માલૂમ પડ્યું કે, રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક થઈ શકતો જ નહોતો. આ સંજોગોમાં સરકારે આ કંપની જે વિસ્તારને આવરી લે છે તે વિસ્તારના ખેડૂતો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરી હોવાનો દાવો કર્યો છે.

ટોલ ફ્રી નંબર પર સંપર્ક ન થઈ શક્યો

પાક નુકશાની માટે સરકારે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર પર સંપર્ક ન થઈ શકવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હોવાની ફરિયાદ ઉઠી છે. રાજ્ય સરકારે ગુરૂવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કૃષિ વિભાગની એક અગત્યની બેઠકમાં લીધેલા નિર્ણય પ્રમાણે જે તે વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા હતા. અને ખેડૂતોને 72 કલાકના સમયમાં પોતાના પાકની નુકશાનીની માહિતી આપવાની સમય મર્યાદા પણ નક્કી કરી હતી. પરંતુ નંબર જાહેર કર્યા બાદ ખેડૂતો પોતાના પાક નુકશાનીની વિગતો આપવા સતત આ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી રહ્યા હોવા છતાં તેમનો સંપર્ક આ નંબર ઉપર થઈ શક્યો નથી. ત્યારે ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સના નંબર નથી લાગતાઃ સરકાર

આ અંગે રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદૂનો સંપર્ક કરતાં તેમણે કબૂલ કર્યું હતું કે, સરકારે જે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે તેમાં માત્ર રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સના નંબર નથી લાગતા. આ અંગે જે તે વીમા કંપનીને પણ સરકારે તાકીદે આ મામલે ઉકેલ લાવવા માટે આદેશ કર્યો છે. આ કંપની જે વિસ્તારોમાં લાગુ પડે છે તે વિસ્તારના ખેડૂતોની સમસ્યા માટે સરકારે શું પગલાં ભર્યા તેવા સવાલના જવાબમાં ફળદૂએ કહ્યું કે, સરકારે આ ક્લસ્ટરમાં આવતા ખેડૂતોને પણ જે તે જિલ્લા તેમ જ તાલુકા કક્ષાએથી સૂચના આપી છે કે, પાંચ પંચો (આસપાસના ખેડૂતો)ની હાજરીમાં પોતાના ખેતરમાં થયેલા પાકના નુકશાન અંગેના ફોટા પાડે અને લખાણ લખીને તેમની સહી કરાવીને જિલ્લા તેમ જ તાલુકા કક્ષાના ખેતીવાડી અધિકારીને તે સુપરત કરશે તો તેને માન્ય ગણવામાં આવશે. અને તેના આધારે તેમના પાકને થયેલા નુકશાનનું વળતર વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવશે.

કયા વિસ્તારોને આવરે છે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ

રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા જે વિસ્તારોના ખેડૂતોને પાક વીમાનું વળતર ચૂકવવાનું થાય છે તેમાં રાજકોટ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, અરવલ્લી અને ખેડાનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દિવાળીના દિવસો દરમિયા થયેલા કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકશાન થયું છે ત્યારે આ વિસ્તારના લોકોને થયેલા નુકશાનને કંપની કેવી રીતે વળતર ચૂકવશે એક મોટો યક્ષ પ્રશ્ન છે.

સરકાર સામે વેધક સવાલો

કમોસમી વરસાદ સામે વળતર મેળવવા માટે સરકારે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર લાગતા ન હોઈ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકારને કેટલાંક વેધક સવાલો કર્યા છે. તેમણે સરકારને સવાલ કરતાં પૂછ્યું છે કે, કમોસમી વરસાદના કારણે નુકશાનના વળતર બાબતે સરકાર ખેડૂતોને અધૂરી માહિતી શા માટે આપે છે? માત્ર ટોલ ફ્રી નંબર આપ્યા પણ રૂબરૂમાં અરજી કરી શકવાની વાત સરકારે શા માટે છૂપાવી? ટોલ ફ્રી નંબર સિવાય તાલુકા વિસ્તરણ અધિકારી અને તાલુકા મથકે વીમા કંપનીઓની ઓફિસમાં પણ ખેડૂતો રૂબરૂ અરજી કરી શકે એ માહિતી શા માટે સરકારે જાહેર ન કરી? જે ટોલ ફ્રી નંબરમાં ફોન લાગતો જ નથી એવા નંબર જાહેર કરીને સરકારે ખેડૂતોને કેમ ગેરમાર્ગે દોર્યા? તેઓ ઉમેરે છે કે, સરકારે જે રીતે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા અને તે ફોન લાગતા જ નથી ત્યારે ખેડૂતોને હેરાન કરવા બદલ સરકારે ખેડૂતોની માફી માંગવી જોઈએ. આ ઉપરાંત આજથી સરકારી કચેરીઓ કાર્યરત થઈ છે ત્યારે આજથી જ રૂબરૂ અરજી સ્વીકારવાની શરૂઆત થશે તો આજથી જ 72 કલાકની શરૂઆત કરવામાં આવે એવી તેમણે માગણી પણ કરી છે. તેમણે સરકારને એવી પણ રજૂઆત કરી છે કે જાહેર રજાઓમાં અરજી કરવા ખેડૂતો જાય તો ક્યાં જાય એ અંગે પણ સરકારે ચોક્કસ અને સાચી માહિતી જાહેર કરવી જોઈએ.