રુપાણી લાલ સીગ્નલ તોડીને ભાગ્યા, આવ્યો મેમો

અમદાવાદ
શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો મુખ્યપ્રધાન ઉપયોગ કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવેશ થાય છે. અમદાવાદના એરપોર્ટના ઈન્દિરા પુલ અને વડાપ્રધાનના મતદાન મથક નજીક શાસ્ત્રીનગરના લાલ સીગ્લન કુદાવીને તેમની કાર ભાગી ગઈ હતી. જે ટ્રાફિક પોલીસના સીસીટીવી કેમેરામાં પકડાઈ ગઈ અને તેને બે વખત રૂ.300 અને રૂ.100નો મેમો પણ પોલીસે આપ્યો છે.


ટ્રાફિક પોલીસ શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી ફોટા પાડીને પોલીસ કર્મચારીઓ આડેધડ અને ઈરાદાપૂર્વક ઈ-ચલણ ઈસ્યુ કરતા હોવાની ફરિયાદના આધારે સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમવાળા કેમેરા લગાવવાની જાહેરાત સરકારે કરી હતી. એપ્રિલ-2018માં સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ શહેરના મહત્વના જકંશનો પર 1500થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા હતા. ટ્રાફિક જકંશનો પર લગાવાયેલા સીસીટીવી કેમેરા સ્ટોપ લાઈટ તેમજ રેડ લાઈટ વાયોલેશન કરનારા ચાલકના વાહનનો ફોટો પાડી ઈ-મેમો બનાવી દે છે. છેલ્લા દોઢેક વર્ષમાં સીસીટીવી કેમેરાથી લાખોની સંખ્યામાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાને ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. જેમાં સરકારી વાહનો પણ બાકાત નથી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી જે કારમાં ફરે છે તે કાર નંબર જીજે 18-જી 9085ને ડિસેમ્બર-2018માં રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે.
ડિસેમ્બર 17ના રોજ ઈન્દીરાબ્રિજ ખાતે રેડ લાઈટ વાયોલેશન કરવા બદલ 100 રૂપિયા અને ડિસેમ્બર 21ના રોજ શાસ્ત્રીનગર ખાતે બીજી વખત રેડ વાયોલેશન કરવા પેટે 300 રૂપિયાનો ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવ્યો હતો. આ બંને ઈ-ચલણ ઈસ્યુ થયા બાદ આજની તારીખે અમદાવાદ ઈ-ચલણ વેબસાઈટ પર અનપેઈડ બતાવે છે.

મુખ્યપ્રધાનના કાફલાને નિયમ લાગુ પડતો નથી
આપણા દેશમાં વડાપ્રધાન, મુખ્યપ્રધાન સહિતના કેટલાક લોકોને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. તેમના કાફલાને કોઈ ટ્રાફિક નિયમો લાગુ પડતા નથી. એથી પણ વિશેષ આ પ્રધાનોના કાફલા પસાર થાય ત્યારે પ્રજાના વાહનો તો ઠીક એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનોને પણ સુરક્ષાના નામે રોકી દેવાય છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાફલાની કારને ઈસ્યુ કરવામાં આવેલા બે ઈ-મેમો કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમના કારણે જનરેટ થયા છે, પરંતુ અનપેઈડ ઈ-ચલણની યાદીમાંથી તેમને હજી સુધી દૂર કરવામાં આવ્યા નથી. આ અધિકારીઓની બેદરકારીનો ઉત્તમ નમૂનો છે.